કરારરેખા (contract curve) : બે અર્થવ્યવહારી માનવીઓ કે એકમો વચ્ચે થતા વિનિમયમાંથી ઉદભવતાં પરિણામોનો આલેખ દર્શાવતી રેખા. તેની વિભાવના સર્વપ્રથમ બ્રિટિશ અર્થશાસ્ત્રી એફ. વાય. એજવર્થે (1845-1926) રજૂ કરી હતી. કરારરેખાના બે ગુણધર્મો છે :

(1) વિનિમયમાં જોડાયેલી બે વ્યક્તિ કે બે એકમો વિનિમયની પ્રક્રિયા પહેલાં જે આર્થિક સ્થિતિ ભોગવતાં હોય તેની સરખામણીમાં વિનિમય પછીની તેમની આર્થિક સ્થિતિ વિપરીત થવી જોઈએ નહિ. (2) વિનિમય કરતી વ્યક્તિ કે એકમમાંથી કોઈ એક પર પ્રતિકૂળ અસર કર્યા વિના બીજાને લાભ આપવો શક્ય હોવો જોઈએ નહિ. એજવર્થની દલીલ છે કે વિનિમય કરતા બે એકમો તેમનામાંથી ઓછામાં ઓછા કોઈ એક એકમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવા પ્રકારનો બુદ્ધિગમ્ય વિનિમય પસંદ કરતા હોય ત્યારે કરારરેખા પરનાં બિંદુ તેવા વિનિમયમાંથી ઉદભવતાં પરિણામોનો આલેખ આપે છે. બજાર-અર્થતંત્રની ઇષ્ટ અવસ્થા ચકાસવા માટે કલ્યાણ અર્થશાસ્ત્રનો જે વિભાગ ઉપયોગી નીવડે છે તે વિભાગમાં વિશ્લેષણ કરવામાં આવે છે; તેમાં પણ કરારરેખાની વિભાવના મહત્વની ગણાય છે, કારણ કે કરારરેખા પરનાં જે બિંદુઓ ઉત્પાદનનાં સાધનોની ફાળવણીનો નિર્દેશ કરે છે, તે ફાળવણી ‘પૅરેટો ઇષ્ટ બિંદુ’(pareto optimality)ની વિભાવના સાથે સુસંગત છે, તેમ સાબિત કરી શકાય. ‘પૅરેટો ઇષ્ટ બિંદુ’ની વિભાવના મુજબ ઉત્પાદનનાં સાધનોની ફાળવણી કરતી વેળાએ આર્થિક કાર્યક્ષમતા(economic efficiency)ની એવી સપાટી હાંસલ કરવી ઘટે કે જેથી સમાજના કોઈ પણ એકમ પર પ્રતિકૂળ અસર કર્યા વિના કોઈક એકમને લાભ આપી શકાય. સાધન-ફાળવણી આ કસોટીમાં પાર ન ઊતરે તો તે ફાળવણી આર્થિક વ્યય(economic waste)માં પરિણમે છે, તેમ માની શકાય.

કરારરેખા

ઉપરની આકૃતિમાં ‘A’ અને ‘B’ સમાજનાં બે વિનિમય કરતાં જૂથોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની પાસે OAM (= OB M’) જેટલા ‘X’ વસ્તુના એકમો છે તથા OAN (= OBN’) જેટલા ‘Y’ વસ્તુના એકમો છે, તેવું ધારવામાં આવ્યું છે. ‘A’ની તટસ્થ રેખાઓ 1A, 2A, 3A, 4A અને 5A દ્વારા તથા ‘B’ની તટસ્થ રેખાઓ 1B, 2B, 3B, 4B અને 5B દ્વારા દર્શાવવામાં આવેલી છે. ‘A’ની તટસ્થ રેખાઓ OA બિંદુને બહિર્ગોળ છે તો ‘B’ની તટસ્થ રેખાઓ OB બિંદુને બહિર્ગોળ છે. જ્યાં સુધી ‘A’ અને ‘B’ બંનેની તટસ્થ રેખાઓ સ્પર્શરેખિક (tangential) હોય ત્યાં સુધી વિનિમયની પ્રક્રિયાના દરેક તબક્કે બંનેને લાભ થાય, કારણ કે વિનિમયની આ પ્રક્રિયા દરમિયાન બંનેનો સીમાવર્તી અવેજીનો દર સરખો નથી. આકૃતિમાં OA તથા OB બિંદુઓને E, F, P. G, L તથા H બિંદુઓ દ્વારા જોડતી રેખા કરારરેખા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે