કરવત : કાષ્ઠ, પથ્થર કે ધાતુને કાપવા માટે હાથ કે યંત્ર વડે ચાલતાં ઓજારો. આદિ માનવે ચકમકના પથ્થરમાંથી બનાવેલ કરવતને મળતું ઓજાર તેણે વિકસાવેલાં ઓજારોમાં સૌપ્રથમ હોવાની શક્યતા છે. બધા જ પ્રકારની કરવતોમાં V-આકારના દાંતાવાળી ધાર ધરાવતું પાનું (blade) હોય છે. દાંતા એકાંતરે ડાબા-જમણી વાળેલા હોય છે જેથી કરવત અટક્યા વગર સરળ રીતે કાપ પાડી શકે. કાષ્ઠ કાપવાની કે વહેરવાની કરવતો બે પ્રકારની હોય છે : (1) ચીરવાની કરવત (ripsaw) : તે લાકડાના રેસાઓને છીણીની માફક કાપે છે (પ્રતિ સેમી. બે દાંતા), (2) ત્રાંસી કરવત (criss-cut saw) તે લાકડાના રેસાઓને સમાંતર કાપ કરે છે. (પ્રતિ સેમી. 20–32 દાંતા). બંને પ્રકારના દાંતા એક જ પાનામાં હોય તેવી કરવત પણ વપરાય છે. વિવિધ પ્રકારના કામ માટે અનુકૂળતા રહે તે માટે જાત જાતની કરવતો વિકસાવવામાં આવી છે.
ધાતુકાપ કરવત(hacksaw)માં કાષ્ઠ કાપવાની કરવતની સરખામણીમાં વધુ દાંતા હોય છે. યાંત્રિક કરવત ત્રણ પ્રકારની હોય છે. યાંત્રિક બળથી ચાલતી ધાતુકાપ કરવત, ચકતી આકારની પરિઘ પર દાંતાવાળી કરવત અને પટ્ટી કરવત (band saw). પટ્ટી કરવત નમ્ય (flexible), નિરંત (endless), એક બાજુ દાંતાવાળી પટ્ટીરૂપ હોય છે અને તે ગરગડીઓ અથવા ચક્રો ઉપર ઝડપી ગતિ કરતી હોય છે. વૃક્ષના થડમાંથી પાટિયાં વહેરવાની મિલોમાં આ વપરાય છે. યંત્રની મદદથી ધાતુને કાપવાની ક્રિયા પાંચ પ્રકારની કરવતોથી થાય છે. ધાતુકાપ કરવત, પટ્ટી કરવત, કોલ્ડ-સૉ, ઘર્ષણ (friction) કરવત અને અપઘર્ષક (abrasive) કરવત. ઘર્ષણ કરવત (દાંતાવાળી કે વગરની) એટલી ઝડપથી ફરે છે કે ધાતુ પીગળીને દૂર થાય છે અને દાગીનો કપાય છે. અપઘર્ષણ કરવતમાં રબર કે બૅકેલાઇટની મદદથી અપઘર્ષકો ચિટકાવેલ સરાણો વપરાય છે. પાતળી નળીઓ અને પોલાદના સળિયા કાપવામાં આ પદ્ધતિ ઉપયોગી છે. ટુકડા કાપવાની ક્રિયાને કર્તન(cut off)-ક્રિયા કહે છે અને કાપીને ઘાટ આપવાની ક્રિયાને રૂપરેખા-કાપણ (contour sawing) કહે છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ