કરલકખણ (કરલક્ષણ) : અજ્ઞાત જૈનાચાર્ય દ્વારા રચાયેલી સામુદ્રિકશાસ્ત્રવિષયક પદ્યબદ્ધ લઘુ કૃતિ. આમાં પ્રાકૃત ભાષાની 61 ગાથાઓમાં કરલક્ષણ અર્થાત્ હાથમાં દેખાતાં લક્ષણો કે હસ્તરેખાઓનો અભ્યાસ કરાયો છે. હસ્તરેખાઓનું મહત્વ, પુરુષોનાં લક્ષણો, પુરુષોનો જમણો અને સ્ત્રીઓનો ડાબો હાથ જોઈને કરી શકાતું ભવિષ્યકથન વગેરે વિષયોની આમાં ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે. વિદ્યા, કુળ, ધન, રૂપ અને આયુષ્યની સૂચક મુખ્ય પાંચ રેખાઓ ગણાવવામાં આવી છે. હસ્તરેખાઓ દ્વારા ભાઈબહેન અને સંતાનોની સંખ્યા જાણી શકાય છે અને કેટલીક રેખાઓ ધર્મ અને વ્રતના વલણની સૂચક હોય છે, આવી કેટલીક નવીન માન્યતાઓ આ ગ્રંથની વિશેષતા છે.
રમણિકભાઈ મ. શાહ