કરમાકર, દીપા (જ. 9 ઑગસ્ટ 1993, અગરતલા, ત્રિપુરા, ભારત) : ઑલિમ્પિક્સમાં ભાગ લેનારાં ભારતનાં પ્રથમ જિમ્નાસ્ટ.
દીપાએ છ વર્ષની ઉંમરથી જિમ્નાસ્ટિક્સની તાલીમ લેવી શરૂ કરી દીધી હતી. તેના પિતા દુલાલ કરમાકર વેઇટલિફ્ટિંગના કોચ હતા. પિતાની ઇચ્છા હતી કે તેમની નાની દીકરી દીપા જિમ્નાસ્ટિક્સની તાલીમ લે. દીપાએ શાળાકીય શિક્ષણ અભોયનગર નઝરુલ સ્મૃતિ વિદ્યાલયમાં લીધું. શરૂઆતમાં દીપાને જિમ્નાસ્ટિક પસંદ નહોતું, પણ ધીમે ધીમે એની તાલીમ લેતાં તેમાં રસ અને રુચિ જાગૃત થયાં. શરૂઆતમાં કોચ સોમા નંદી અને તે પછી બીશ્વેશ્વર નંદી પાસે તાલીમ લેવી શરૂ કરી. દીપાની સૌથી મોટી સમસ્યા ફ્લેટ ફૂટની હતી. એક જિમ્નાસ્ટ માટે ફ્લેટ ફૂટ હોવો એ બાબત અવરોધરૂપ ગણાય, પરંતુ દીપા અને કોચ બીશ્વેશ્વર નંદીની મહેનત રંગ લાવી. મધ્યમવર્ગના આ કુટુંબમાં મર્યાદિત આવક હોવા છતાં દીપાના પિતાએ તેની તાલીમ બાબતે સઘળી મદદ કરી.
2007માં જલપાઇગુડીમાં આયોજિત જુનિયર રાષ્ટ્રીય સ્પર્ધામાં દીપાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. અત્યાર સુધીમાં દીપાએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કુલ 77 ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે, જેમાં 67 સુવર્ણચંદ્રકો છે. તેણે 2010માં દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રસમૂહ રમતમાં પણ ભાગ લીધો હતો. જોકે તેમાં પદક મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યાં, પરંતુ ચાર વર્ષ પછી ગ્લાસગોમાં યોજાનાર રાષ્ટ્રસમૂહ સ્પર્ધામાં ભાગ લેવા માટે જોરદાર તૈયારી કરી અને 2014માં ગ્લાસગોમાં તેમણે કાસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યારબાદ તેમનું લક્ષ્ય 2016ના ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. તેમણે તમામ લક્ષ્ય પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર કેન્દ્રિત કર્યું. રાષ્ટ્રસમૂહ સ્પર્ધામાં જિમ્નાસ્ટિકમાં પદક જીતનારાં તે પ્રથમ ભારતીય મહિલા બન્યાં.
2014માં એશિયાઈ રમતોમાં તે ચોથા ક્રમે રહ્યાં જ્યારે એશિયાઈ સ્પર્ધામાં તેમણે મહિલા વૉલ્ટ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો જ્યારે બૅલેન્સિંગમાં બીમ ઉપર તે આઠમા ક્રમે રહ્યાં. ઑક્ટોબર 2015માં વિશ્વ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક સ્પર્ધામાં ફાઇનલ સ્ટેજ સુધી ક્વૉલિફાઇય થનારાં તે પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ બન્યાં, જ્યાં તે પાંચમાં સ્થાને રહ્યાં.
18 એપ્રિલ, 2016ના રોજ સહુને જાણ થઈ કે 22 વર્ષીય દીપા કરમાકર રિયો ખાતે ચાલી રહેલ ઑલિમ્પિક્સ રમતોત્સવના ટેસ્ટ ઇવેન્ટ્સમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં ભાગ લેવા ક્વૉલિફાયત થયાં છે ત્યારે દેશભરમાં ખુશી સાથે આશ્ચર્યની લહેર દોડી ગઈ. દીપાએ દેશના ખેલકૂદક્ષેત્રે એક ઇતિહાસ રચ્યો હતો, કારણ કે ઑલિમ્પિક્સમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં ક્વૉલિફાય થનારાં તે પ્રથમ મહિલા ભારતીય ખેલાડી બન્યાં હતાં. બ્રાઝિલના રિયો દ જાનેરો ખાતે યોજાયેલ ઑલિમ્પિક્સમાં ભાગ લેનારાં દીપાએ 2016ની દસમી ઑગસ્ટે ઑલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં 14.833ના સ્કોર સાથે ફાઇનલ વૉલ્ટ ઇવેન્ટ માટે તે ક્વૉલિફાય થયાં. રિયો ઑલિમ્પિક્સમાં તેમનું પ્રદર્શન પ્રભાવક રહ્યું, પરંતુ 15.066ના સ્કોર સાથે કાંસ્ય પદક ચૂકી ગયાં અને ચોથા સ્થાને રહ્યાં. મહત્ત્વની વાત એ હતી કે પ્રોદનોવા વૉલ્ટ ઇવેન્ટમાં દીપા પ્રથમ ક્રમાંકે આવ્યાં હતાં.
પ્રોદનોવા વૉલ્ટ એ જિમ્નાસ્ટિક્સનો સહુથી ખતરનાક વૉલ્ટ છે, જેમાં જરાક જેટલી ચૂકથી જિંદગીભરની અપંગતા કે મૃત્યુ નીપજી શકે છે. આ વૉલ્ટમાં વૉલ્ટિંગ હોર્સ ઉપર એક ફ્રંટ હેન્ડસ્પ્રિંગની સાથે બે સમરસોલ્ટ કરવાના હોય છે અને ત્યારપછી બે પગ ઉપર નીચે જમીન ઉપર ઊતરવાનું હોય છે. આ વૉલ્ટ સહુપ્રથમ રશિયન જિમ્નાસ્ટ યેલેના પ્રોદનોવાએ કર્યો હતો તેથી તેનું નામ પ્રોદનોવા વૉલ્ટ પડ્યું છે. પ્રોદનોવા વૉલ્ટ આટલો જોખમકારક હોવાથી હાલ દુનિયાની માત્ર પાંચ મહિલા જિમ્નાસ્ટ જ તે કરે છે અને ટેસ્ટ સ્પર્ધામાં દીપા કરમાકર તેમાં પ્રથમ ક્રમાંકે આવ્યાં હતાં.
દીપાએ એ સાબિત કરી બતાવ્યું કે એક નાના શહેરની અને મધ્યમવર્ગીય યુવતી પણ ધારે તો ઑલિમ્પિક સુધીની ઉડાન ભરી શકે છે.
2017માં એશિયાઈ આર્ટિસ્ટિક સ્પર્ધાની તાલીમ દરમિયાન ઢીંચણમાં ઇજા થવાથી તેમણે શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી, જેથી તે કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શક્યાં ન હતાં. 2018 રાષ્ટ્રસમૂહ સ્પર્ધામાં તૈયારીના અભાવને કારણે તેણે ભાગ લીધો ન હતો.
2018 જુલાઈમાં તુર્કીમાં યોજાયેલ એફ. આઈ. જી. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ વિશ્વ ચૅલેન્જ કપમાં વૉલ્ટ ઇવેન્ટમાં તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. આમ વિશ્વ ફલક ઉપર જિમ્નાસ્ટિક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનારાં તે પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ બન્યાં. 2018 એશિયાઇ રમતોમાં તે વૉલ્ટ ફાઇનલમાં ક્વૉલિફાઇ થઈ શક્યાં ન હતાં. તેને જમણા ઘૂંટણે ઇજા થતા, શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી તેથી તેણે સ્પર્ધામાંથી નામ પાછું ખેંચી લીધું હતું.
ભારત સરકાર દ્વારા તેને 2015માં અર્જુન ઍવૉર્ડ, 2016માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન ઍવૉર્ડ તથા 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે. એશિયાના ત્રીસ વર્ષથી ઓછી વયના વિશિષ્ટ સિદ્ધિધારકોની યાદીમાં પણ તે સ્થાન પામ્યાં છે.
2024માં તેમણે જિમનાસ્ટિક્સમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
અમલા પરીખ
