કરજની કબૂલાત (I.O.U.) : રોકડ કરજ ચૂકવવાની જવાબદારીની કબૂલાતરૂપે દેવાદાર તરફથી લેણદારને અપાતી લેખિત ચિઠ્ઠી. આવી ચિઠ્ઠી વચનચિઠ્ઠી નથી; છતાં આ ચિઠ્ઠી પરથી દાવો થઈ શકે છે અને દાવા સમયે ફક્ત રોકડ દેણાની સાબિતી તરીકે તે રજૂ કરી શકાય છે. આ ચિઠ્ઠી પર દસ્તાવેજની ટિકિટ લગાડવાની જરૂર હોતી નથી.
સામાન્ય ધંધાકીય વ્યવહારમાં આંતરિક નિયંત્રણ માટે, કોષાધ્યક્ષ કર્મચારીઓને અગાઉથી ઉપલક પૈસા આપતા નથી; છતાં અપવાદરૂપે અમુક સંજોગોમાં, ધંધાના કામની સરળતા માટે અગાઉથી ઉપલક પૈસા આપવા જરૂરી બને છે અને તે સમયે ઉચ્ચ અધિકારીની સહીથી આ પ્રકારની ચિઠ્ઠી મેળવી ઉછીના પૈસા આપવાની જૂની પ્રથા છે, જે હવે બહુ પ્રચલિત નથી.
ઇન્દુભાઈ દોશી