કરચલો (crab) : ખારા કે મીઠા પાણીમાં વિવિધ આકાર અને કદમાં મળી આવતા દસ પગવાળા જળચર કવચધારી પ્રાણીઓનો એક સમૂહ. કરચલાનો આકાર મોટેભાગે ગોળ અગર ચોરસ હોય છે. શીર્ષ અને ઉરસ જોડાઈ ગયેલા હોય છે અને ઉદર શીર્ષોરસ સાથે જોડાયેલું દેખાય છે. તેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય – સંધિપાદ. વર્ગ – કવચધર (crustacea). ઉપવર્ગ – મેલૅકોસ્ટેકા. શ્રેણી – ડેકાપોડા. ઉપશ્રેણી – બ્રેકયૂરા. ડેકાપોડા શ્રેણીના ઍનોમ્યુરા ઉપશ્રેણીનાં પ્રાણીઓને પણ કરચલા કહેવામાં આવે છે. શંખમાં રહેનાર, નારિયેળ (કોપરું) ખાનારા કરચલા, મેક્રુરા ઉપશ્રેણીનાં પ્રાણીઓ છે અને તે ખરેખર જિંગા (Prawn), શેવંડ(Lobster)ની જાતનાં પ્રાણી છે. કરચલાની 4,500 જાતિઓ (species) મળી આવે છે. મોટેભાગે તે સમુદ્રનિવાસી છે છતાં મીઠા પાણીમાં અને જમીન ઉપર પણ રહે છે. સમુદ્રકિનારે 3,700 મીટર ઊંડાઈ સુધી કરચલાની કેટલીક જાતિઓ મળી આવે છે. ઉષ્ણ પ્રદેશોમાં તે મોટા પાયે મળી આવે છે.

જીવન : ઈંડામાંથી બહાર આવ્યા બાદ તે નોપ્લિયસ લાર્વા/ડિંભમાં પરિણમે છે. આ ડિંભાવસ્થા પુખ્ત કરચલાની શરીરરચના સાથે સામ્યતા ધરાવતી નથી. કરચલાની વિવિધ જાતો વિવિધ આકારનાં ડિંભ પેદા કરે છે, જે વિવિધ નામોથી ઓળખાય છે. કરચલા ઝાલર વડે શ્વસન કરે છે. આ ઝાલરો તેના પૃષ્ઠ-પાર્શ્વ ભાગમાં પૃષ્ઠકવચની નીચે ઢંકાયેલી હોય છે, જમીન ઉપરના કરચલામાં આ કોષ્ઠગુહા ફેફસાંનું કાર્ય કરે છે. કરચલા સામાન્ય રીતે મંદગતિથી ચાલે છે. સમુદ્ર કિનારાની રેતી ઉપર આ કરચલા ત્રાંસી ચાલથી ચાલે છે. કેટલાક કરચલા હલેસાં જેવા પગથી પાણીમાં કુશળતાથી તરે છે. કરચલા સર્વભક્ષક હોવાથી સમુદ્રકાંઠા ઉપર સફાઈનું કામ કરે છે. કરચલાનું શરીર શીર્ષોરસ અને ઉદરના એકીકરણથી અંડાકાર કે ત્રિકોણ આકાર ધારણ કરે છે.

કરચલો

ઉપાંગો : કરચલાનું શરીર કુલ 19 કડી/ખંડોનું બનેલું હોય છે (ગર્ભવિકાસમાં); જેમાં શીર્ષ 8 કડીઓ, ઉરસ 5 કડીઓ અને ઉદર 6 કડીઓ ધરાવે છે. આ બધા ખંડો કે કડીઓ એક એક જોડ ઉપાંગ ધરાવે છે, અને તેથી મુખાંગોમાં એકશાખી કે દ્વિશાખી જડબાં કે જંભપાદો (મેક્સિલી પૅડ) હોય છે. મુખાંગોનાં 8 અંગો પૈકી પાછલાં ત્રણ અંગો ઉરસનાં ઉપાંગો પૈકીનાં છે, જે ખોરાક પકડવા માટે મૂળ મુખાંગોની સાથે કાર્ય કરે છે. ઉરસના ભાગમાં 5 જોડ ચલનપાદો આવેલાં હોય છે; જે પૈકી પ્રથમ ચલનપાદની જોડ જાડી માંસલ હોય છે અને છેડે ચીપિયા જેવા હલનશીલ ભાગો ધરાવે છે. ઉદરના ભાગમાં જે ઉપાંગો છે તેને પ્લવનપાદ (pleopod) કહે છે. નર કરચલામાં 2 જોડ અને માદામાં 4 જોડ હોય છે. પ્લવનપાદોની મદદથી માદા ઈંડાંના સમૂહ બનાવી સાચવી રાખે છે. ઈંડાંના વિકાસથી પ્રથમ ઝૂઈયા અને બાદમાં મેગાલોપા ડિંભોનો વિકાસ થાય છે.

હરસુખલાલ છ. રતનપરા

રા. ય. ગુપ્તે

પરબતભાઈ ખી. બોરડ