કમાલ અમરોહી (જ. 19 જાન્યુઆરી 1918, અમરોહા, ઉ.પ્ર.; અ. 11 ફેબ્રુઆરી 1993, મુંબઈ) : હિંદી ચિત્રપટ-દિગ્દર્શક તથા પટકથા-લેખક. શરૂઆતનું શિક્ષણ પોતાના વતનમાં લીધું અને તે પછી ઉચ્ચ શિક્ષણ માટે અલીગઢ ગયા. વિદ્યાર્થી-અવસ્થામાં રંગમંચ અને ચિત્રપટના ક્ષેત્ર તરફ આકર્ષાયા. 1937ના અરસામાં ચિત્રપટ-ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી અને બૉમ્બે ટૉકીઝના સફળ ચિત્રપટ ‘મહલ’ના લેખક-દિગ્દર્શન તરીકે લોકપ્રિયતા સંપાદન કરી. 1938માં મિનર્વા મૂવીટોનમાં કથા-પટકથાલેખક અને સંવાદલેખક તરીકે જોડાયા. બીજા વિશ્વયુદ્ધ પછી ચલચિત્રના દિગ્દર્શન ઉપરાંત નિર્માણકાર્ય આરંભ્યું. તેમનું નામ જે સફળ ચલચિત્રો સાથે જોડાયેલું છે તેમાં ‘મહલ’ ઉપરાંત ‘જેલર’, ‘મુઘલ-એ-આઝમ’, ‘પાકીઝા’ અને ‘રઝિયા સુલતાન’ વિશેષ નોંધપાત્ર છે. ‘જેલર’ ચલચિત્ર માટે તેમને ઉત્તરપ્રદેશ પત્રકાર સંઘ દ્વારા ‘ગૌહર સુવર્ણચંદ્રક’, ‘પાકીઝા’ માટે ફિલ્મ ડિરેક્ટર્સ ઍસોસિયેશન દ્વારા ઉત્તમ દિગ્દર્શકનું પારિતોષિક તથા ‘મુઘલ-એ-આઝમ’ના ઉત્તમ સંવાદ માટે ફિલ્મફેર એવૉર્ડ એનાયત થયાં હતાં.
સુપ્રસિદ્ધ ચલચિત્ર-અભિનેત્રી મીનાકુમારી (1932-72) સાથે તેમનાં લગ્ન થયાં હતાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે