કમળો (jaundice) (આયુર્વેદ) : અતિશય પિત્તકર્તા (ગરમ) આહારવિહાર કરવાથી પિત્તદોષ પ્રકુપિત થવાથી ઉત્પન્ન થતો રોગ.. પિત્તદોષ દર્દીનાં આંખ, નખ, મૂત્ર, મળ અને ત્વચામાં ફેલાઈ જઈ તેને પીળા રંગનાં કરી દઈ, દર્દીને પીળા વર્ણના દેખાવવાળો, નિર્બળ અને પાચનતંત્રના દર્દવાળો બનાવે છે. શરીર દેડકા જેવા ફિક્કા પીળા રંગનું દેખાય છે. દેહની ઇંદ્રિયોની શક્તિ નાશ પામે છે. શરીરમાં દાહ, અપચો, નિર્બળતા, ખોરાક પર અરુચિ તથા અંગોમાં પીડા પણ થાય છે.
આયુર્વેદમાં કમળાના બે પ્રકારો બતાવ્યા છે : (1) કોષ્ઠાશ્રિત અથવા પિત્તદોષજ અને (2) શાખાશ્રિત અથવા કફદોષજ કે અવરુદ્ધમાર્ગી. કમળાની ગંભીર સ્થિતિમાં દર્દને કુંભકામલા કે લોકભાષામાં કમળી કહે છે. સામાન્ય રીતે કોષ્ઠાશ્રિત પ્રકાર જ કમળા તરીકે ઓળખાય છે.
કોષ્ઠાશ્રિત કમળાના રોગમાં પિત્તદોષનો પ્રકોપ હોઈ, તેમાં પિત્તદોષશામક સારવાર કરવાનો ખાસ સિદ્ધાંત છે. આ ઉપરાંત આ દર્દમાં દર્દીને મધુર, કડવા-તૂરા રસનાં ઔષધોથી હળવા જુલાબ આપવા અને તેવાં ઔષધો યોજવાનો સિદ્ધાંત છે. વિરેચન (જુલાબ) લેવાથી પિત્તદોષ શરીરની બહાર નીકળી જતાં રોગ મટે છે. આ હળવા જુલાબ માટે ગરમાળાનો ગોળ, આમળાં અને નસોતર અથવા ત્રિફળા ચૂર્ણ કે ગોમૂત્રથી સંસ્કારિત હરડે ચૂર્ણ વપરાય છે. ખાવાનાં ઔષધોમાં (1) ત્રિફળા, ગળો, લીમડાની અંતરછાલ અને દારુહળદરનો ઉકાળો મધ નાખી પિવાય છે. (2) ફલત્રિકાદિ ક્વાથ, હરિતક્યાદિ ક્વાથ કે અભયાદિ ક્વાથ પિવાય છે. (3) અન્ય તૈયાર ઔષધોમાં કામલાહર રસ, પુનર્નવાદિ મંડૂર, આરોગ્યવર્ધિની રસ, નવાયસ લોહ, પંચગવ્યઘૃત, પથ્યાઘૃત, દન્તીઘૃત, મહાતિક્ત ઘૃત, મહાકલ્યાણ ઘૃત વગેરે અપાય છે.
કમળાના દર્દમાં દર્દીને માટે ખારાં, ખાટાં, તીખાં, તળેલાં અને ગુણથી ગરમ ગણાય તેવાં તમામ આહારદ્રવ્યો અને વિહાર વર્જ્ય હોય છે. જૂના ઘઉં, ચોખા, જવ, સાઠી ચોખા, મગ, મસૂર અને તુવેરની દાળ (સાદાં), જાંગલ પશુ-પક્ષીનો માંસરસ, દૂધી, ટીંડોરાં, કાકડી, તાંદળજો, પરવળ, કોળું, શેરડીનો રસ, મીઠાં ફળો વગેરે લેવાં હિતકર હોય છે. પીવા માટેનું પાણી ધાણા, કાળી દ્રાક્ષ, સુગંધી વાળો, મોથ કે આમળાં જેવાં દ્રવ્યો નાખી ઉકાળી-ઠારીને આપવું હિતકર ગણાય છે. કમળામાં દૂધ-ઘી અપાતાં નથી.
તાપ-તડકામાં રહેવું, ફરવું કે કામ કરવું, ઉજાગરા કરવા, અતિ શ્રમ કરવો, કલર-કેમિકલ કે તેજાબ જેવાનાં કારખાનાંમાં કામ કરવું, ભઠ્ઠી પાસે રહી કામ કરવું, અતિ ચિંતા, શોક કરવો કે વધુ ક્રોધ કરવો તે આ દર્દમાં અહિતકર ગણાય છે.
શેકેલા ચણા-દાળિયા તથા શેરડીનો રસ આ દર્દમાં સરળ ઘરગથ્થુ ઉપચારો તરીકે રોજ લેવાય છે.
આ રોગમાં રીંગણાં, મરચું, ભીંડા, મેથી, રાઈ, હિંગ, લસણ જેવા અતિ ગરમ પદાર્થો તથા સરસિયું તેલ, ગોળ, અથાણાં, દહીં, તળેલાં ફરસાણ વગેરે ન ખાવાં એવું આયુર્વેદ કહે છે.
ચં. પ્ર. શુક્લ
બળદેવપ્રસાદ પનારા