કબૂતર : રાખોડી, સફેદ કે વિવિધ રંગોમાં, સમૂહમાં જોવા મળતું અને કૂવા, વાવ કે મકાનના ઝરૂખાની છત વગેરેમાં માળા બનાવતું એક શાંતિપ્રિય-નિર્દોષ પક્ષી. કબૂતર દુનિયાના ઘણાખરા દેશોમાં મળી આવે છે. સમૂહમાં ચણવાની તેની ટેવને કારણે તે હંમેશા બધાંને મનોરંજન પૂરું પાડે છે. તેનું વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય – મેરુદંડી. વર્ગ – વિહગ. ઉપવર્ગ – નિયૉર્નિથીસ. શ્રેણી – કોલંબિ ફૉર્મિસ. કુળ – કોલંબિડીપારાવત કુળ. નામ – કોલંબા લિવિયા. વિશ્વભરમાં શાંતિનું પ્રતીક મનાતું નિર્દોષ પક્ષી. કબૂતરની અનેક જંગલી અને પાળેલી જાતો છે. હોલાં કે પારવડાં તેનાં નજીકનાં સંબંધી છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવનો પ્રદેશ બાદ કરતાં કબૂતર બધે જ જોવા મળે છે. ઉષ્ણ પ્રદેશમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે છતાં ઑસ્ટ્રેલિયામાં કબૂતરના જેટલા પ્રકારો મળી આવે છે તેટલા બીજે જોવા મળતા નથી. કબૂતર વૃક્ષારોહી પક્ષી છે, છતાં તેના માળા મકાનોમાં અભરાઈ, ગોખ કે ખૂંભીના ટોડલે કે પડતર કૂવાની બખોલમાં જોવા મળે છે. મનુષ્ય સાથેની તેની નિકટતા અને ગંદકી કરી મૂકવાની ટેવને કારણે કહેવત પડી છે કે : ‘કૂવો વંઠ્યો કબૂતર પેઠું, ઘર વંઠ્યું ભગતડું પેઠું’. કબૂતરના માળા સૂકી સળેકડી આડી-અવળી ગોઠવીને થોડાઘણાં પીંછા પાથરીને તૈયાર થાય છે. નર અને માદા બંને માળો બનાવવાના કામમાં અગર ઈંડાં સેવવામાં ભાગ લે છે. બચ્ચાંને ખોરાક પણ બંને ખવડાવે છે. બચ્ચાં નર કે માદાની ચાંચમાંથી પોતાની ચાંચ વડે પાચક પદાર્થ – કપોત દૂધ (pigeon-milk) શોષે છે. બચ્ચાંઓનો આ એકમાત્ર પ્રાથમિક ખોરાક છે.

કબૂતર
કબૂતર બેઠા ઘાટનું, ચાલવામાં ધીમું, પણ ઊડવામાં ઝડપી પક્ષી છે. તેની ડોક ટૂંકી અને ચાંચ નાની અને શૃંગીય હોય છે. ચાંચના મૂળમાં સફેદ ગ્રંથિલ ભાગમાં નાસિકાછિદ્રો ખૂલે છે. આંખને ઉપલું અને નીચલું પોપચું, ઉપરાંત પારદર્શક પટલ રૂપે ત્રીજું પોપચું પણ હોય છે. શરીર ઉપર પીંછાંનું આવરણ હોય છે. પાંખ અને પૂંછડીના ભાગમાં પીંછાં મોટાં હોય છે. હવામાં ઊડતી વેળા સેકંડે આઠ વખત પાંખોને ફફડાવે છે. પૂંછડીનાં પીંછાં સુકાન તરીકે કામ આપે છે.
કબૂતરનો ખોરાક ઘઉં, ચોખા, જુવાર, બાજરી, કઠોળ-દાળ વગેરેના દાણા છે. કબૂતર દાણા ચણવાની સાથે ઘણી વાર ઝીણા કાંકરા પણ ગળે છે. અન્નમાર્ગમાં માંસલ પેષણી (gizzard) આવેલી હોય છે. પેષણીમાં દાણા ભરડવામાં આ કાંકરા મદદરૂપ બને છે. કબૂતરના શરીરનું તાપમાન 42o સે. જેટલું હોય છે, જે મનુષ્યના તાપમાન કરતાં ઠીક ઠીક ઊંચું છે. તેનો શ્વસનદર પણ મનુષ્યના શ્વસનદર કરતાં ઊંચો હોય છે; દા.ત., કબૂતરમાં દર મિનિટે (આરામની સ્થિતિમાં) શ્વસનનો આંક 25થી 29 વખત હોય છે, જ્યારે મનુષ્યમાં માત્ર 14થી 20 હોય છે. કબૂતરનાં ઈંડાંમાંથી 14 દિવસમાં બચ્ચાં ઉત્પન્ન થાય છે.
કબૂતરોની જાતિઓ વિવિધ કુળોમાં મળી આવે છે. ટ્રેરોનિને કુળનાં ફળકબૂતર (fruit pigeons) મુખ્યત્વે આફ્રિકા, દક્ષિણ એશિયા, ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક ટાપુઓમાં જોવા મળે છે. આ પક્ષી વૃક્ષવાસી હોઈ કોમળ ચાંચ અને ટૂંકા પગ ધરાવે છે. મુકુટુધારી કબૂતરો(crowned pigeons)ની ત્રણ જાતિઓ ન્યૂ ગિનીમાં જોવા મળે છે. દંતધારી ચાંચવાળું કબૂતર (Didunuculis strigirostris) સમોઆનું વતની છે. તે પગની મદદથી ખોરાક પકડી ચાંચ વડે ટુકડા કરે છે અને ગળે છે.
મનુષ્યના કબૂતર પાળવાના શોખને કારણે કબૂતરની અનેક પેટાજાતિઓ પેદા થઈ છે. કબૂતરનો માંસાહાર તરીકે અને ભૂતકાળમાં સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો રહ્યો છે. અકબર બાદશાહ પાસે સંદેશાવહન માટે 20,000 કબૂતરો હતાં. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં તેમનો ઉપયોગ થતો હતો. સંદેશાવહન માટે કબૂતરોને ખાસ તાલીમ આપવામાં આવે છે. કેટલાક દેશોમાં કબૂતરની વેગથી ઊડવાની સ્પર્ધા પણ યોજાય છે. નરમાદાની ખાસ જોડીમાંથી ઇચ્છિત પ્રકારનાં કબૂતરોની પેટાજાતિઓ પેદા કરવામાં આવે છે. અલગ અલગ નામોથી ઓળખાય છે. ઉદા., ગિર્રેબાજ – હવામાં ઊડતાં ગુલાંટ ખાનારાં કબૂતર; લક્કા – પૂંછડીનાં પીંછાં પંખા પ્રમાણે ગોઠવનારી જાત; જેકોબિન – ડોકનાં પીંછાં ઊભાં કરી ચક્રાકાર ગોઠવનાર કબૂતર; શિરાજી – પેટ આગળ સફેદ અને પીઠ ઉપર કાળો રંગ ધરાવનાર કબૂતર. તે ઉપરાંત લોટન, બુદબુદા, તુરમાની જેવી અનેક પેટાજાતિઓ જોવા મળે છે.
મૉરિશિયસ બેટનું નામશેષ બનેલું ડોડો પક્ષી પણ કબૂતરની જાતનું પક્ષી હતું. લગભગ 200 વર્ષ પહેલાં તે હયાત હતું. ઉત્તર અમેરિકાના શિકાગો-વિસ્તારમાં લગભગ 150 વર્ષ પહેલાં ઍક્ટોપિકિટસ માયગ્રેટોરિયસ- પૅસેન્જર બર્ડ તરીકે જાણીતું હતું. તેની જાતિ 20મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં નામશેષ બની. તે પૂર્વ અમેરિકામાં લાખોની સંખ્યામાં જોવા મળતાં હતાં. માળા બાંધવા અને ખોરાકની શોધમાં શહેરના જંગલવિસ્તારમાં આ પક્ષીઓનાં ધાડાં ઊતરી આવતાં ત્યારે શિકારીઓ તેમની ઉપર તૂટી પડતા અને લાખોની સંખ્યામાં મારી માંસાહાર અર્થે નિકાસ કરતા. ઓગણીસમી સદીના આખરનાં વર્ષોમાં આ પક્ષીનો-શાંતિના દૂતનો લગભગ સંપૂર્ણ નાશ થયો અને છેલ્લે 1901માં ખાસ સંરક્ષિત ઝૂમાં રાખેલું પક્ષી પણ નાશ પામ્યું.
કબૂતર જેવા નિર્દોષ પક્ષીનું પર્યાવરણમાં વિશિષ્ટ સ્થાન છે. વડ અને પીપળાના ટેટા ખાનાર પક્ષી તેમનાં બીજના ફેલાવા માટે જવાબદાર છે. તેવી જ રીતે ડોડો પક્ષીના નાશથી મોરિશિયસ બેટ ઉપર ખાસ પ્રકારના ડાયોસ્પિરોસ વૃક્ષનાં બીજ અંકુરણ ન પામતાં નાશને પંથે જઈ રહ્યાં છે. આ વિશાળકાય વૃક્ષોનાં કઠણ બીજ ડોડો પક્ષીનો ખોરાક હતો. ડોડોના શરીરમાંથી જે કવચધારી બીજ પસાર થતાં તે જ અંકુરણ પામી શકે છે. આમ ડોડો પક્ષીના નાશની સાથે ડાયોસ્પિરોસ જેવાં વિશાળ વૃક્ષો પણ નાશ પામી રહ્યાં છે. કબૂતર પણ પર્યાવરણમાં બીજની અંકુરણ શક્તિ વધારવામાં મદદ કરે છે એમ જણાય છે. શ્વાસના રોગીઓને કબૂતરના સંપર્કમાં રહેવું હિતાવહ નથી.
ઉપેન્દ્ર રાવળ
રા. ય. ગુપ્તે