કબર : શબને દફનાવ્યા બાદ તે સ્થાને તેની પર કરવામાં આવતું સ્મારક. તે બાંધકામની ર્દષ્ટિએ કાચું કે પાકું પણ હોઈ શકે. જે માનવ-સમાજમાં શબને દફનાવવાનો રિવાજ છે ત્યાં કબર પ્રકારનું આ સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું છે. ઇજિપ્તના પિરામિડો એક રીતે જોઈએ તો કબરો જ છે. કારણ કે તે શબને માટે બાંધવામાં આવેલાં છે. સેમેટિક (સામ) પ્રજા એટલે કે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પાળનારી પ્રજામાં શબને દફનાવવાનો રિવાજ છે, તેથી તે સમાજોમાં શબની ઉપર કબર બનાવવાની પ્રથા છે. હિંદુ સમાજમાં સામાન્ય રીતે શબને અગ્નિસંસ્કાર આપવાનો રિવાજ છે; પરંતુ તેમાંના કેટલાક વર્ગમાં દફનવિધિ પણ જોવા મળે છે; જેમ કે, ગુજરાતના રબારી સમાજમાં શબને દફનાવવાનો રિવાજ છે. એમાંના કેટલાક અમદાવાદની નજીક પીરાણાના સ્થળે શબને દફનાવવા માટે લઈ જાય છે. હિંદુ સમાજમાં બાળકને દફનાવવામાં આવે છે. એ રીતે સાધુ-સંતોને પણ દફનાવવામાં આવે છે અને તેમની પર સમાધિની રચના કરવામાં આવે છે.
યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજમાં શબને દફનાવ્યા બાદ તેની પર કબરની રચના કરવામાં આવે છે. મૃત વ્યક્તિની લંબાઈ અને પહોળાઈને ધ્યાનમાં રાખીને આશરે પાંચ ફૂટ ઊંડો અને બેથી ત્રણ ફૂટ પહોળો ખાડો ખોદવામાં આવે છે અને તેમાં શબને દાટે છે. મુસ્લિમોમાં ખાડાને ઉપરથી એકાદ ફૂટ નીચેના સ્તરે પથ્થરની લાદી અથવા લાકડાંનાં પાટિયાંથી ઢાંકી દઈ બંધ કરે છે અને તે ઉપર ફરીથી માટી નાંખીને એકાદ ફૂટ ઊંચી કાચી કબર કરવામાં આવે છે. ખ્રિસ્તીઓમાં શબને લાકડાની પેટી(કૉફિન)માં મૂકીને દાટવામાં આવે છે. આ પેટીની બહારની અને અંદરની બાજુએ તથા તેના ઢાંકણા પર સફેદ અથવા કાળા રંગનું કાપડ ખીલીઓથી લગાવેલું હોય છે. કબ્રસ્તાનમાં પહોંચ્યા પછી ધાર્મિક વિધિ કર્યા બાદ પેટીનું ઢાંકણ મોટી ખીલીઓ મારીને બંધ કરવામાં આવે છે. તે પછી દોરડાથી પેટીને કબરમાં મૂકવામાં આવે છે. બાદ ખાડો માટી વડે પૂરી દેવામાં આવે છે. માટીની કાચી કબર તાત્કાલિક બનાવી તેની પર ફૂલની ચાદર અને મીણબત્તીઓ રાખવામાં આવે છે. માથા બાજુએ ફૂલો વડે બનાવેલો ક્રૉસ રોપવામાં આવે છે. થોડા મહિના પછી કાચી કબરને વ્યવસ્થિત રીતે છાંદીને અથવા ચણીને કાયમી કબર બનાવવામાં આવે છે. આ વખતે માથા બાજુએ લોખંડનો કે પથ્થરનો ક્રૉસ રોપવામાં આવે છે. ક્રૉસ પર મરનારનું આખું નામ, તેની જન્મ અને મરણતારીખ અને ક્યારેક બાઇબલનું વાક્ય લખવામાં કે કોતરવામાં આવે છે. પથ્થરની પાકી કબરો પર ક્યારેક મૃત્યુલેખ કોતરેલો હોય છે. ક્યારેક ક્રૉસની જગ્યાએ પથ્થરની તકતી પર આખો મૃત્યુલેખ કોતરેલો હોય છે. ક્રૉસની સાથે અથવા કબર પર ક્યારેક સુંદર પ્રતીકાત્મક શિલ્પો કંડારેલાં હોય છે. જેમકે બાળકની કબર પર ફૂલ સાથેનો નાનો છોડ ઉપરથી તૂટી ગયેલો દર્શાવાય છે. ફૂલનો છોડ જિંદગીના પ્રતીક તરીકે હોય છે. છોડની જેમ મૃત બાળકની જિંદગી શરૂ થઈ ત્યાં જ તેનો અંત આવ્યો એ ગૂઢ સંકેત આવાં પ્રતીક પાછળ હોય છે. અંગ્રેજોના સમયની આવી કલાત્મક કબરો મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ વગેરે સ્થળોએ તેમજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, જૂનાગઢ, રાજકોટ, સૂરત વગેરે સ્થળોએ આવેલી છે. ખ્રિસ્તીઓમાં રોમન કૅથલિક સંપ્રદાયમાં નવેમ્બરની બીજી તારીખે સર્વ મૂએલાની સ્મૃતિ માટેનો તહેવાર હોય છે. આ તહેવારના દસ-પંદર દિવસ અગાઉથી મૃતકનાં સ્વજનો દ્વારા કાચી કબરોને છાંદીને તેમને ચૂનાથી ધોળવામાં આવે છે. તહેવારના દિવસે મૃત વ્યક્તિનાં સ્વજનો સાંજે આવીને કબર પર ફૂલ ચડાવે છે અને મીણબત્તીઓ સળગાવીને મૂકે છે. ધર્મગુરુ પાસે મૃત વ્યક્તિ માટે પ્રાર્થના કરાવે છે. મીણબત્તીઓથી ઝળાહળ આખુંયે કબ્રસ્તાન સંધ્યા ટાણે પ્રભાવક લાગે છે. સમગ્ર દુનિયાના રોમન કૅથલિકો આ દિવસે પોતાનાં મૃત સ્વજનોની કબરે જઈ તેમને સ્મરાંજલિ અર્પે છે. ખ્રિસ્તી સંત, પોપ આર્ચબિશપ મૃત્યુ પામે તો તેમને ચર્ચના કમ્પાઉન્ડમાં દફનાવીને તેમની કબર રચવામાં આવે છે; જેમ કે, રોમના સેંટ પીટરના ચર્ચમાં સંત પીટરની કબર છે. ગોવામાં સેંટ ફ્રાન્સિસ ઝેવિયરની કબર પણ ચર્ચમાં છે; જોકે ત્યાં સેન્ટ ઝેવિયરના શબને દફનાવ્યા વિના પેટીમાં રાખ્યું છે. આવો જ રિવાજ ગુજરાતના દેવીપૂજક સમાજમાં જોવા મળે છે. અષાઢ વદ અમાસ(દિવાસો)ના દિવસે તેઓ તેમના કબ્રસ્તાનમાં જાય છે અને તેમનાં મૃત સ્વજનોને જ્યાં દફનાવ્યાં હોય ત્યાં ફૂલો ચઢાવે છે અને અગરબત્તી ધરે છે. એ સાથે મૃત સ્વજનોના સદગુણો અને કુટુંબ માટે તેમણે કરેલાં સારાં કાર્યોને યાદ કરીને વિલાપ કરે છે. મુસ્લિમોમાં કબર બે સ્થળોએ હોઈ શકે છે – કબ્રસ્તાનમાં અથવા કબ્રસ્તાનની બહાર અન્ય કોઈ સ્થળે. તેમના કબ્રસ્તાનમાં કબર પર મોટું પાકું બાંધકામ કરવાની મનાઈ હોય છે. જો આમ કરવામાં આવે તો કબ્રસ્તાનની જગ્યા ભરાઈ જાય. જો કોઈના પોતાના મૃત સ્વજનની કબર પર ભવ્ય બાંધકામ કરવું હોય તો તે કબ્રસ્તાનની બહાર અન્ય સ્થળે પોતાની માલિકીની જમીનમાં મૃત સ્વજનને દફનાવીને તેની પર ભવ્ય બાંધકામ પોતાના ખર્ચે કરાવી શકે છે. આ પ્રકારના બાંધકામને મકબરો કહે છે; જેમ કે તાજમહલ એ મકબરો છે. તેમાં મુમતાઝ અને શાહજહાંની કબરો આવેલી છે. આવું બાંધકામ હજીરા તરીકે પણ ઓળખાય છે. ‘હજીરો’ શબ્દ ‘હુઝ્ર’ પરથી ઊતરી આવ્યો છે. અમદાવાદમાં માણેકચોકના વિસ્તારમાં બાદશાહ અને રાણીના હજીરા સામસામે આવેલા છે. તેમાં અનુક્રમે ગુજરાતના સુલતાનો અને બેગમોની કબરો છે. મકબરામાં અસલી અને નકલી કબરો હોય છે. અસલ કબરમાં શબ દફનાવેલું હોય છે અને તે ભોંયરામાં હોય છે. તેની બરાબર ઉપર બાંધકામ કરીને ઉપરના મજલે દર્શનાર્થીઓ માટેની નકલી કબર બાંધેલી હોય છે. તાજમહલમાં આવી બંને – અસલી અને નકલી કબરો જોવા મળે છે. અમદાવાદમાં કાંકરિયાની નજીકના બગીચામાં આવેલી આર્મેનિયન પ્રજાની કબરો વિશિષ્ટ આકારની છે.
થૉમસ પરમાર