કપ્પસુત્ત (બૃહત્કલ્પ) : જૈન મુનિઓના આચારવિચાર સંબંધી નિયમોના વિવેચન સમા છેદસૂત્રોમાં કલ્પ કે બૃહત્કલ્પ તરીકે જાણીતો ગ્રંથ. આને કલ્પાધ્યયન પણ કહેવામાં આવે છે. પજ્જોસણાકપ્પથી આ ભિન્ન છે. પ્રાચીન પ્રાકૃત ભાષામાં ગદ્યબદ્ધ આ ગ્રંથમાં સાધુ-સાધ્વીઓને માટે સાધક (કલ્પ = યોગ્ય) અને બાધક (અકલ્પ = અયોગ્ય) સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિનું વિસ્તૃત વિવેચન હોઈ એને કલ્પ કહેવામાં આવે છે.
પરંપરા અનુસાર પ્રત્યાખ્યાન નામક નવમા પૂર્વગ્રંથમાંની આચાર નામક ત્રીજી વસ્તુના વીસમા પ્રાભૃતમાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવેલું છે. કાળક્રમે પૂર્વોનું પઠન-પાઠન બંધ થવાથી પ્રાયશ્ચિત્તોનો ઉચ્છેદ થયો. આથી ચતુર્દશપૂર્વધારી આચાર્ય ભદ્રબાહુએ કલ્પ અને વ્યવહાર નામક સૂત્રોની રચના કરી. આગળ જતાં અષ્ટાંગનિમિત્તવેત્તા દ્વિતીય ભદ્રબાહુએ આ બંને છેદસૂત્રોની નિર્યુક્તિ નામક પદ્ય ટીકાની રચના કરી. આમાં કલ્પ પર સંઘદાસગણિ ક્ષમાશ્રમણે પદ્યબદ્ધ લઘુ ભાષ્યની રચના કરી. નિર્યુક્તિ અને ભાષ્યગાથાઓ એકમેકની સાથે ભળી ગઈ. આ સમગ્ર ગ્રંથ પર હેમચન્દ્રાચાર્યના સમકાલીન આચાર્ય મલયગિરિએ અપૂર્ણ વિવરણ લખ્યું, જે ક્ષેત્રકીર્તિસૂરિએ વિ. સં. 1332માં પૂર્ણ કરેલું છે.
મૂળ કલ્પમાં છ ઉદ્દેશકો અર્થાત્ પ્રકરણો છે. પ્રથમ ઉદ્દેશકમાં 51 સૂત્રોમાં સાધુ-સાધ્વીઓના આહાર અને નિવાસને લગતાં વિધાનો છે. બીજા ઉદ્દેશકમાં કેવા ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીઓએ આશ્રય ન લેવો વગેરે દર્શાવ્યું છે. ત્રીજા ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીઓએ અન્યોન્યના ઉપાશ્રયમાં જવા વગેરેના નિષેધ તથા વસ્ત્રાદિનું નિરૂપણ છે. ચોથા ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત અને આચારવિધિનું વર્ણન છે. પાંચમા ઉદ્દેશકમાં સૂર્યોદય પૂર્વેના અને સૂર્યાસ્ત પછીના ભોજન-પાનના નિયમો દર્શાવ્યા છે. છઠ્ઠા ઉદ્દેશકમાં સાધુસાધ્વીઓએ છ પ્રકારનાં દુર્વચન બોલવાનો નિષેધ વગેરે છે. આમ સમગ્ર ગ્રંથમાં સાધુસાધ્વીઓના આચારવ્યવહારના વિધિનિષેધનું નિરૂપણ છે.
બૃહત્કલ્પ પરની ભાષ્ય આદિ ટીકાઓમાં ભારતીય સંસ્કૃતિ અને સમાજને લગતી અનેકવિધ માહિતીનો ખજાનો ભર્યો પડ્યો છે.
રમણિકભાઈ મ. શાહ