કપોલકલ્પિત વિકારો (fictitious disorders) : જાણીજોઈને કોઈ એક શારીરિક કે માનસિક રોગનાં લક્ષણોની નકલ કરવાનો વિકાર. આવી વ્યક્તિ દર્દી તરીકે વર્તવાના ઇરાદાથી શારીરિક કે માનસિક માંદગીની નકલ કરે છે. ઘણી વખતે તેમનો પ્રાથમિક ઇરાદો હૉસ્પિટલમાં દાખલ થવાનો હોય છે. ક્યારેક આ જ તેમની જીવનપદ્ધતિ થયેલી હોય છે. આ પ્રકારનું વર્તન અનિવાર્ય (compulsive), ઇરાદાપૂર્વક (deliberate) અને અદમ્ય (uncontrollable) હોય છે. આ રોગનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાયું નથી પરંતુ સામાન્ય માન્યતા કરતાં તે ઘણું વધારે હોઈ શકે એવો એક અંદાજ છે. તે હૉસ્પિટલ કે આરોગ્યસેવાના પુરુષ-કર્મચારીઓમાં વિશેષ જોવા મળે છે.
કારણો : દર્દીના અગાઉના જીવનમાં ઘણી વખત લાગણીની ઊણપ હોય અને કોઈ જોખમી માંદગી સમયે તેને હૉસ્પિટલના કર્મચારીઓ (ડૉક્ટર, પરિચારિકાઓ તથા અન્ય કર્મચારીઓ) તરફથી પ્રેમ અને સંભાળ મળ્યાં હોય, ક્યારેક દર્દીનાં માતાપિતા વચ્ચેના સંબંધો તંગ હોય, તેમણે દર્દીની અવગણના કરી હોય અથવા તે મૃત્યુ પામ્યાં હોય ત્યારે સાચી માંદગીની નકલ દ્વારા આવો દર્દી, માતાપિતા અને બાળક વચ્ચેના ઇચ્છવાયોગ્ય અને વિધાયક (positive) સંબંધો પુનર્જીવિત કરવા પ્રયત્ન કરે છે. પોતાની જાતને પીડા આપીને તેમાંથી આનંદ મેળવવાની વૃત્તિ ધરાવતી વ્યક્તિઓને સ્વપીડાનંદી (masochistic) કહે છે. ક્યારેક આવી સ્વપીડાનંદી વ્યક્તિત્વવાળી વ્યક્તિ તેના ભૂતકાળના સાચા કે માની લીધેલા પાપની સજારૂપે અંત:પ્રવેશી (invasive) નિદાન-કસોટીઓની કે શસ્ત્રક્રિયાની પીડા સહન કરવાનું ઇચ્છે છે. કેટલાક દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ થયેલાં તેમનાં સગાંની બીમારીની નકલ કરીને તેમની સાથે અકળ રીતે જોડાવા કે ઐક્ય સાધવા ઇચ્છે છે. આવા દર્દીઓનું સ્વત્વનિર્માણ (identity formation) અપૂર્ણ હોય છે તથા તેમનો પોતાના વિશેનો ખ્યાલ વિકૃત હોય છે : હૉસ્પિટલ કે આરોગ્યસેવાના આ પ્રકારના વિકારવાળો કાર્યકર તેની પાસે આવતા દર્દીથી પોતાની જાતને અલગ તારવી શકતો નથી.
પ્રકારો : તેના 3 પ્રકારો છે : (ક) શારીરિક લક્ષણોવાળો વિકાર, (ખ) માનસિક લક્ષણોવાળો વિકાર તથા (ગ) અવર્ગીકૃત લક્ષણોવાળો વિકાર.
(ક) શારીરિક લક્ષણોવાળો વિકાર : તેને મુચાઝન(Muncha-usen)નું સંલક્ષણ (syndrome), હૉસ્પિટલની વ્યસનાસક્તિ (addiction), બહુશસ્ત્રક્રિયાલક્ષી વ્યસનાસક્તિ, ધંધાદારી દર્દી સંલક્ષણ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ પ્રકારનું મહત્વનું પાસું એ છે કે તે વ્યક્તિઓ રોગનાં લક્ષણોની એટલી સારી નકલ કરે છે કે તે હૉસ્પિટલમાં દાખલ થઈને રહી શકે છે. તે કોઈ પણ અવયવી તંત્રના વિકારની નકલ કરે છે. તે પોતે જ તે રોગ વિશે ઘણી સારી માહિતી ધરાવતા હોય છે અને તેથી તેમણે જણાવેલાં લક્ષણોથી ઘણા અનુભવી તબીબો પણ છેતરાય છે. લોહી જામવું, ગળફામાં લોહી આવવું, પેટમાં દુખવું, તાવ આવવો, લોહીમાં ગ્લુકોઝ ઘટી જવું, ઊબકા કે ઊલટી થવી, ચક્કર આવવાં વગેરે જેવાં વિવિધ લક્ષણો સાથે અને વિવિધ રીતે તેઓ તબીબી સારવાર માટે આવે છે. આવાં ચિહનો ઉત્પન્ન કરવા ક્યારેક તેઓ પેશાબમાં લોહી મેળવે છે, રુધિરગંઠનરોધક (anticoagulants) ઔષધો વાપરીને લોહી વહેવાનો વિકાર સર્જે છે, ઇન્સ્યુલિન લઈને લોહીમાં ગ્લુકોઝ ઘટાડે છે વગેરે. અગાઉ કરાવેલી કોઈ શસ્ત્રક્રિયાથી પેટમાં આંતરડાં ચોંટ્યાં છે એમ જણાવી તેઓ દુખાવાની ફરિયાદ કરે છે તથા શસ્ત્રક્રિયા માટે દબાણપૂર્વક માગણી કરે છે. નશાકારક ઔષધો (narcotics) લેવા માટે તે મૂત્રમાર્ગમાં ચૂંક થતી હોવાની નકલ કરે છે. અર્ધા જેટલા નોંધાયેલા કિસ્સામાં દર્દીઓ કોઈ ચોક્કસ પીડાનાશક દવાની માગણી કરે છે. હૉસ્પિટલમાં દાખલ થયા પછી તે વધુ ને વધુ માંગણીઓ કરતા રહે છે અને સંભાળવા મુશ્કેલ બનતા જાય છે. નિદાન-કસોટીઓમાં કોઈ વિકાર ન આવે ત્યારે તે ડૉક્ટર પર અણઆવડતના આક્ષેપો કરે છે, તેને કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી આપે છે તથા ઉશ્કેરાઈને અપશબ્દો પણ બોલે છે. કેટલાક દર્દીઓ તેમના વિશેની સાચી જાણ થાય તે પહેલાં હૉસ્પિટલ બદલીને ત્યાં પણ આ જ પ્રમાણે કર્યા કરે છે.
(ખ) માનસિક લક્ષણોવાળો વિકાર : માનસિક વિકારોનાં લક્ષણોની નકલને પારખવી અઘરી છે અને તે ઘણી તપાસ પછી જ થઈ શકે છે. ખિન્નતા (depression), મનોભ્રમ (hallucinations), અતડાપણાનાં અને પરિવર્તનાત્મક (dissociative and conversion) લક્ષણો તથા અવ્યવસ્થિત (bizzare) વર્તન વગેરે રૂપે માનસિક વિકારોની નકલ કરાય છે. સારવારની અસર થતી હોતી નથી અને તેથી તેઓ ઘણી મોટી માત્રામાં ઔષધો મેળવે છે અને ક્યારેક તેમને વીજજન્ય આંચકાની ચિકિત્સા (electroconvulsive therapy) વડે સારવાર અપાય છે. આ વિકારનાં મુખ્ય પાસાં ત્રણ છે : (1) માનસિક રોગોની નકલ, (2) દર્દી તરીકે વર્તવાથી થતા લાગણીઓના તથા આર્થિક કે સારી શારીરિક સંભાળના ફાયદા, તથા (3) અન્ય માનસિક રોગની ગેરહાજરી. આવો દર્દી ખિન્નતા, યાદશક્તિમાં ઘટાડો, ર્દષ્ટિ કે સાંભળવાની ભ્રાંતિ તથા તીવ્ર મનોવિકારી (psychotic) લક્ષણો દર્શાવે છે. ક્યારેક તે ટૂંકી હકીકતપૂર્ણ માહિતીને મોટી અને રંગીન કલ્પનાઓમાં ભેળવે છે. રોગનાં લક્ષણો ઉપરાંત જીવનનાં અન્ય પાસાંના વર્ણનમાં પણ તે હકીકતોમાં કલ્પનાજન્ય વિકૃતિ લાવે છે; દા.ત., સહાનુભૂતિ મેળવવા માતાપિતાના મૃત્યુ અંગે ખોટી વાતો કરવી. આ વિકૃતિને તરંગી વાણીવ્યવહાર (pseudologia fantastica) કહે છે. આમ કરવામાં તે જુઠ્ઠું પણ બોલે છે અને કોઈ આબરૂદાર વ્યક્તિ તરીકે પોતાની ઓળખ આપે છે. તેને ડોળ (impostership) કહે છે. તેમ કરવા તે શસ્ત્રક્રિયાના રુઝાયેલા ઘાના ચિહનને યુદ્ધના ઘા તરીકે વર્ણવે છે. તે ક્યારેક કોઈ મોટી વ્યક્તિના સાન્નિધ્યમાં છે એવું પણ જણાવે છે.
(ગ) અવર્ગીકૃત લક્ષણોવાળો વિકાર : આ વિકારવાળી વ્યક્તિમાં ઉપર જણાવેલા બંને પ્રકારના વિકારોનાં લક્ષણો હોય છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે કોઈ એક શુદ્ધ વિકારને બદલે મિશ્ર અથવા વર્ગીકૃત લક્ષણોવાળો વિકાર વધુ જોવા મળે છે.
વિકારવિકાસ અને પૂર્વાનુમાન (course and prognosis) : આ વિકાર યુવાનીમાં અને ક્યારેક બાલ્યાવસ્થા કે કુમારાવસ્થા(adolescence)માં શરૂ થાય છે. તેની શરૂઆત અજાણતાં અને ધીમે ધીમે થાય છે. ધીરે ધીરે વિકારગ્રસ્ત વ્યક્તિ તે જે રોગની નકલ કરે છે તેના વિશે દવાઓ અને હૉસ્પિટલોથી વધુ અને વધુ માહિતગાર થાય છે. ઘણી વખત સારવારને કારણે દર્દી અશક્ત બની જાય છે. વિકારના વિકાસ અને અંતનું પૂર્વાનુમાન ખરાબ ભાવિનું સૂચક છે. તેમાંની કેટલીક વ્યક્તિઓ નાના નાના ગુના માટે જેલમાં પણ જાય છે તથા તેમને વારંવાર માનસિક રોગો માટે સારવાર અપાયેલી હોય છે. તેમના અંત વિશે પૂરતી આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી પરંતુ ઘણી વ્યક્તિઓ બિનજરૂરી દવા, સસાધન પરીક્ષણ અને શસ્ત્રક્રિયાને કારણે મૃત્યુ પામે છે. વિવિધ પ્રકારના તન-મન-વિકારો, વ્યક્તિત્વ-વિકારો, વિચ્છિન્ન મનો-વિકાર (schezophrenia), ગેન્સરનું સંલક્ષણ તથા માંદગીના ઢોંગ(malingering)થી આ વિકારને અલગ પાડીને તેનું નિદાન કરાય છે.
સારવાર : કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. માનસિક વિકારની સારવારમાં, દર્દી હૉસ્પિટલ બદલતા રહેતા હોવાથી વિક્ષેપ પડે છે. આ વિકારનું વહેલું નિદાન મહત્વનું ગણાય છે. આ વિકારગ્રસ્ત વ્યક્તિ દ્વારા થતા આક્ષેપો, ધમકીઓ અને શાબ્દિક હુમલાઓને સહીને ડૉક્ટરે ધીરજપૂર્વક સારવાર કરવી પડે છે. દર્દીને કોઈ ચોક્કસ શારીરિક રોગ નથી તે હકીકતને સીધેસીધી જાહેર નથી કરવામાં આવતી.
રાજેશ મણિયાર
અનુ. શિલીન નં. શુક્લ