કપૂર, શેખર (જ. 6 ડિસેમ્બર 1945, લાહોર) : ભારતીય ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક.
શેખર કપૂર ભારતીય ફિલ્મજગતનું બહુ જાણીતું નામ છે. તેઓ ગુણવત્તાયુક્ત ફિલ્મોના આગ્રહી છે. તેમના પિતાનું નામ કુલભૂષણ અને માતાનું નામ શીલકાન્તા. તેમનો અભ્યાસ નવી દિલ્હીની મૉડર્ન સ્કૂલમાં થયો હતો. તેમણે સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતકની પદવી મેળવી. બહુરાષ્ટ્રીય તેલ કંપનીમાં જોડાયા. 1970માં ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્સ ઇન ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું.

શેખર કપૂર
શેખર કપૂર ટીવી શ્રેણી ‘ખાનદાન’(1985)થી બોલિવૂડમાં જાણીતા બન્યા. તેમણે ફિલ્મ ‘જાન હાજિર હૈ’ (1975) અને ત્યારબાદ ‘ટૂટે ખિલૌને’ (1978)થી અભિનેતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ‘માસૂમ’(1983)થી નિર્દેશક તરીકે કાર્ય શરૂ કર્યું. એ પછી તેમણે સાયન્સ ફિક્શન ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’(1987)નું દિગ્દર્શન કર્યું. જેને ભારતના અને વિદેશના વિવેચકોએ પણ વખાણી હતી. ડાકુ અને રાજકારણી ફૂલનદેવીના જીવન પર આધારિત ફિલ્મ ‘બૅન્ડિટ ક્વીન’(1994)નું દિગ્દર્શન કર્યું અને એ ફિલ્મમાં ટ્રક ડ્રાઇવરની ભૂમિકા ભજવી હતી. બ્રિટનમાં મહારાણી એલિઝાબેઝ-Iના શાસનકાળની કાલ્પનિક કથાનકવાળી ફિલ્મ ‘એલિઝાબેથ’ (1998) અને પછી ‘એલિઝાબેથ : ધ ગોલ્ડન એજ’ (2007) અનુક્રમે સાત અને બે ઓસ્કાર માટે નામાંકિત થઈ હતી. તેમણે એન્ડ્ર્યૂ લૉયડ વૅબર દ્વારા લખાયેલ ‘બૉમ્બે ડ્રીમ્સ’નું એક્ઝિક્યુટિવ-નિર્માણ કર્યું હતું. માતા અમૃતાનંદમયી દેવી વિશે ‘ધ સાયન્સ ઑવ્ કમ્પેશન’ (2016) ફિલ્મ રજૂ કરી હતી. તેમણે દૂરદર્શન પરથી પ્રસારિત ‘ઉડાન’ અને ‘ઉપન્યાસ’માં અભિનય કર્યો હતો. તેમણે કલર્સ ચૅનલ પર પ્રસારિત ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જજ તરીકે સેવા આપી હતી. તેમણે ‘ધ સ્ટોરી ઑવ્ માય એક્સપરિમેન્ટ્સ વિથ ટ્રૂથ’માં ગાંધીજીનો અવાજ આપ્યો હતો. 2013માં એબીપી ન્યૂઝ પર ટીવી શો ‘પ્રધાનમંત્રી’ હોસ્ટ કર્યો હતો. તેમણે 2006માં ‘લિક્વિડ કૉમિક્સ અને વર્જિન ઍનિમેશન’ની સ્થાપના કરી.
ફિલ્મક્ષેત્રે તેમના પદાર્પણ બદલ તેમને અનેક માન-સન્માનો મળ્યાં છે. તેઓ 2010માં 63મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી મેમ્બર હતા. 2020માં ફિલ્મ અને ફેસ્ટિવલમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ 54મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયામાં જ્યૂરીના અધ્યક્ષ હતા. તેમને 1984માં ફિલ્મ ‘માસૂમ’ માટે બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સનો ફિલ્મફેર ઍવૉર્ડ, 1995માં ‘બેન્ડિટ ક્વીન’ માટે બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સનો ફિલ્મફેર ઍવૉર્ડ, 1997માં ’બેન્ડિટ ક્વીન’ માટે બેસ્ટ ડાયરેક્ટરનો ફિલ્મફેર ઍવૉર્ડ, 1999માં ફિલ્મફેર ઍવૉર્ડનો સ્પેશિયલ ઍવૉર્ડ મળ્યો હતો. 1999માં ‘એલિઝાબેથ’ માટે આઉટસ્ટેન્ડિંગ બ્રિટિશ ફિલ્મ માટે BAFTA ઍવૉર્ડ મળ્યો હતો. 1998માં ‘એલિઝાબેથ’ના શ્રેષ્ઠ દિગ્દર્શક માટે નૅશનલ બોર્ડ ઑફ રિવ્યૂ ઍવૉર્ડ અને ‘બેન્ડિટ ક્વીન’ માટે બેસ્ટ ફીચરફિલ્મ હિન્દી માટે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ મળ્યો હતો. ભારત સરકારે 2000માં પદ્મશ્રી અને 2025માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
અનિલ રાવલ