કપૂર, જગતનારાયણ (જ. 7 સપ્ટેમ્બર 1923, દિલ્હી; અ. 4 સપ્ટેમ્બર 2002) : ખ્યાતનામ ગણિતશાસ્ત્રી, સમર્થ વહીવટકર્તા, પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, ગાંધી-વિવેકાનંદ અને અરવિંદના આદર્શોના ચુસ્ત પુરસ્કર્તા. દિલ્હીના લલિતનારાયણ કપૂરને ત્યાં તેમનો જન્મ થયો હતો. તેઓ દિલ્હીની મહર્ષિ દયાનંદ ઍંગ્લો વર્નાક્યુલર હાઈસ્કૂલ, દરિયાગંજ હિંદુ કૉલેજ અને દિલ્હી યુનિવર્સિટીના અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે ગણિતશાસ્ત્રના વિષય સાથે બી.એ. (ઑનર્સ) અને એમ.એ.ની ઉપાધિ વિક્રમ ટકાવારી સાથે મેળવી, ત્રણ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા.

તેમણે પોતાની માતૃસંસ્થામાં પંદર વર્ષ અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી – કાનપુરમાં જોડાયા. ત્યાં દસ વર્ષ અધ્યાપન કર્યું, જેમાં તેમણે શુદ્ધ ગણિત – પ્રયુક્ત ગણિત, ક્રિયાત્મક સંશોધન (operating research), દ્રવયાંત્રિકી (fluid mechanics) અને આંકડાશાસ્ત્ર વગેરે વિવિધ વિષયો અનુસ્નાતક કક્ષાએ કુશળતાથી શીખવ્યા.

એ.એમ.ટી.આઇ.(ઍસોસિયેશન ઑવ્ મૅથેમેટિક્સ ટીચર્સ ઑવ્ ઇન્ડિયા)ના પ્રમુખ પ્રો. પી. એલ. ભટનાગરની પ્રેરણાથી તેમણે સંશોધનકાર્ય શરૂ કર્યું. વળી તેમણે ‘ગન અને રૉકેટની આંતર પ્રાક્ષેપિકી’ (internal ballistics of guns and rockets) વિષયમાં 1958માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં ચારસો જેટલાં સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યાં. દેશવિદેશમાં યોજાયેલી દોઢસોથી વધુ ચર્ચાસભાઓ અને પરિષદોમાં તેમણે હાજરી આપેલી. ગણિતશાસ્ત્ર અને ગણિતશિક્ષણના ક્ષેત્રે અને ખાસ કરીને પ્રયુક્ત ગણિતશાસ્ત્ર, પ્રાક્ષેપિકી, દ્રવયાંત્રિકી, ચુંબકીય દ્રવયાંત્રિકી (magneto hydrodynamics), સંચયી ગણિતશાસ્ત્ર (combinational mathematics) વગેરે વિવિધ વિષયો પર તેમણે અનેક ગ્રંથો લખ્યા. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમીના તેઓ વૈજ્ઞાનિક થયા (1987-89). ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસ તરફથી જી. પી. ચેટરજી પારિતોષિક તેમને મળ્યું. મેરઠ વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે તેમણે એક સત્ર કામ કર્યું. ગણિતશાસ્ત્રના અભ્યાસક્રમોના પુનરાવર્તન, આધુનિકીકરણ અને પુનર્રચના માટેની કેન્દ્ર સરકારની અને એન.સી.ઈ.આર.ટી.ની અનેક સમિતિઓમાં તેમણે સક્રિય કામ કર્યું. 1877થી 1989 દરમિયાન તેઓ એ.એમ.ટી.આઇ.ના પ્રમુખ પણ હતા.

શિવપ્રસાદ મ. જાની