કપૂર (આયુર્વેદ) : સુગંધિત ઔષધ-દ્રવ્ય. વિવિધ ભાષાઓમાં તેનાં નામ આ પ્રમાણે છે : સં. कर्पूर, सिताभ्र, चन्द्र, घनसार; હિ. મ. ગુ. कपूर; બ. कर्पूर, कापूर; અ. काफूर; ફા. कपूर; ત. તે. કર્પૂરમ, અં. camphor; લે. Cinnamomum camphora Nees & Eberm. ભીમસેની (બરાસ) કપૂર – Borneo or Burus camphor; દેશી કપૂર : Blumea camphor; ચીની કપૂર-પ્રથમોક્ત-સિનેમોમ કૅમ્ફોરા.
કપૂર તજ કે કર્પૂરાદિ (Lauraceae) વર્ગની મુખ્ય ઔષધિ છે. આ વર્ગની વનસ્પતિઓનાં પાન ઉપપત્રરહિત, સાદાં, તેલી, સદાય લીલાં, પુષ્પ શાખાના અગ્રભાગે, પુંકેસર 2-3 અને ફળ જરા માંસલ હોય છે. કપૂરના ચીન-જાપાન, સુમાત્રા, બૉર્નિયો જેવા બેટોમાં થતાં ઝાડ 18.3થી 24.4 મીટર ઊંચાં હોય છે. પાન થોડાં લંબગોળ એકાંતરે, 5થી 10 સેમી. ઇંચ લાંબાં, પીળાશ પડતા લીલા રંગનાં, ચર્મવત્, સુગંધિત, તેજપત્ર જેવાં હોય છે. તે જોવામાં ભાલા જેવાં, સુંવાળાં અને શિરા દેખાય તેવાં હોય છે. ફૂલ પીળાશ પડતાં સફેદ, નાનાં, મંજરી રૂપે લાંબી દાંડી ઉપર આવે છે. ફળ ઘેરાં લીલાં, વટાણા જેવાં ગોળ, ગુચ્છામાં થાય છે; જે ઑક્ટોબરમાં પાકીને કાળાં પડી જાય છે. બીજફળમાં બી નાનાં હોય છે. આખા ઝાડમાં કપૂરની સુગંધ આવે છે. ફેબ્રુઆરી-માર્ચમાં ઝાડનાં જૂનાં પાન ખરી જાય છે, તે સાથે નવાં પાન ફૂટે છે. કપૂર એક પ્રકારનું જમાવેલું ઉડ્ડયનશીલ શ્વેત વર્ણનું તેલ કે તેલી પદાર્થ છે.
પ્રકારો : દેશભેદ, નિર્માણભેદ અને વર્ણભેદથી કપૂર અનેક પ્રકારનું થાય છે. દેશભેદથી તેના મુખ્ય 3 પ્રકારો છે. (1) ચીની કે જાપાની; (2) બૉર્નિયો ટાપુનું બરાસ કે ભીમસેની કપૂર અને (3) ભારતીય-દેશી : પત્રી, નાગી, બ્લૂમિયા. નિર્માણની ર્દષ્ટિએ કપૂર પક્વ અને અપક્વ બે જાતનું હોય છે. આજકાલ રાસાયણિક પ્રક્રિયાથી કૃત્રિમ કપૂર પણ બને છે. વર્ણ(રંગ)ભેદથી કપૂરના 3 પ્રકારો યૂનાની વૈદક મતે છે : (1) રિયાહી-રક્તાભ શ્વેત રંગનું – કુદરતી રીતે થતું, ભીમસેની કપૂર; (2) કૈસૂરી – એકદમ સફેદ, ઉજ્જ્વળ અને પડવાળું (પતરી-પત્રી) કે ફૉર્મોસા (પક્વ) કપૂર અને (3) કાફૂર મોતી-માટી જેવા વર્ણનું પકાવીને કે કૃત્રિમ રીતે થતું ‘બ્લૂમિયા’ કપૂર.
રાસાયણિક સંઘટન : કપૂર પારદર્શક, શ્વેત રંગના સ્ફટિકાકાર કે કણોના રૂપે મળે છે. તેની ગંધ તીક્ષ્ણ અને વિશિષ્ટ સુગંધિત હોય છે. 1 ભાગ કપૂર, 700 ભાગ જળ, 1 ભાગ સુરાસાર (90 % આલ્કોહૉલ), 4 ભાગ ઑલિવ ઑઇલ, 1 ભાગ ટર્પેન્ટાઇન તેલ અને ભાગ ક્લૉરોફૉર્મમાં ઓગળી જાય છે. ઈથરમાં તે અતિ શીઘ્રતાથી ઓગળે છે. કપૂરને પિપરમિન્ટ (મૅન્થૉલ), થાયમૉલ, ફૅનોલ, નૅપ્થૉલ કે સેલિસેલિક ઍસિડમાંથી કોઈ પણ એક સાથે મેળવતાં તેનું દ્રવરૂપ બને છે.
ગુણધર્મ : આયુર્વેદના મતે કપૂર રસમાં કડવું, તીખું અને મધુર; ગુણમાં હળવું, તીક્ષ્ણ; વિપાકે તીખું, શીતવીર્ય, ત્રિદોષહર; ખાસ-કફ-વાત શામક, સુગંધિત, દીપક, ચક્ષુષ્ય, વૃષ્ય (વીર્યવર્ધક), લેખન, વિષઘ્ન, સ્વેદજનક તથા પિત્ત-તૃષા શામક તેમજ તાવ, ખાંસી, નેત્રરોગ, દાહ, મુખનો બદસ્વાદ, આંચકી-તાણ, રક્તપિત્ત, આફરો, સોજા, ઉદરરોગ, કંઠરોગ, મૂત્રકૃચ્છ્ર તથા પીડાનાશક છે. અલ્પ માત્રામાં તે કામોત્તેજક તથા મગજ, હૃદય અને ફેફસાં માટે ઉત્તેજક છે; પરંતુ વધુ માત્રામાં તે કામવાસના-નાશક, મદકારક, ધાવણ-નાશક, દાહોત્પાદક અને વિષાક્ત ગુણ પ્રગટાવે છે. કપૂર પરસેવો તથા મળની દુર્ગંધનો નાશ કરી, પોતાના પ્રભાવથી શબને સડતું અટકાવે છે. નવું (તાજું) કપૂર સ્નિગ્ધ, કડવું, ઉષ્ણ અને દાહકારક હોય છે. જૂનું કપૂર દાહ અને શોષ-તૃષાનો નાશ કરે છે.
ભીમસેની કપૂર : વૃક્ષમાંથી પકવ્યા વિના કુદરતી સ્વરૂપે મેળવાય છે. તે બીજા કપૂર કરતાં વધુ કઠણ અને વજનમાં ભારે હોઈ, જલદી ઊડી જતું નથી. તે પાણીમાં નાંખવાથી ડૂબી જાય છે. હવામાં ખુલ્લું રાખવાથી અન્ય કૃત્રિમ (પક્વ) કપૂરની જેમ જલદી ઊડી જતું નથી. તે બીજા કપૂર કરતાં વધુ ગરમ તથા તીવ્ર (વધુ) સુગંધવાળું હોય છે. દેખાવે તે સ્ફટિકમય, સફેદ, ચમકદાર, સ્વચ્છ, પાતળા અને નાના ટુકડારૂપ હોય છે. તેની ઉપર સુરોખારનો તેજાબ (નાઇટ્રિક ઍસિડ) નાખવાથી, તે સાદા ચિનાઈ કપૂરમાં ફેરવાઈ જાય છે. આ કપૂર કૃત્રિમ રીતે પણ બને છે; પણ તેના કણ નાના હોય છે. ભીમસેની (બરાસ) કપૂર રસમાં મધુર, કડવું ને તીખું; ગુણમાં શીતળ, વૃષ્ય, બલ્ય, વીર્યજનક, ત્રિદોષનાશક, નેત્રહિતકર, નિદ્રાજનક, મનને પ્રસન્નકર્તા અને તૃષા, દાહ, રક્તપિત્ત, મૂત્રદાહ, પિત્તજ્વર, ક્ષય, ઉર:ક્ષત, સંગ્રહણી, નસકોરી ફૂટવી વગેરે મટાડવામાં ઉપયોગી છે. તે વિકૃત કફનો નાશ કરે છે. હિંદુ ધર્મમાં દેવ-દેવીની આરતી તથા પૂજામાં કપૂરનો દીવો તથા ધૂપ કરાય છે; જેથી વાતાવરણ પવિત્ર તથા સુવાસિત બની જાય છે. કપૂર અનેક દવાઓમાં સહાયક ઔષધ રૂપે વ્યાપકપણે વપરાય છે.
આધુનિક વિજ્ઞાનના મતે કપૂર મસ્તક અને સુષુમ્ણા નાડીને ઉત્તેજક. હૃદયોત્તેજક, ધમની-સંકોચક, આક્ષેપહર, વાતહર, દીપન, દુર્ગંધનાશક, રક્તમાં શ્વેતાણુ(W.B.C.)-વર્ધક, કફઘ્ન; સ્વેદજનક છે. જનનેન્દ્રિય પર કપૂરની ક્રિયા વ્યક્તિની પ્રકૃતિ અને માત્રાભેદથી કોઈને ઉત્તેજક અને કોઈને શામક બનાવે છે. કપૂરની વધુ માત્રા ઊલટી અથવા તો માદકતા પેદા કરે છે; જેનાથી માથામાં ભારેપણું, ચક્કર, પ્રલાપ, આંચકી-તાણ, બેહોશી અને મૂર્ચ્છા જેવાં લક્ષણો સાથે શરીર શીતળ અને નાડીનું સ્પંદન ઓછું થઈ જાય છે. કપૂર શ્વાસકેન્દ્ર(ફેફસાં)માં ઉત્તેજના લાવે છે; જેથી શ્વાસક્રિયા શાંત, સબળ અને ગંભીર બને છે. નિ:શ્વાસમાં કપૂર રૂપાંતર થયા વિના બહાર નીકળે છે; જેથી કફ પાતળો અને શિથિલ થઈને સરળતાથી બહાર નીકળી જાય છે; માટે મોટાભાગના ખાંસી માટેના કફસિરપની બનાવટમાં કપૂર અવશ્ય હોય છે. તાવમાં પરસેવો લાવી ગરમી ઘટાડવા અને શીતળા, ઓરી, ગ્રંથિજ્વર, ટાઇફૉઇડ, શોથજ્વર અને રતવા પર પણ કપૂર અતિ લાભદાયક છે. કૉલેરાની ઔષધિઓમાં કપૂર અત્યુત્તમ ઔષધિ છે; પણ તેમાં કપૂરનો પ્રયોગ પ્રારંભમાં તુરત કરવો જોઈએ. પ્રસૂતાની શૂળ-પીડામાં, પુરુષોના શુક્રમેહ કે વીર્યસ્રાવ-વિકારમાં, સ્વપ્નદોષમાં કપૂર ખુરાસાની અજમા સાથે આપવાથી જલદી લાભ થાય છે.
કપૂર વધુ માત્રામાં લેવાથી થયેલ ઉપદ્રવની શાંતિ એળિયો, કસ્તૂરી અથવા કેસરથી થાય છે. કપૂરનો પ્રતિનિધિ સફેદ ચંદન અને વંશલોચન છે.
બળદેવપ્રસાદ પનારા