કપૂરથલા : પંજાબ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31o 23′ ઉ. અ. અને 75o 23′ પૂ.રે.ની આજુબાજુનો 1,646 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે અલગ ભૂમિભાગોમાં વહેંચાયેલો છે. જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ ભાગો વચ્ચે જલંધર જિલ્લો આવેલો છે. જિલ્લાની ઉત્તર તરફ ગુરદાસપુર અને હોશિયારપુર, પૂર્વ તરફ હોશિયારપુર અને નવાનશહર, દક્ષિણ તરફ લુધિયાણા અને ફીરોઝપુર, તથા પશ્ચિમ અને વાયવ્ય તરફ અમૃતસર જિલ્લા આવેલા છે. જિલ્લાની પશ્ચિમ સીમા બિયાસ નદીથી બનેલી છે. જિલ્લામથક કપૂરથલા જિલ્લાના પશ્ચિમ વિભાગમાં મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ કાંપનાં મેદાનોથી બનેલું હોવાથી સમતળ છે. બિયાસ અને સતલજ અહીંની મુખ્ય નદીઓ છે. બિયાસમાં દર વર્ષે પૂર આવતું હોવાથી તેના ડાબા કાંઠે ઘૂસી બંધનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લાનો નૈર્ઋત્ય છેડો સતલજથી બનેલો છે. આ બે નદીઓ વચ્ચેનો દોઆબ પ્રદેશ કાંપથી બનેલો હોવાથી ફળદ્રૂપ છે. નહેરો અને કૂવાઓ સિંચાઈના સ્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે.
અર્થતંત્ર : ખેતી આ જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ભારતમાં હરિયાળી ક્રાંતિની અસર અહીં વધુ જોવા મળે છે. સરકારી પ્રયાસોથી અહીં સડકમાર્ગો, રેલમાર્ગો તેમજ નહેરોની બંને બાજુએ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. નહેરો, પાતાળકૂવા અને સાદા કૂવાઓ દ્વારા સિંચાઈનો લાભ મળતો હોવાથી ખેતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહીં ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, ચણા, તમાકુ જેવા પાકોનું વાવેતર થાય છે. ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિ પણ વિકસી છે. તેથી ગાય, બળદ, ભેંસ, ઘોડા, ગધેડા અને ઘેટાં-બકરાંનો ઉછેર થાય છે.
1947 પહેલાં કપૂરથલાના મહારાજા જગતજિતસિંહની દૂરંદેશિતાને કારણે કપૂરથલા રેલમાર્ગ અને સડકમાર્ગો દ્વારા જલંધર સાથે જોડાયું હતું. તેથી અહીં સુતરાઉ કાપડ, ખાંડ, કાચ, રબર, રંગ, દવાઓ, રસાયણો, કૃષિઓજારો તથા બિન-લોહધાતુના ઘણા ઔદ્યોગિક એકમો સ્થપાયા છે. આ સિવાય ગૃહઉદ્યોગો પૈકી હાથવણાટ, છાપકામ, નકશીકામ, સ્ટેનલેસ સ્ટીલ અને પિત્તળનાં વાસણો બનાવવાના એકમો તથા ચામડાં સાથે સંકલિત કારખાનાં પણ કાર્યરત છે.
પરિવહન–વેપાર : કપૂરથલા, ફાગવારા અને સુલતાનપુર બ્રૉડગેજ રેલમાર્ગનાં મહત્વનાં મથકો છે. આ મથકો જલંધર, નવાનશહર, લુધિયાણા, નાકોદર, જોગેવાલા સાથે સંકળાયેલાં છે. જિલ્લામાંથી રાષ્ટ્રીય તેમજ રાજ્ય ધોરી માર્ગો પસાર થાય છે. આ ઉપરાંત જિલ્લામાર્ગોનું આયોજન પણ ઉત્તમ કક્ષાનું છે.
આ જિલ્લો પંજાબ રાજ્યના મધ્યભાગમાં આવેલો હોવાથી રાજ્યના લગભગ બધા જ જિલ્લાઓ સાથે વેપારી સંબંધોથી જોડાયેલો છે.
વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી 8,17,668 જેટલી છે. અહીં હિન્દુ, શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈનધર્મીઓ વસે છે. અહીંની મુખ્ય ભાષા પંજાબી અને હિન્દી છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણની સારી વ્યવસ્થા છે. પ્રાથમિક આરોગ્યકેન્દ્રો અને ચિકિત્સાલયોની સુવિધા પણ છે. ફાગવારા અને સુલતાનપુર અહીંનાં મહત્વનાં ધાર્મિક કેન્દ્રો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ત્રણ તાલુકા અને ચાર સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. આ જિલ્લામાં ત્રણ નગરો અને 699 (66 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. વારતહેવારે અહીં મેળા ભરાય છે અને ઉત્સવોની ઉજવણી થાય છે.
ઇતિહાસ : અગિયારમી સદીમાં જેસલમેરના રાણા કપૂરે પોતાના નામ પરથી આ સ્થળ વસાવેલું. 1780માં સરદાર જસ્સાસિંહે મુઘલ સૂબા પાસેથી તે જીતી લીધું હતું. આ જિલ્લામાં કોઈ સીમાવર્તી ફેરફારો થયા નથી.
નીતિન કોઠારી