કપાસની જીવાત : વાવણીથી કાપણી સુધી કપાસના પાકને નુકસાન કરતા 134 જાતના કીટકો. રોકડિયા પાક ગણાતા કપાસનું વાવેતર ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, આસામ, ત્રિપુરા, ઓરિસા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં કરવામાં આવે છે. દેશમાં સૌથી વધુ એટલે કે આશરે 16 % જેટલું તેનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. સામાન્યપણે આશરે 20 % જેટલું ઉત્પાદન કપાસની જીવાતોના ઉપદ્રવને લીધે નાશ પામે છે. કપાસની સંકર જાતોમાં તો આ જીવાતોની અસર ઘણી તીવ્ર હોય છે. સંકર કપાસના પાકમાં 77 % સુધી નુકસાન થતું નોંધાયેલું છે. લીલાં તડતડિયાં, મોલો, સફેદ માખી, થ્રિપ્સ, રાતાં ચૂસિયાં, કપાસનાં રૂપલાં અને પાનકથીરી કપાસનાં પાન કે જીંડવાંમાંથી રસ ચૂસી 40 % જેટલું નુકસાન પહોંચાડે છે. કપાસની કળી, ફૂલ અને જીંડવાંને કોરી ખાતી જીવાતોમાં કાબરી ઇયળ, લીલી ઇયળ અને ગુલાબી ઇયળ મુખ્ય છે. આશરે 18 % નુકસાન માટે આ જીવાત કારણભૂત ગણાય છે. કપાસનાં પાનને વાળીને/કાપીને/કાતરીને નુકસાન કરતી જીવાતોમાં કપાસની પાન વાળનાર ઇયળ, ઘોડિયા ઇયળ, માયલોસિરસ વિવિલ, સ્પોડોપ્ટેરા વગેરે મુખ્ય છે. આમ કપાસમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધારે હોવાથી દેશની લગભગ 50 % જંતુનાશક દવાનો ઉપયોગ ફક્ત આ પાકને બચાવવા માટે થાય છે.
પી. એ. ભાલાણી
પરબતભાઈ ખી. બોરડ