કન્નડ ભાષા અને સાહિત્ય
દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યની અને કન્નડ નામે ઓળખાતા પ્રદેશની ભાષા અને એમાં રચાયેલું સાહિત્ય. કર્ણાટકનો ઉલ્લેખ વ્યાસોક્ત મહાભારતમાં તથા તમિળ ભાષાના પ્રાચીન ગ્રંથ ‘શિલપ્પદિકારમ્’(ઈ.સ.ની બીજી સદી)માં થયેલો છે તેમજ આ જ ગાળામાં રચાયેલા એક ગ્રીક નાટકમાં કન્નડ ભાષાના કેટલાક શબ્દો મળ્યા હોવાનું કહેવાય છે. આ જોતાં ક્ધનડ ભાષા બે હજાર વર્ષ જૂની છે એમ અનુમાન કરવામાં આવેલું છે. ભાષાશાસ્ત્રીઓ કન્નડ ઉપરાંત તમિળ, તેલુગુ, મલયાળમ તથા તુલુનો પંચદ્રવિડ ભાષાઓમાં સમાવેશ કરે છે. દક્ષિણ ભારતની આ પાંચ ભાષાઓમાં લોકસંખ્યાની ર્દષ્ટિએ તેલુગુ અને તમિળ પછી કન્નડનો ત્રીજો ક્રમ અને ભારતની અન્ય ભાષાઓમાં તેનો આઠમો ક્રમ આવે છે. જૂનામાં જૂના લિખિત પુરાવાની ર્દષ્ટિએ આ દ્રવિડ ભાષાસમૂહમાં કન્નડ ભાષા વિશે સૌથી જૂનો પુરાવો ઈ.સ. 450ના અરસાનો ઉપલબ્ધ થયો છે; એમાં સંસ્કૃત ભાષાની સાથોસાથ કન્નડ ભાષાનો ઉપયોગ થયો છે. દલ્મિડિ નામના સ્થાનેથી તે ભાષા મળી હોવાથી તે દલ્મિડિ શાસનના નામે પણ ઓળખાતી. કાળક્રમે વપરાશમાં આવતાં તે ભાષા સુંદર અને સુર્દઢ બની.
કન્નડ ભાષાની લિપિ બ્રાહ્મી લિપિમાંથી ઊતરી આવી છે અને તેના બધા જ વર્ણો – ધ્વનિસંકેતો – કન્નડ લિપિમાં સમાવી લેવાયા છે. કન્નડ તથા તેલુગુ લિપિ વચ્ચે ખાસ કોઈ તફાવત ન હોવાથી એ બંનેમાંથી સમાન લિપિ પ્રયોજવાનું પણ નિષ્ણાતોએ સૂચન કર્યું છે. દ્રવિડ ભાષાસમૂહની ભાષાઓમાં જોવા મળતી બધી જ મહત્વની લાક્ષણિકતાઓ કન્નડ ભાષા વિશે પણ જોવા મળે છે; દા.ત., રૂપરચના સંપૂર્ણપણે પ્રત્યયો ઉપર આધારિત છે. ધ્વનિની સ્પષ્ટતાને લીધે શબ્દોના બધા જ અર્થઘટકો સ્પષ્ટ બની રહે છે અને તેને લીધે ક્ધનડ ભાષાનું વ્યાકરણ પૂરેપૂરું નિયમબદ્ધ છે. દ્રાવિડી સમૂહની ભાષા તરીકે કન્નડનો શબ્દસંગ્રહ મુખ્યત્વે દ્રવિડ છે. જોકે સંસ્કૃતની પરંપરા પણ તેટલી જ જૂની અને ર્દઢ હોવાથી કન્નડ ભાષામાં અનેક સંસ્કૃત શબ્દો પણ સ્થાન પામ્યા છે અને એ રીતે તેનું શબ્દભંડોળ સમૃદ્ધ બન્યું છે.
કન્નડ ભાષામાં સમાવિષ્ટ કરી શકાય તેવી બત્રીસ બોલીઓની નોંધ 1961ની વસ્તીગણતરીમાં કરવામાં આવી છે. અન્ય બોલીઓમાં અડચિચંચી, વિજાપુરી, ગોલારી, હરણશિકારી, હોલિયા, ગોલારી-કન્નડ, કારંદિ, કર્ણાટક, કરુંચ, ઉરળી, આટવિકા, ચટ્ટીભાષા કન્નડ, આલિયાન, કડુભાષા, કટ્ટુનાઇકન, કોનાવર, કુટુ-કન્નડમ્, લિંગાયતી, મદારી કન્નડ, મંગલોરી, મોચી, મોમતાદેનચટ્ટી, મૈસૂર, પલ્લવકલ, બુરુબુડીકે, કોરાચા, કોરામ ક્ધનડ, નાગરી ક્ધનડ, નાઈકી કુટુમ્બ અને સોળગ કન્નડનો સમાવેશ થાય છે.
કન્નડ સાહિત્ય : કન્નડ ભાષાનો પ્રથમ ગ્રંથ ‘કવિરાજમાર્ગ’ (ઈ. સ. 850) એક લક્ષણગ્રંથ છે. તેના કર્તા રાષ્ટ્રકૂટ રાજા નૃપતુંગ હતા એવો એક મત હતો. આધુનિક સંશોધન મુજબ આ ગ્રંથના રચયિતા શ્રીવિજય નામના કવિ છે, જે નૃપતુંગના દરબારમાં હતા.
નવમી સદીના કવિઓમાં અસગ (‘કર્ણાટક કુમારસંભવ’) પહેલો, ગુણવર્મ (‘હરિવંશ’) વગેરે મુખ્ય છે. આ જ સદીમાં શિવકોટિ શિવાચાર્યરચિત ‘વડ્ડારાધને’ નામનો શ્રેષ્ઠ ગદ્યગ્રંથ છે.
દશમી શતાબ્દી કન્નડ સાહિત્યનો સુવર્ણયુગ મનાય છે. પંપ મહાકવિ આ યુગમાં થઈ ગયા. તે કન્નડના આદિકવિ પણ મનાય છે. ઈ. સ. 902માં તેમનો જન્મ થયો. જૈન ધર્મના આ કવિ ચાલુક્ય રાજા બીજા અરિકેસરીના દરબારમાં હતા. તેમના ‘આદિપુરાણ’ અને ‘વિક્રમાર્જુનવિજય’ ગ્રંથો કન્નડ સાહિત્યના કીર્તિસ્તંભ મનાય છે.
પંપ કવિના સમકાલીન કવિ પોન્ન રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાના આશ્રયે હતા. ‘ભુવનૈકરામાભ્યુદય’, ‘શાંતિપુરાણ’ અને ‘જિનાક્ષરમાલા’ જેવી તેમની રચનાઓ પાંડિત્યપ્રધાન છે. તેમની કવિચક્રવર્તી તરીકે પ્રશસ્તિ થયેલી છે.
ગંગરાજા રાયમલ્લના સેનાપતિ તથા સચિવ ચાવુંડરાય બીજી સદીના અંતમાં થઈ ગયા. તેમણે શ્રવણ બેળગોડામાં વિશ્વવિખ્યાત ગોમટેશ્વરનો બૃહત્ વિગ્રહ (દેહ) બનાવડાવ્યો. તેનો ગ્રંથ છે ‘ત્રિષષ્ટિશલાકાપુરાણ’ અથવા ‘ચાવુંડરાયપુરાણ’. આ સદીમાં પણ ‘છંદોબુધિ’ નામના એક લક્ષણગ્રંથની રચના થઈ. તેના કર્તા છે પહેલા બાગવર્મ.
રન્ન પણ આ યુગના એક પ્રસિદ્ધ અને પ્રતિભાવાન કવિ છે. તેમના ગ્રંથ છે ‘અજિતનાથપુરાણ’, ‘સાહસભીમવિજય અથવા રત્નનું ગદાયુદ્ધ’ અને ‘પરશુરામચરિત્ર’. આ યુગના આ ત્રણે કવિઓ (પંપ, પોન્ન તથા રન્ન) રત્નત્રય કહેવાય છે.
અગિયારમી સદીમાં પંડિત કવિ ચંદ્રરાજે રચેલા ‘મદનતિલક’ કાવ્યનું વિષયવસ્તુ છે કામસૂત્ર. ‘સુકુમારચરિત’ના રચયિતા શાંતિનાથ તથા ‘પંચતંત્ર’ના કર્તા દુર્ગસિંહ પણ આ યુગના પ્રસિદ્ધ કવિઓ છે. આ સદીના શ્રેષ્ઠ કવિ નાગચંદ્રને લોકોએ ‘અભિનવ પંપ’ કહીને ગૌરવાન્વિત કર્યા છે. તેમના ગ્રંથ છે ‘રામચંદ્રચરિતપુરાણ’ અથવા ‘જૈન રામાયણ’ કે ‘પંપરામાયણ’ તથા ‘મલ્લિનાથપુરાણ’.
દશમી અને અગિયારમી શતાબ્દીના કવિઓમાં કેટલાંક સામાન્ય લક્ષણ જોવા મળે છે. આ યુગના મોટાભાગના કવિઓ જૈનધર્મી હતા. તેમણે ચંપૂશૈલી(ગદ્ય-પદ્ય મિશ્રિત)માં કાવ્યરચના કરી છે. તેમણે પોતાના ગ્રંથના વિષયવસ્તુનું વિભાજન લૌકિક અને ધાર્મિક – એમ બે ભાગમાં કર્યું છે. ધાર્મિક કાવ્યોમાં જૈન તીર્થંકરોની કથા અને લૌકિક કાવ્યોમાં ઐતિહાસિક કથા હોય છે. રામાયણ અને મહાભારતની કથાઓ પણ જૈન કવિઓની ર્દષ્ટિએ લૌકિક જ હતી. વળી આ કવિઓ રાજ્યાશ્રયી હતા. સામાન્યત: તેમનાં ધાર્મિક કાવ્યો કરતાં લૌકિક કાવ્યોમાં વિશેષ સૌન્દર્ય જણાય છે.
વસ્તુ, શૈલી તથા વિચાર આ ત્રણે ર્દષ્ટિકોણથી બારમી શતાબ્દી કન્નડ સાહિત્યનો ક્રાંતિયુગ મનાય છે. ચંપૂશૈલી પાંડિત્યપ્રધાન હતી. જૈન કવિઓના કાવ્યમાં શાંત અને વીર આ બે જ રસોની પ્રધાનતા હતી. પરંતુ બારમી સદીમાં સાહિત્ય જનતાની પાસે પહોંચ્યું. કાવ્યના છંદમાં પણ ઘણું પરિવર્તન આવ્યું. વચન, સાંગત્ય, રગળે, ષટ્પદી વગેરે પ્રકારોએ ચંપૂનું સ્થાન લીધું. ભક્તિરસે પણ કાવ્યમાં સ્થાન લીધું.
બસવેશ્વર આ યુગના પ્રસિદ્ધ વચનકાર છે. તે વીરશૈવ ધર્મના પુનરુદ્ધારક પણ હતા. જાતપાંતનો વિરોધ કરનાર આ ક્રાંતિકારી સાહિત્યકારે પુરુષોની સાથે સાથે સ્ત્રીઓને માટે પણ આધ્યાત્મિક માર્ગ ખોલી આપ્યો. આ જ કારણે આ યુગમાં બસવેશ્વર, પ્રભુદેવ (અલ્લમપ્રભુ), યન્નબસવણ્ણ, સિદ્ધરામય્ય વગેરેની સાથે સાથે અક્કમહાદેવી જેવાં વચનકર્તાઓએ પણ પોતાની રચનાઓ દ્વારા સાહિત્ય અને ધર્મ બંને ક્ષેત્રોમાં અગ્રસ્થાન મેળવ્યું છે.
બારમી સદીના અંતમાં અન્ય એક જૈન કવિ નેમિચંદે પોતાના પૂર્વકવિઓના માર્ગે ચાલીને રચેલાં બે કાવ્યો ‘લીલાવહી’ અને ‘નેમિનાથપુરાણ’માં જૈન ર્દષ્ટિએ લખાયેલી કૃષ્ણકથા છે. આ કાવ્ય અધૂરું પ્રાપ્ત થાય છે. કર્ણપાર્થ, અગ્ગળ, આયણ્ણ, પાર્શ્વપંડિત વગેરે જૈન કવિઓ પણ આ જ યુગમાં થઈ ગયા.
તેરમી સદીના પ્રસિદ્ધ અને પ્રતિભાવાન કવિ ચક્રવર્તી જન્નની રચનાઓ ‘યશોધરચરિત’ અને ‘અનંતનાથપુરાણ’ છે. ચૌંડરસે ચંપૂશૈલીમાં લખેલી નળમહારાજની કથા ‘નળચંપૂ’ નામથી પ્રસિદ્ધ છે. તેમનું બીજું કાવ્ય ‘દશકુમારચરિત’ છે. આ જ યુગના બે કવિ નયસેને (‘ધર્મામૃત’) અને બ્રહ્મશિવે (સમયપરીક્ષે) અન્ય સંપ્રદાયોના દોષો બતાવવા માટે જ કાવ્ય લખ્યાં હોય તેમ જણાય છે. આ યુગના અન્ય મુખ્ય કવિ આંડય્યના કાવ્ય ‘કાનિગર કાવ’ની વિશેષતા એ છે કે કવિએ તેમાં એક પણ સંસ્કૃત શબ્દનો ઉપયોગ કર્યો નથી. કાવ્યની રચના શુદ્ધ કન્નડમાં છે અને વસ્તુ કાલ્પનિક છે.
આ સદીમાં અનેક લક્ષણગ્રંથ અને વ્યાકરણની રચના પણ થઈ. બીજા નાગવર્મે ‘કાન્યાવલોકર વસ્તુકોશ’ (નિઘંટુ) તથા ‘કર્ણાટક ભાષાભૂષણ’ વગેરે ગ્રંથો લખ્યા. મલ્લિકાર્જુનના ગ્રંથ ‘સૂક્તિ સુધાર્ણવ’માં કવિએ પોતાની પૂર્વેના બધા જ ગ્રંથોના કાવ્યાંશોનો સંગ્રહ કર્યો છે. તેઓનો આ એક આધારભૂત ગ્રંથ મનાય છે. મલ્લિકાર્જુનના પુત્ર કેશિરાજે રચેલો ‘શબ્દમણિદર્પણ’ નામનો વ્યાકરણનો ગ્રંથ કન્નડમાં વ્યાકરણ લખનારાઓ માટે આજ સુધી માર્ગદર્શક બનેલ છે. બસવયુગમાં વચનોની સાથે સાથે કાવ્યગ્રંથોની રચના પણ થઈ. બસવેશ્વર વગેરે વચનકારોએ પણ પોતાના ધર્મસંબંધી ગ્રંથની રચના કરી.
હરિહરે ચંપૂશૈલીમાં રચેલું ‘ગિરિજાકલ્યાણ’ એક શતક એટલે કે સો પદ્યોનો સમૂહ છે. કન્નડમાં શતકરચનાકારોમાં હરિહર સૌપ્રથમ કવિ છે. ‘રગળે’ કન્નડનો એક દેશી છંદ છે; એમાં પદસંખ્યાનો કોઈ નિયમ હોતો નથી. આમાં હરિહર અદ્વિતીય મનાય છે. આ છંદમાં કવિએ અનેક ભક્તોની કથા લખી છે. હરિહર કવિએ કન્નડ સાહિત્યને માટે એક નવો માર્ગ ખોલ્યો તેથી તે યુગપુરુષ કહેવાય છે.
હરિહર કવિના ભાણેજ રાઘવાંક પ્રતિભાવાન કવિ અને સંસ્કૃતના મોટા પંડિત હતા. ‘ષટ્પદી’ છંદમાં સફળતાપૂર્વક કાવ્ય લખનાર તે પ્રથમ હતા. ભામિની-ષટ્પદીમાં રાઘવાંકરચિત ‘હરિશ્ચંદ્ર કાવ્ય’ લોકપ્રિય કન્નડ ગ્રંથ છે. આ ઉપરાંત ‘સિદ્ધરામપુરાણ’, ‘સોમનાથચરિત’, ‘શરભચારિત્ર’, ‘વીરેશચરિત’ અને ‘હરિહર મહાન’ એ પણ એમનાં રચેલાં કાવ્યો છે. કેરેચ પદ્મરસ, પાલ્કુરિકે સોમનાથ, કુમુદેન્દુ, ભીમકવિ, પદ્મણાંક વગેરે હરિહરયુગના પ્રસિદ્ધ કવિ છે.
ચૌદમી સદી સુધી આવતાં તો કર્ણાટક ઉપર મુસલમાનોનું આક્રમણ થઈ ચૂક્યું હતું; તેની અસર રાજવંશ તથા જનતા બંને પર પડી. બધા રાજવંશોને હરાવીને વિજયનગરના રાજા બલવાન થઈ ગયા. તે સાહિત્ય અને કલાના આશ્રયદાતા બન્યા. મધ્વમતના સ્થાપક શ્રી મધ્વાચાર્યજી કર્ણાટકના જ હતા, તેથી આ સંપ્રદાયના ઘણા મઠ કર્ણાટકનાં અનેક સ્થાનોમાં સ્થપાયા. ભક્તિપંથના પ્રચારને માટે આ મઠના આચાર્યોએ દેશભાષાને પણ પ્રોત્સાહન આપ્યું. નરહરિતીર્થ, શ્રીપાદરાજ, વાદિરાજ, વ્યાસતીર્થ વગેરે આચાર્યોએ કન્નડમાં ભક્તિગીતોની વિપુલ પ્રમાણમાં રચના કરી. ભક્તિની સાથે સાથે જ્ઞાનનો પણ આરંભ થયો. ‘પદ’, ‘કીર્તન’, ‘દેવરનામ’ વગેરે પ્રકારની હજારો કન્નડ કૃતિઓ હિન્દી ભજનની જેમ જ ગવાય છે. આ કીર્તનકારોમાં પુરંદર દાસ સર્વશ્રેષ્ઠ છે. સંગીત તથા સાહિત્ય બંને ર્દષ્ટિએ તેમની રચના પ્રથમ કક્ષાની છે. તે કર્ણાટક સંગીતના પિતામહ મનાય છે. પુરંદરકૃત સાહિત્યને પુરંદરોપનિષદનું ગૌરવ પ્રાપ્ત થયેલું છે.
આ યુગના બીજા ગણનાપાત્ર ભક્તકવિ કનક દાસ પુરંદર દાસની જેમ વ્યાસતીર્થના જ શિષ્ય હતા. તેમનાં ગીતો ભાવસમૃદ્ધ છે. તેમણે ગીતોની સાથે ‘મોહન તરંગિણી’ (સાંગત્ય ગ્રંથ), ‘નવચરિત્ર’, ‘હરિભક્તિસાર’ (ષટ્પદી કાવ્ય) તથા ‘રામધાન્યચરિત્ર’ (ખંડકાવ્ય) વગેરે ગ્રંથોની પણ રચના કરી છે.
પુરંદર દાસ અને કનક દાસ સિવાય વિજય દાસ, ગોપાલ દાસ, જગન્નાથ દાસ વગેરે કેટલાક ભક્તોએ સેંકડો ભક્તિગીતોની રચના કરી છે. દાસપંથનાં આ ગીતોને સંગીતજ્ઞો તેમજ સામાન્ય લોકો આજે પણ ભક્તિપૂર્વક ગાય છે.
કુમાર વ્યાસ તરીકે ઓળખાતા ચૌદમી સદીના મહાન કવિ નારણપ્પે ભામિનીષટ્પદીમાં ‘ભારતકથામંજરી’ની રચના કરી છે. પંડિતોની માન્યતા પામવા ઉપરાંત તે જનપ્રિય કવિ પણ છે. કુમાર વ્યાસના આ મહાભારતમાં માત્ર પાંડવો તથા કૃષ્ણની કથા છે. અસાધારણ કવિત્વશક્તિને પ્રતાપે કુમાર વ્યાસ ‘રૂપકચક્રવર્તી’ કહેવાયા હતા. ‘ભારતકથામંજરી’ માટે કુમાર વ્યાસે મૂળ મહાભારતનાં દશ પર્વો સુધીનું કથાનક લીધું છે. ત્યારબાદ વિજયનગરના કૃષ્ણદેવરાયના દરબારના કવિ તિમ્મણ્ણે બાકી રહેલાં આઠ પર્વની કથા કન્નડમાં લખી છે.
દેવનૂરના લક્ષીશે લખેલ ‘જૈમિનિભારત’, કુમાર વાલ્મીકિ તરીકે ઓળખાતા તોખેના નરહરિનું ‘તોખે રામાયણ’, નિત્યાત્મ શિવયોગી તરીકે ઓળખાતા ચાટુવિઠ્ઠલનાથનું ‘ભાગવત’ વગેરે આ જ પંથની જનપ્રિય કૃતિઓ હતી.
પંદરમી સદી સુધીમાં તો જૈન કવિઓએ પણ પ્રૌઢ ચંપૂમાર્ગ છોડીને સાંગત્ય, ષટ્પદી, શતક વગેરે સરલ શૈલીપ્રકારો અપનાવ્યા. કુમાર વ્યાસ યુગના પ્રમુખ જૈન કવિ રત્નાકર વર્ણીએ ‘અપરાજિતેશ્વર શતક’, ‘રત્નાકરાધીશ્વર શતક’ તથા ‘ત્રિલોક શતક’ની સાથે સાથે સાંગત્યશૈલીમાં ‘ભરતેશવૈભવ’ મહાકાવ્યની પણ રચના કરી છે. આમરસ (‘પ્રભુલિંગ લીલે’), લક્કણ્ણ દંડેરા (‘શિવત્વચિંતામણિ’) વગેરે પણ આ સમયના પ્રસિદ્ધ કવિઓ છે.
સોળમી સદીની કોઈ મહત્વની રચના મળતી નથી. સત્તરમી સદીમાં મૈસૂરના મહારાજાઓએ સાહિત્ય તથા કલાને પ્રોત્સાહન આપ્યું. તેમાં કેટલાક રાજા તો કવિ હતા. શિકદેવરાજ ઓડિયેરના સમયમાં કન્નડ સાહિત્ય ફરીથી ગૌરવવંતું બની શક્યું. તેમણે અનેક ગીતોની રચના કરી છે. તેમના દરબારમાં તિરુમલાર્ય, ચિકુપાધ્યાય આદિ પંડિત કવિ હતા. કન્નડના સૌપ્રથમ નાટક ‘મિત્રવિંદા ગોવિંદ’ના રચયિતા સિંગરાર્ય, ‘હદિનદેય ધર્મ’ એટલે કે ‘સ્ત્રીવ્રતાધર્મ’ના કર્તા સંચિ ઘેન્નમ્મ, શૃંગારમ્મ વગેરે પણ આ જ રાજાના આશ્રિત હતા. રાજ્યાશ્રય વિના કાવ્યની રચના કરનાર પ્રૌઢ કવિ ષડક્ષરદેવે ‘રાજશેખરવિલાસ’, ‘વૃષચેન્દ્રવિજય’, ‘શબરશંકરવિલાસ’ વગેરે કાવ્યગ્રંથોની રચના કરી હતી. તેમાં પાંડિત્ય પ્રધાનપણે છે.
સર્વજ્ઞ પણ આ જ સદીના કવિ હતા. તેમણે કેવળ કોઈ એક વસ્તુના આધારે ગ્રંથ નથી લખ્યો પરંતુ તેમની ત્રિપદીઓ આજે પણ ઘેરઘેર ગવાય છે. હિન્દીના કબીર અને તેલુગુના વેમન જેવા આ પણ મનમોજી કવિ હતા. તેમની વાણીમાં કટુતાની સાથે માનવતા તથા સત્યનો પણ સમન્વય થયો છે.
કૃષ્ણરાજ ઓડિયેર ત્રીજાના સમય સુધીમાં દેશભરમાં અંગ્રેજી શિક્ષણના યુગનો આરંભ થઈ ચૂક્યો હતો. તેથી ભારતના ઘણા લોકો અંગ્રેજી ભાષાથી પરિચિત બન્યા હતા. ભાષાની સાથે સાથે અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ પણ કન્નડ સહિત બધી જ ભારતીય ભાષાઓ ઉપર પડ્યો. તેના પરિણામે કન્નડમાં ગદ્ય સાહિત્યનો આરંભ થયો. આ આધુનિક કન્નડનો અરુણોદયકાળ ગણાય છે. આ જ સમયમાં કન્નડની પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘મુદ્રારાક્ષસ’ લખાઈ, કેંપુનારાયણરચિત આ કૃતિમાં પ્રાચીન તથા અર્વાચીન ગદ્યના સમન્વયરૂપ ભાષાનો પ્રયોગ થયો છે.
1881માં ચામરાજ ઓડિયેર મૈસૂરના રાજા બન્યા. આ જ સમયમાં થયેલા બસપ્પ શાસ્ત્રીએ ‘શકુંતલા’ નાટકની રચના કરી અને તે અભિનવ કાલિદાસ કહેવાયા. વેંકટકૃષ્ણય્યે ‘સાધ્વી’ પત્રિકાનો આરંભ કર્યો. એમ. એસ. પુટ્ટણ્ણે અનેક અંગ્રેજી નાટકોનો કન્નડમાં અનુવાદ કર્યો. સૌપ્રથમ સામાજિક નવલકથા લખનારામાં પુટ્ટણ્ણ મુખ્ય હતા. તેમની નવલકથાઓ છે ‘મુસુકુ તેગેયે માયાંગને’, ‘માડિદુણ્ણો મહાશય’ વગેરે. આ નવલકથાઓમાં તત્કાલીન સામાજિક જીવન તથા મૈસૂર નગરનું વાસ્તવિક વર્ણન છે. આ પુસ્તકો સિવાય પુટ્ટણ્ણે બાળકો માટે ‘નીતિચિંતામણિ’ની રચના કરી હતી, જે ખૂબ લોકપ્રિય નીવડેલ છે.
ઓગણીસમી સદીના અંતમાં નંદાલિકે લક્ષ્મી નારાયણય્ય-(‘મુદ્રણ’)ની રચનાઓમાં ‘શ્રીરામપટ્ટાભિષેક’, ‘રામાશ્વમેધ’ અને ‘અદભુત રામાયણ’નો સમાવેશ થાય છે. ‘રામાશ્વમેધ’ ગદ્યકાવ્ય છે. મુદ્રણે કેટલાક યક્ષગાન પ્રબંધ પણ લખ્યા છે.
વિદેશી મિશનરીઓએ કન્નડ ભાષા તથા સાહિત્યની નોંધપાત્ર સેવા કરેલી છે. ઓગણીસમી સદીના આરંભમાં જ આ લોકોએ ક્ન્નડ સાહિત્યના અધ્યયન તથા સંપાદનનું કાર્ય શરૂ કર્યું હતું. 1834માં રેવરંડ કિટલે ઘણાં વર્ષોના પરિશ્રમ પછી રચેલો ‘નિઘંટુ’ આજે પણ શબ્દકોશ તૈયાર કરનારા માટે આધારગ્રંથ મનાય છે. આ ઉપરાંત તેમણે કેશિરાજના ‘શબ્દમણિદર્પણ’ના આધારે અંગ્રેજીમાં વ્યાકરણગ્રંથ લખ્યો હતો. ઈ. પી. રેંસે કન્નડ સાહિત્યનો ઇતિહાસ અંગ્રેજીમાં તૈયાર કર્યો.
રેંસ અને કિટલ ઉપરાંત વિલિયમ કેરી, બેચર, ક્યાંબલ, મોલ્ડિંગ વગેરે જેવા અનેક વિદેશી વિદ્વાનોએ કન્નડ સાહિત્યમાં મહત્વનું પ્રદાન કર્યું છે. આમાંથી કેટલાકે ‘કન્નડ સમાચાર’, ‘મંગલૂર સમાચાર’ વગેરે સમાચારપત્રો પણ ચલાવેલાં.
અંગ્રેજોના જમાનામાં કર્ણાટકનો કેટલોક પ્રદેશ મહારાષ્ટ્રમાં, કેટલોક મદ્રાસમાં તો કેટલોક આંધ્રમાં હતો. કન્નડ ભાષાની એકતા તથા સમગ્રતાને માટે કર્ણાટકના નેતાઓ અને સાહિત્યકારોએ મોટો પુરુષાર્થ કર્યો. તેમાં મુખ્યત્વે આલૂર વેંકટરાવ, મુદબીડુ, કૃષ્ણરાવ, દિવાકર રંગરાવ વગેરે હંમેશાં કર્ણાટકના એકીકરણ માટે તત્પર રહ્યા. આ ઉદ્દેશથી જે સંસ્થાઓની સ્થાપના થઈ તેમાં કર્ણાટક વિદ્યાવર્ધક સંઘ પ્રથમ છે. 1881માં મૈસૂર વિશ્વવિદ્યાલયનો આરંભ થયો અને 1915માં કન્નડ સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.
આધુનિક યુગના આદિકાળમાં મોટાભાગે અનુવાદિત કૃતિઓ જ પ્રગટ થઈ. બી. વેંકટાચાર્યે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તથા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની બધી બંગાળી રચનાઓનો કન્નડમાં અનુવાદ કર્યો. ગળગનાથે પોતે પુસ્તકો લખવા ઉપરાંત મરાઠીમાંથી ભાષાંતર પણ કર્યાં. એ દરમિયાન આધુનિક કન્નડ સાહિત્યનું સ્પષ્ટ સ્વરૂપ વ્યક્ત થઈ ચૂક્યું હતું. અંગ્રેજી સાહિત્યના પ્રભાવને લીધે ભાવગીત, વાર્તા, નવલકથા, લલિત નિબંધ વગેરે વિભિન્ન સાહિત્યપ્રકારો કન્નડમાં પણ ખેડાવા શરૂ થયા. વીસમી સદીના આ પ્રારંભિક પ્રયત્નોને લીધે આધુનિક કન્નડ સાહિત્યનો મજબૂત પાયો રચાયો. બાળસાહિત્યની શરૂઆત મંગલૂરના પંજે મંગેશરાવે કરી. તેમણે સ્વતંત્ર વાર્તાઓ લખી અને ‘કોટિ યન્નય્ય’ નામની એક નવલકથાની પણ રચના કરી. રાષ્ટ્રકવિ મંજેશ્વર ગોવિંદ પૈ પણ આ જ પ્રદેશના હતા. અનેક ભાષાઓના તે જ્ઞાતા હતા. ‘ગોલ ગોયા’ અને ‘વૈશાખી’ તેમનાં પ્રસિદ્ધ ખંડકાવ્યો છે.
આધુનિક કન્નડ સાહિત્યના વિકાસમાં બી. એમ. શ્રીકંઠય્ય(બી.એમ.શ્રી.)નો ફાળો મહત્વનો છે. કાવ્યનાં વસ્તુ, શૈલી, આકાર, રચનાતંત્ર, ભાષા એ બધાંમાં તે પરિવર્તન લાવ્યા. તે મૈસૂર મહારાજા કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. કન્નડ સાહિત્યને તેમણે આધુનિકતાનો સ્પષ્ટ સ્પર્શ આપ્યો. તેમણે પોતાના જમાનાના નવયુવાનોમાં કન્નડની અભિરુચિ કેળવી. આગળ જતાં તેમાંથી કેટલાક કન્નડ સાહિત્યના દિગ્ગજ નીવડ્યા. તેમના જ પ્રયત્નથી વિશ્વવિદ્યાલય તરફથી ‘પ્રબુદ્ધ કર્ણાટક’ નામનું એક ત્રૈમાસિક પત્ર પણ શરૂ થયું. આ પત્રિકાના પ્રથમ સંપાદક હતા ટી. એન. વેંકણ્ણય્ય તથા એ. આર. કૃષ્ણશાસ્ત્રી. આ બંને કન્નડના અશ્વિનીકુમાર કહેવાતા.
બી.એમ.શ્રી.એ પોતે કંઈ વધારે લખ્યું નથી. પરંતુ બીજા પાસે ઘણું લખાવ્યું છે. કન્નડ ગ્રંથમાલાની અંતર્ગત બી.એમ.શ્રીના સંપાદન હેઠળ સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ થયેલાં છે. કન્નડ સાહિત્ય પરિષદના છાપખાનાનો આરંભ પણ તેમણે કર્યો. તેમના કાર્યથી સંતુષ્ટ કન્નડવાસીઓ તરફથી તેમને ‘આધુનિક કન્નડના આચાર્યપુરુષ’, ‘કન્નડના કણ્વ’ વગેરે નામ અપાયેલાં છે. મૈસૂરના મહારાજાએ પણ તેમને ‘રાજસેવાસક્ત’નું બિરુદ આપીને ગૌરવાન્વિત કર્યા છે. બી.એમ.શ્રી.ની રચનાઓમાં ‘ઇંગ્લિશ ગીતેગદ્દુ’ (કવન-સંકલન), ‘ગદાયુદ્ધ’, ‘પારસિકરુ’, ‘અશ્વત્થામન્’ (નાટક) ધ્યાનપાત્ર છે.
પછીના ઘણાખરા સાહિત્યકારો ઉપર (ખાસ કરીને મૈસૂર પ્રાંતમાં) બી.એમ.શ્રી.નો ગાઢ પ્રભાવ પડ્યો. તેમાં ડૉ. માસ્તિ વેંકટેશ અય્યંગર, ડી. બી. ગુંડપ્પ, એ. આર. કૃષ્ણશાસ્ત્રી, તી. ન. શ્રીકંઠય્ય, કે. વી. પુટ્ટપ્પ (કુર્વેષુ), જી. પી. રાજરત્ન વગેરે મુખ્ય છે.
ડી. વી. જી. (ડી. વી. ગુંડપ્પ) મુખ્યત્વે કવિ તથા વિવેચક હતા. અન્ય સાહિત્યપ્રકારો પણ તેમણે ખેડ્યા છે. તેમને ‘ભગવદ્ગીતા તાત્પર્ય’ ગ્રંથ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે.
ડૉ. માસ્તિ વેંકટેશ અય્યંગર આધુનિક કન્નડ કથા-સાહિત્યના પિતામહ મનાય છે. તેમની પ્રતિભાએ અનેક રીતે કન્નડ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમણે વાર્તા, ચરિત્ર, કવિતા, નાટક, નિબંધ, નવલકથા વગેરે બધા જ પ્રકારોમાં સફળતાપૂર્વક લેખનકાર્ય કર્યું છે. ઘણાં વર્ષો સુધી તે ‘જીવન’ પત્રિકાના સંપાદક હતા. મૈસૂર મહારાજાના સમયમાં તે ઊંચા હોદ્દા ઉપર હતા અને રાજ્ય તરફથી ‘રાજસેવાસક્ત’નું બિરુદ તેમને મળ્યું હતું. ઉપરાંત રાજ્ય તથા કેન્દ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યા છે. તેમની ઐતિહાસિક નવલકથા ‘ચિક્કવીર રાજેન્દ્ર’ માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો છે.
બેંદ્રે તથા કુર્વેષુ આ સદીના મહાન કન્નડ કવિ છે. બેંદ્રેનું પૂરું નામ દત્તાત્રેય રામચંદ્ર બેંદ્રે છે. તેમનો કાવ્યસંગ્રહ છે ‘અંબિકાતનયરત્ન’. તેમની કવિપ્રતિભા સાહજિક હતી. તેમને ‘અરળુ-મરળુ’ કાવ્યસંગ્રહ માટે કેંદ્ર સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તથા ‘નાકુતંતિ’ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે. તેમણે અનેક વાર્તાઓ, નાટક તથા નિબંધની પણ રચના કરી છે.
કુર્વેષુ રાષ્ટ્રકવિ ગણાય છે. કન્નડ, સંસ્કૃત, અંગ્રેજી તથા બંગાળી ભાષાના તજજ્ઞ અને સફળ વાર્તાકાર તથા નાટકકાર પણ છે. ‘શ્રીરામાયણદર્શનમ્’ આધુનિક મહાકાવ્ય છે. તે માટે તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તથા જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા છે.
ડૉ. વિ. કૃ. ગોકાક (વિનાયક કૃષ્ણ ગોકાક અ. 1992) સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા અને અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા. તેમણે ‘વિનાયક’ ઉપનામથી કવિતાઓ લખી છે. તેમણે રચેલા ‘સમુદ્ર ગીતેગળુ’ વસ્તુ અને વર્ણનની ર્દષ્ટિએ વિશિષ્ટ છે. તેમણે પણ ‘ભારતસિંધુ રશ્મિ’ નામના મહાકાવ્યની રચના કરી છે. તેમને પણ 1991નો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
ગોપાલ કૃષ્ણ અડિગ નવી કવિતાના પ્રતિનિધિ કવિ છે. શમા જોશી, સિ. કે. વેંકટરામય્ય, એ. આર. શ્રીનિવાસમૂર્તિ, એ. એન. મૂર્તિરાવ, તી. ગ. શ્રીકંઠય્ય, ડૉ. રે. શ્રી મુગળી, દેવુડુ નરસિંહશાસ્ત્રી. જી. પી. રાજરત્ન વગેરે ઘણા પ્રતિભાવાન સાહિત્યકારોએ કન્નડ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
સંસ, શ્રીરંગ, કૈલાસ, ગિરીશ કર્નાડ, વિ. લંકેશ ચંદ્રશેખર, ક્ધાાર, ‘જડભરત’ જેવા સાહિત્યકારોએ નાટ્યક્ષેત્રે ક્રાંતિ જગાવી છે.
કાવ્યક્ષેત્રે અનેક તેજસ્વી સર્જકો કામ કરી રહ્યા છે. પુ. વિ. નરસિંહાચાર્યનાં ગીત, નાટક અને કે. એસ. નરસિંહસ્વામીનો શુદ્ધ શૃંગાર ધ્યાનપાત્ર છે. જી. એસ. શિવરુદ્રય્યે કવિતાની સાથે સાથે કાવ્યમીમાંસાના ગ્રંથ પણ લખ્યા છે. એમાં ‘કાવ્યાર્થચિંતન’ માટે તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. ‘ચન્નવીર કણવિ’, લક્ષ્મીનારાયણ ભટ્ટ, સુમતીન્દ્ર નાડિગ, નિસાર અહમદ અગ્રણી આધુનિક કવિઓ છે.
ડૉ. અ. ન. કૃષ્ણરાવે 150 ઉપરાંત નવલકથાઓ લખીને નવલકથાને લોકપ્રિયતા અપાવી. ત. રા. સુ. નિરંજન, નયવરાજ કટ્ટીમનિ, કૃષ્ણમૂર્તિ પુરાણિક, વિ. એમ. ઝાંદાર, ડૉ. એસ. એલ. ભૈરપ્પ વગેરે પ્રસિદ્ધ નવલકથાકારો છે.
કન્નડ સાહિત્યમાં મહિલાઓનો ફાળો નાનોસૂનો નથી. તિરુમલ રાજમ્મ (કાવ્યનામ ‘ભારતી’), આર. કલ્યાણમ્મ, તિરુમલાવા, જયદેવી તાયિ લિગાડુ, ત્રિવેણી, વાણી, એમ. કે. ઇન્દિરા, અનુપમા નિરંજન, વીણા શાંતેશ્વર વગેરે મુખ્ય લેખિકાઓ છે.
કન્નડમાં લોકસાહિત્યની આગવી પરંપરા છે. લોકગીત તથા લોકકથાની શૈલીમાં લખનારા યક્ષગાન પણ લખે છે.
કન્નડ સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, વિજ્ઞાન પરિષદ, જનપદ અકાદમી, વિશ્વવિદ્યાલયોના પ્રકાશન વિભાગો વગેરે સંસ્થાઓ પુસ્તકપ્રકાશનને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિ કરી રહી છે.
એચ. એસ. પાર્વતી