કન્ડેન્સર : બાષ્પને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટેનું સાધન. કન્ડેન્સરમાં વરાળની ગુપ્ત ગરમી જેટલી ગરમી બહાર ખેંચી લેતાં ઠારણ મળે છે. ઊંચા તાપમાને આવેલી વરાળ નીચા તાપમાનના પ્રવાહીની સાથે સંપર્કમાં આવતાં, ઠારણની ક્રિયા ઉદભવે છે. જે વરાળને ઠારવાની હોય તે ભીની, સૂકી અથવા અતિતપ્ત હોઈ શકે. ઉષ્મા મેળવનાર પદાર્થ તરીકે સામાન્યત: પાણી હોય છે, પરંતુ હવા, વાયુ કે અન્ય પ્રવાહી પણ હોઈ શકે.
1. વર્ગીકરણ : કન્ડેન્સરનું વર્ગીકરણ, તેના મુખ્ય ઉપયોગોના આધારે નીચે મુજબ કરવામાં આવે છે :
પ્રક્રિયા કન્ડેન્સરો : આ પ્રકારના કન્ડેન્સરમાં ઠારવામાં આવતી બાષ્પ (vapour), પાણીની વરાળ (steam) અથવા કોઈ પણ વાયુની વરાળ હોઈ શકે છે. વિદ્યુતમથકમાં વપરાતાં કન્ડેન્સર સિવાયનાં કન્ડેન્સર આ પ્રકારમાં સમાવેશ પામે છે.
પાવર ચક્ર(cycle)માં વપરાતાં કન્ડેન્સરો : આ પ્રકારનાં કન્ડેન્સર મુખ્યત્વે વિદ્યુતમથકમાં વપરાય છે. પાણીની વરાળને આ ક્ન્ડેન્સર ઠારે છે. બીજા પ્રવાહીની બાષ્પ ઠારી શકાય, પણ તેનો ઉપયોગ મર્યાદિત હોય છે.
2. કાર્યર્દષ્ટિએ વર્ગીકરણ : જે પ્રકારનું કાર્ય તે મુજબ પણ કન્ડેન્સરનું વર્ગીકરણ થતું હોય છે.
પૃષ્ઠ કન્ડેન્સર : આ જાતના કન્ડેન્સરમાં ઠારવાની વરાળ અને ઠારક પ્રવાહી એકબીજાંથી અલગ હોય છે. તેમની વચ્ચે ઉષ્માસંક્રમણ(heat-transition)ની સપાટી આવેલી હોય છે. આવી સપાટી મોટાભાગનાં ક્ધડેન્સરોમાં નળી સ્વરૂપે હોય છે.
સંપર્ક કન્ડેન્સર : આ પ્રકારના કન્ડેન્સરમાં ઠારવાની વરાળ અને ઠારક પ્રવાહી એકબીજાંના સંપર્કમાં રહે છે અને બંને એકબીજાંની સાથે ભેગાં થઈ જાય છે.
3. પ્રકાર : કન્ડેન્સર મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે : (i) હવાઠારિત, (ii) જળઠારિત, (iii) બાષ્પિક.
(i) હવાઠારિત કન્ડેન્સર : આ કન્ડેન્સરમાં બાષ્પના સંઘનન (condensation) માટે તેની ઉષ્માને બહાર ખેંચી લેવા સારુ હવા વપરાય છે.
(ii) જળઠારિત કન્ડેન્સર : પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં આ પ્રકારનાં કન્ડેન્સર વપરાય છે. તેમાં ઠારક તરીકે હવાની જગ્યાએ પાણીનો ઉપયોગ થાય છે. આ કન્ડેન્સર દ્વિનળી, કક્ષ (chamber) અને ગૂંચળું (coil) કે કક્ષ અને એક નળી પ્રકારનાં હોય છે.
(iii) બાષ્પિક કન્ડેન્સર : આ કન્ડેન્સરમાં કન્ડેન્સર અને ઠારક મિનારા(cooling towers)ને પરસ્પર જોડવામાં આવે છે. કન્ડેન્સરનું ઠારક પાણી તેની ઉષ્મા લઈને હવાને આપે છે. આ પ્રક્રિયા દરમિયાન પાણી ઠંડું પડે છે અને તેની ઉષ્મા હવા દ્વારા શોષાય છે.
4. કન્ડેન્સરનું આયોજન : કન્ડેન્સરનું આયોજન, ઠારક પાણી, દ્રવ્યની બાષ્પ તથા પ્રવાહી અને ઉષ્મા-સંક્રમણ સપાટીના ઉષ્મા-સંક્રમણ ગુણધર્મો ઉપર આધાર રાખે છે. ઠારક પ્રવાહી અને દ્રવ્યનું તાપમાન તથા તેના વાહક ગુણો પણ તેમાં અગત્યનો ભાગ ભજવે છે.
5. કન્ડેન્સરનું નિયંત્રણ : કન્ડેન્સરનો પંખો કે પંપ ઘણી વાર સંપીડક(compressor)ની મોટરથી ચલાવાય છે. આથી, સંપીડક બંધ પડે ત્યારે કન્ડેન્સરનું કાર્ય પણ અટકી પડે છે. કન્ડેન્સરમાં ઠારક પાણી એકાએક બંધ થઈ જાય તો દબાણ વધી જાય છે. આને માટે સંપીડકને બંધ કરવાની વ્યવસ્થા, ઉચ્ચ દાબનિયંત્રણ સ્વિચ વડે કરવામાં આવે છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ