કન્ટ્રી વાઇફ (1675) : આંગ્લ નાટ્યકાર વિલિયમ વિચર્લી (1641-1715) રચિત પ્રખ્યાત કૉમેડી નાટક. 1675માં પ્રગટ થયેલું અને એ જ વર્ષે 12 જાન્યુઆરીના રોજ લંડનના થિયેટર રૉયલમાં ભજવાયેલું આ નાટક આજે તેમની શ્રેષ્ઠ કૃતિ લેખાય છે. સામાજિક તથા જાતીય જીવનનાં દંભ તેમજ લાલસા અને નગરજીવનની ભ્રષ્ટ રીતભાત પરત્વે તેમાં તીવ્ર કટાક્ષયુક્ત પ્રહાર કરાયા છે. પણ વિચિત્રતા તો એ હતી કે લેખકની કારકિર્દી દરમિયાન જ કૃતિની કહેવાતી અશિષ્ટતા બદલ આ નાટકની આકરી ટીકા થઈ હતી.

રેસ્ટોરેશન યુગમાં પ્રવર્તતા લગ્નજીવન તથા સામાજિક જીવન વિશેનાં શિથિલ મૂલ્યો નાટકનું વિષયબીજ છે. પ્રજાસત્તાક પ્યુરિટન ક્રાંતિ કર્યા પછી ક્રૉમવેલે ખ્રિસ્તી જીવનમૂલ્યોવાળી ચુસ્ત સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા સ્થાપવા પ્રયત્ન કર્યો હતો. ક્રૉમવેલના મૃત્યુ પછી અમીર-ઉમરાવો તથા ધનાઢ્ય વેપારીઓએ ફ્રાંસમાં આશ્રય લઈ રહેલા રાજકુમારને ચાર્લ્સ બીજા તરીકે ગાદીએ બેસાડ્યો. ચુસ્ત પ્યુરિટન જીવનશૈલીથી કંટાળેલા આ સમર્થકોને ચાર્લ્સ બીજાની ફ્રાન્સશૈલીની વિલાસી જીવનપદ્ધતિ ઠીક માફક આવી ગઈ. આ કહેવાતો ભદ્ર વર્ગ વાક્ચાતુર્યમાં રાચતો અને જુગાર, દારૂપીઠાં, કૉફીઘર તથા વેશ્યાગૃહોમાં સમય વેડફતો. તે સૌ નીતિછોછ વગરના આનંદપ્રમોદમાં રાચતા. તત્કાલીન સમાજની આવી વિલક્ષણ તાસીર હાસ્ય-કટાક્ષ વડે આ નાટકમાં આલેખાઈ છે.

નાટ્યવસ્તુના કેન્દ્રમાં મિ. પિંચવાઇફનું પાત્ર રહેલું છે. પોતાની બહેન એલિથિયાના લગ્ન માટે તે લંડન આવે છે. તેની સાથે તેની જુવાન-ભોળી પત્ની માર્જરી પણ આવે છે. અનીતિ અને અનાચારથી સાવધ રહેવા તે પોતાની અણઘડ પત્નીને એટલી બધી શિખામણ આપે છે કે તે એમાં પૂરેપૂરી ઘડાઈ જાય છે ! છેવટે ટીખળી સ્વભાવનો અને વિલાસી પ્રકૃતિનો હૉર્નર તેને ફોસલાવીને ભ્રષ્ટ કરે છે. બીજી બાજુ એલિથિયા તેના સંભવિત પતિ સ્પાર્કિશને બદલે નવા પ્રેમી હારકોર્ટને પરણી જાય છે; પહેલા કિસ્સાથી ઊલટું આમાં અતિશય વિશ્ર્વાસ નિમિત્તરૂપ બને છે.

1766માં ડેવિડ ગેરિક નામના અદાકારે આ મૂળ કૉમેડીની ‘અશિષ્ટતા’ તથા ‘અશ્લીલતા’નું નિવારણ કરવાની ર્દષ્ટિએ ‘ધ કન્ટ્રી ગર્લ’ નામનું રૂપાંતર ભજવ્યું એમાં મૂળ નાટકનું હૉર્નરનું વિલાસી પાત્ર દૂર કરવામાં આવ્યું હતું. પોતે એક ઑપરેશનના પરિણામે નપુંસક બની ગયો છે એવી અફવા ઇરાદાપૂર્વક ફેલાવીને આ હૉર્નર સ્ત્રી-વર્તુળમાં પગપેસારો કરીને તેમની સહાનુભૂતિ મેળવવાની પેરવી કરતો હોય છે. દરેક સ્ત્રી એવી માન્યતામાં રાચતી હોય છે કે પોતાના ખાતર જ આ પુરુષ બદનામી વહોરી રહ્યો છે.

આ નાટકની વક્રતા (irony) એ છે કે શહેરી સ્ત્રીઓ કરતાં ગ્રામીણ નારી વધારે ચબરાક અને યુક્તિબાજ નીવડે છે. ઈર્ષ્યાળુ પતિ પિંચવાઇફ પોતાની પત્નીનો પ્રેમપત્ર પોતે જ તેના પ્રેમીને આપે છે તથા આવરણ ઓઢીને બેઠેલી પોતાની પત્ની માર્જરીને પોતાની બહેન એલિથિયા માનીને પિંચવાઇફ પોતે જ તેને તેના પ્રેમી હોર્નરને મળવા લઈ જાય છે એ બે પ્રસંગો વિશેષ હાસ્યના નિમિત્ત છે.

વિચર્લીનાં આ અને અન્ય કૉમેડી નાટકોની લૅમ્બે પ્રશંસા કરી હતી પણ મૅકોલેએ આ નાટકોને સ્વચ્છંદી અને અશિષ્ટ લેખ્યાં હતાં. જાતીય સ્વેચ્છાચારના આચરણ તથા લગ્નપ્રથાના વ્યવહારની તીવ્ર સામાજિક આલોચના, સુરેખ પાત્રચિત્રણ અને સુર્દઢ વસ્તુગૂંથણી બદલ વિચર્લીની નાટ્યશૈલી પ્રશંસનીય ગણાઈ છે અને એ જ કારણે આ નાટક પ્રસંગોપાત્ત, ભજવાતું રહ્યું છે.

રજનીકાન્ત પંચોલી

મહેશ ચોકસી