કનોરિયા, રાઘવ (જ. 19 માર્ચ 1936, અનીડાભિલોડીના, જિલ્લો રાજકોટ, ગુજરાત) : ગુજરાતના અગ્રણી શિલ્પી, ફોટોગ્રાફર અને કલાગુરુ.
વડોદરામાં મ. સ. યુનિ.ની ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં શિલ્પકલાનો અભ્યાસ કર્યો. પ્રા. શંખ ચૌધરી જેવા વિદ્વાન શિક્ષક અને શિલ્પીના હાથ નીચે ઘડાયા. શિલ્પના ડિપ્લોમામાં પ્રથમ શ્રેણીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. બ્રિટિશ ગવર્નમેન્ટની કૉમનવેલ્થ સ્કૉલરશિપ ત્રણ વર્ષ માટે મળતાં લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં વધુ અભ્યાસની તક મળી. એ.આર.સી.એ.નો ડિપ્લોમા અને ત્યારબાદ એમ. આર્ટ આર. સી. એ.ની પદવી મેળવી. લંડનની વુલથમસ્ટો સ્કૂલ ઑવ્ આર્ટમાં બે વર્ષ શિક્ષણકાર્ય કર્યું. તે ઉપરાંત ઇંગ્લૅન્ડની હલ કૉલેજ ઑવ્ આર્ટની વિઝિટિંગ ફૉરિન આર્ટિસ્ટ ફેલોશિપ મળી અને ત્યાં શિક્ષણકાર્ય કર્યું.
શિલ્પસર્જનમાં તેમણે શરૂઆત લગભગ અમૂર્તતાથી કરી, ર્દશ્યમાન જગતમાં જોવા મળે તેવા આકારોના માત્ર અણસાર જ આરંભિક શિલ્પોમાં હતા. તેઓ લાકડાં, ધાતુ, ખીલા, કબાડીના કાટમાળમાંથી મળતા ભંગારને રેણ કરીને – સાંધીને ‘જંક સ્કલ્પ્ચર’ નામે ઓળખાતાં શિલ્પો સર્જતા. બ્રિટિશ શિલ્પીઓ બ્રિયાન નીલે (Bryan Kneale) અને ફિલિપ કિંગ તેમના ઘનિષ્ઠ મિત્રો બન્યા. ત્રણેએ બાકીના બેની વિચારસરણીઓ અને શિલ્પસર્જન ઉપર પ્રભાવ પાડેલો. 1969માં કનોરિયા ભારત પાછા આવ્યા. મ. સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ(વડોદરા)માં અધ્યાપન 1970થી શરૂ કરી 1996માં પ્રોફેસર તરીકે નિવૃત્તિ પામ્યા ત્યાં સુધી કર્યું. 1983–91 શિલ્પવિભાગના વડા રહ્યા અને ભારત સરકારની સિનિયર આર્ટિસ્ટ ફેલોશિપ મેળવી.
હવે તેમના શિલ્પસર્જનમાં વાસ્તવવાદ તરફ ઝુકાવ આવ્યો અને અમૂર્તતા ઓછી થઈ. પશુપંખીઓના આકારો તેમાં મુખર થયા. તેમાં પણ આખલા અને વાછરડાના આકારો ધરાવતાં તેમનાં શિલ્પો ખૂબ લોકપ્રિયતા પામ્યાં.
એમના કાર્યને સન્માનતા અનેક આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા, જેમાં સર રૉબર્ટ સેઇન્સબરી એવૉર્ડ (લંડન, 1967) આંતરરાષ્ટ્રીય નિકોન ફોટો હરીફાઈના ચંદ્રકો (જાપાન, 1976-77), યુનેસ્કો તરફથી યોજાતી ફોટો-હરીફાઈનું સર્વોચ્ચ પારિતોષિક (જાપાન, 1982), ઑલ ઇન્ડિયા સ્કલ્પ્ચર ઍસોસિયેશનનો રૌપ્ય ચંદ્રક (મુંબઈ), લલિત કલા અકાદમીના રાષ્ટ્રીય પુરસ્કારો, મુંબઈ આર્ટ સોસાયટીનો રૌપ્ય ચંદ્રક તથા સુવર્ણચંદ્રક, ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ અને ક્રાફ્ટ સોસાયટીના કલાપ્રદર્શનમાં રાષ્ટ્રપતિનું સિલ્વરપ્લેક પારિતોષિક ઇત્યાદિ વિશેષ ઉલ્લેખનીય છે.
વિશેષ સન્માન તેમની શિલ્પરચનાઓને દેશ-વિદેશની વિવિધ સંસ્થા-સંગ્રહોમાં સ્થાન મળવાથી મળ્યું છે. ફ્રીટઝ વિલિયમ મ્યુઝિયમ, કેમ્બ્રિજ (યુ.કે.); આર્ટ કાઉન્સિલ ઑવ્ ગ્રેટ બ્રિટન, નૅશનલ મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ (ન્યૂ દિલ્હી), લલિતકલા અકાદમી (દિલ્હી), રૂપંકર મ્યુઝિયમ (ભોપાલ), રૉયલ કૉલેજ ઑવ્ આર્ટ (લંડન), વિશ્વસરૈયા ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ ટેક્નૉલોજિકલ મ્યુઝિયમ (બૅંગલોર), આર્કિયૉલૉજી મ્યુઝિયમ (હૈદરાબાદ) વગરેમાં એમની કૃતિઓ સંગ્રહ પામી છે.
એમની તસવીરો તથા શિલ્પકૃતિઓ દેશ-વિદેશોમાં અનેક પ્રદર્શનો, સમારંભોમાં પ્રદર્શિત થઈ છે. કૉમનવેલ્થ કલાપ્રદર્શન (લંડન), પૅરિસ બીએનાલ, એકસ્પો, 1967 (કૅનેડા), મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ-ઑક્સફર્ડ (યુ.કે.), કુકુકા આર્ટ મ્યુઝિયમ (ટૉકિયો); યુ.કે., જર્મની, યુ.એસ.એસ.આર. અને યુ.એસ.એ. ખાતે યોજાયેલ ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા પ્રદર્શનો તથા જાપાન, વિયેતનામ, ચીન, કોરિયા, હોલૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, બલ્ગેરિયા, બેલ્જિયમ, હંગેરી ઇત્યાદિ વિશેષ ઉલ્લેખનીય છે.
ગુજરાતના ભૂંસાતા જતા લોકજીવનને કલાત્મક ફોટોગ્રાફી વડે કેદ કરવા માટે પણ કનોરિયાએ નામના પ્રાપ્ત કરી છે.
રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાનાં મહત્વનાં કલાપ્રદર્શનોમાં નિર્ણાયક તરીકે, વિવિધ યુનિવર્સિટીના કલા વિભાગોની અભ્યાસ સમિતિમાં નિષ્ણાત સભ્યપદે રહી મૂલ્યવાન કામગીરી બજાવી છે. દેશ-વિદેશના મહત્વના બાયૉગ્રાફિકલ સંદર્ભગ્રંથોમાં તેમને ઉલ્લેખ કરવામાં આવે છે.
1968માં જ્યોતિ પંડ્યા, જ્યોતિ ભટ્ટ, જેરામ પટેલ, જે. સ્વામીનાથન્, બાલકૃષ્ણ પટેલ અને ગુલામ મોહમ્મદ શેખ સાથે તેઓ ‘ગ્રૂપ 1890’ નામના કળાકાર જૂથના સભ્ય બન્યા. 1998થી તેઓ અમેરિકામાં નિવાસ કરે છે.
અમિતાભ મડિયા