કદ્રી, ગોપાલનાથ (જ. 6 ડિસેમ્બર 1949, મૂડા ગામ, બાન્ટવાલ તાલુકો, કર્ણાટક; અ. 11 ઑક્ટોબર 2019, મૅંગાલુરુ કર્ણાટક) : સેક્સોફોન વડે શાસ્ત્રીય કર્ણાટકી (દક્ષિણ ભારતીય) સંગીત વગાડનાર વાદક અને નવી રચનાઓ કરનાર સંગીતનિયોજક (કમ્પોઝર).
તેઓ ‘નાદ કલારત્ન’, ‘નાદ કલાનિધિ’, ‘નાદોપાસના બ્રહ્મ’, ‘સંગીત વાદ્યરત્ન’ અને ‘સંગીતરત્ન’ જેવા હુલામણા નામે પણ રસિયાઓમાં જાણીતા હતા.

ગોપાલનાથ કદ્રી
માતાનું નામ ગંગામ્મા. પિતા તાનિયપ્પા સુષિર એટલે કે ફૂંકો મારીને વગાડવાના નાદસ્વરમ વાજિંત્ર વડે કર્ણાટકી સંગીત વગાડતા, પરંતુ યુરોપ-અમેરિકાની શૈલીના જાઝ-બેન્ડ તથા લશ્કરી કૂચ માટેના બેન્ડમાં સેક્સોફોન સાંભળીને ગોપાલનાથને સેક્સોફોનમાં પારંગત થવાની તમન્ના જાગી, જે પૂરી થતાં વીસ વર્ષ વીત્યાં. રસિયા લોકોએ તેમને ‘સેક્સોફોન ચક્રવર્તી’નું તેમજ ‘સેક્સોફોન સમ્રાટ’ના હુલામણા બિરુદ આપ્યાં. મૅંગાલુરુ સ્થિત સેક્સોફોન વાદક એન. ગોપાલાકૃષ્ણ હેઠળ ગોપાલનાથે તાલીમ લીધી એ પછી ચેન્નાઈ સ્થિત મૃદંગવાદક ટી. વી. ગોપાલકૃષ્ણન હેઠળ તાલીમ લીધી. એલ્ટો સપ્તક ધરાવતું સેક્સોફોન કર્ણાટકી સંગીતને માફક આવતું હોવાથી તે પસંદ કર્યું. [આ સપ્તકો તે સોપ્રાનો (Soprano), એલ્ટો (Alto), ટેનર (Tanor), બેરિટોન (Baritone).] કર્ણાટકી સંગીતકાર સેમ્માન્ગુડી શ્રીનિવાસ ઐયારના પીઠબળથી 1980માં મુંબઈ ખાતે યોજાયેલા ‘1980 બૉમ્બે જાઝ ફેસ્ટિવલ’માં એકલવાદન (Solo performance) કર્યું, જેથી ગોપાલનાથનું નામ વિશ્વફલક પર ચમક્યું. કૅલિફૉર્નિયાના જાઝ સંગીતકાર અને સેક્સોફોન વાદક જોન હેન્ડી (John Handy) સાથે સાંગીતિક સંગત કરી. આ જુગલબંધી ફ્યુઝન સંગીત (જાઝ સંગીત અને કર્ણાટકી સંગીતનું મિશ્રણ) પ્રકારની હતી. એ પછી ગોપાલનાથે બર્લિન જાઝ ફેસ્ટિવલ, જાઝ ફેસ્ટિવલ ઇન પ્રાહા (Praque), મેક્સિકો ખાતે ઇન્ટરનેશનલ સર્વેન્તિનો ફેસ્ટિવલ, પૅરિસ ખાતે મ્યુઝિક હૉલ ફેસ્ટિવલમાં સેક્સોફોન વગાડી પોતાની કીર્તિનો વધુ ફેલાવો કર્યો. જાઝ વાંસળીવાદક જેઇમ્સ ન્યુટન સાથે જાઝ કર્ણાટકી ફ્યુઝન (મિશ્રણ) સંગીતની અનેક કૅસેટો અને સીડીઓ બહાર પાડી. કર્ણાટકી સ્વરનિયોજક ત્યાગરાજ અને યુરોપિયન સ્વરનિયોજક બીથોવનની કેટલીક રચનાઓ જેઇમ્સ ન્યુટન સાથેની જુગલબંદી સંગત વડે વગાડીને રેકર્ડ કરી. અમેરિકન જાઝ સેક્સોફોન વાદક અને સ્વરનિયોજક રુદ્રેશ મહન્તાપ્પા (Rudresh Mahanthappa) સાથે જુગલબંદી (સંગત) કરી 2008માં આલ્બમ ‘કિન્સ્મેન’ બહાર પાડ્યું. હૃદયરોગના હુમલાથી 69 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. પત્ની સરોજિની સાથે ત્રણ સંતાન છે, જેમાંથી મણિકાંત (Manikanth) કદ્રી સંગીતકાર અને સ્વરનિયોજક છે.
2004માં તેમને કેન્દ્રીય સંગીત નાટક અકાદમીનો ઍવૉર્ડ, 2004માં પદ્મશ્રી ઍવૉર્ડથી બહુમાન થયું. ઉપરાંત શ્રી કાંચી કામાકોટિ પીઠ, શ્રી શ્રૃંગેરી શારદાપીઠ, શ્રી અહોબિલા મઠ તથા શ્રી પિલ્લાપાર્વતી મંદિરે તેમનું બહુમાન કર્યું હતું. ઉપરાંત કર્ણાટક રાજ્યએ તેમનું ‘કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર’ (1990), તમિળનાડુ રાજ્યએ ‘કલાઇમામાની’ ઍવૉર્ડ (1998), કર્ણાટક રાજ્યએ ‘કર્ણાટક કલાશ્રી’ (1996) ઍવૉર્ડ વડે સન્માન કર્યું. ચેન્નાઈ ખાતેની ‘ઇન્ડિયન ફાઇન આર્ટ્સ સોસાયટી’એ તેમનું ‘સંગીત કલાસિખામણિ’ ઍવૉર્ડ (2013)થી તેમજ શ્રીલંકાની ‘ઑલ સિલોન કમ્બન સોસાયટી’એ ‘કમ્બન પુગાઝ’ ઍવૉર્ડ (2018) વડે તેમનું બહુમાન કર્યું.
અમિતાભ મડિયા
