કથકલિ : કેરળની નૃત્યનાટ્યકળા. તેનો શબ્દાર્થ નાટ્યવાર્તા થાય છે. પ્રાચીન કાળથી કેરળ નૃત્યો તથા નાટકોની ભૂમિ રહેલ છે. માતા ભગવતીની આરાધના સર્વત્ર થતી તેને અનુષંગે તૈય્યમ, તિરા, તય્યાટ્ટુ અથવા મુટિએટ્ટ નૃત્ય તથા નાટ્યના પ્રકારો પ્રચલિત હતા. નવમી તથા દસમી સદીમાં કૂટ્ટિયાટ્ટમ્ નામક સંસ્કૃત નાટ્યપરંપરાથી ઊતરી આવેલો પ્રાદેશિક ઢાળમાં નાટ્યપ્રકાર પ્રચારમાં આવ્યો. કૂટ્ટિયાટ્ટમ્ માટે ખાસ પ્રકારનાં નાટ્યગૃહો બાંધવામાં આવતાં; તેને કૂત્તમ્પલમ કહે છે.
કાલિકટના સામુતિરી (zamorin) રાજાઓ કેરળના ઉત્તર પ્રદેશમાં રાજ્ય કરતા હતા તે સમયે માનવેદન નામના રાજાએ જયદેવના ‘ગીતગોવિંદ’ને અનુસરીને ‘કૃષ્ણાટ્ટમ નાટ્ય’ની રચના કરી હતી. આ નાટક સંસ્કૃતમાં લખાયું હતું. સોળમી સદી સુધીમાં મલયાળમ ભાષાએ સંસ્કૃતનું સ્થાન લીધેલું. તે ખરું જોતાં સંસ્કૃત અને જૂની મલયાળમ ભાષાના મિશ્રણરૂપ હતી. તે ભાષાને મણિપ્રવાલમ્ નામ અપાયું છે. કોટ્ટારકરના રાજાએ મણિપ્રવાલમાં રામાયણ લખ્યું જે એમના નાયર સૈનિકો ભજવતા. નાયર યુદ્ધકૌશલ્યની કળામાં તાલીમ પામેલી લડાયક પ્રજા હતી. તત્કાલીન પ્રચલિત વેશભૂષા પરથી નાટકો માટેની વેશભૂષા સર્જાઈ. સંગીત પણ તેમાં વણી લેવામાં આવ્યું હતું, જેને સોપાન સંગીત કહેવામાં આવતું.
1630–1640ના ગાળામાં વેટ્ટતુ નામક રાજાએ પોતાના લશ્કરી વડા શંકરન નાયરની મદદથી આ કળાને સંસ્કારી; તેનાથી અભિનેતાઓમાં અભિનયની ક્ષમતા વધી. તેમાં કથાનું નિરૂપણ પાર્શ્વસંગીત દ્વારા થતું. તેની દ્વારા અભિનયકળા પરાકાષ્ઠાએ પહોંચી. પહેલાં જે મહોરાંનો ઉપયોગ થતો તેને બંધ કરવામાં આવ્યો અને તેની જગ્યાએ અભિનેતાના મુખ પર જ પાત્રની લાક્ષણિકતા પ્રમાણે રંગભૂષા કરવામાં આવતી. એમાં બે વસ્તુ ઉમેરાઈ : તોટ્યમ્ અને પુરપ્પાટ્ટ. તોટ્યમ્ વંદનાનૃત્ય છે. પુરપ્પાટ્ટ મુખ્ય પાત્રનો પરિચય છે. એમાં તીરનોક્ક યવનિક એટલે કે પાછળ ર્દષ્ટિપાત કરવો તે ક્રિયા પણ એક નવતર પ્રયોગરૂપે ઉમેરાઈ. મડ્ડલમ્ અને ચંડા વાદ્યો સાથે તેનો પ્રયોગ થતો.
ઉત્તર કેરળના કોટ્ટાયમનો રાજા કોટ્ટયમ વિદ્વાન તથા કળાઓનો ચાહક હતો. તેણે મહાભારતમાંથી કેટલાક પ્રસંગો નાટ્યકથાઓમાં વણીને નાટ્યકથાઓ લખી છે. સંગીત તથા નૃત્યાત્મક અભિનય પર તેમણે વિશેષ ભાર મૂક્યો જેમાં શૃંગારરસનું પ્રાધાન્ય રહ્યું. સદભાગ્યે કોટ્ટાયમના રાજાને ત્યાં ચત્તુ પનિક્કર નામક ઉચ્ચ કોટિનો કલાકાર હતો. એ બંનેએ કલાના ક્ષેત્રમાં ઉચ્ચ કોટિનું પ્રદાન કર્યું. રાજાએ પૂરપ્પાટ્ટ પછી જયદેવના ‘ગીતગોવિંદ’માંથી એક ગીત ઉમેર્યું અને તેના દ્વારા સંગીતકારોને ગાવાનો તથા વાદ્યકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાનો અને સર્વ રસોના રાજા શૃંગારને પ્રભાવક રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. આને મેલપાટ્ટ કહેવામાં આવતું. આ સમયથી કથકલિ શબ્દ પ્રચલિત થયો. 1758થી 1798ના અરસામાં સ્વાતિ તિરુનાલ રાજાના સમયમાં આ કલાનો વધુ વિકાસ થયો. તેણે કેટલાંક નાટકો લખ્યાં હતાં અને તે તિરુઅનંતપુરમના પદ્મનાભ સ્વામીના મંદિરમાં ભજવાતાં. અહીં પણ કપલિંગમ નારાયણ નંપ્પુથિરી નામક બ્રાહ્મણ વિદ્વાનને કથકલિનો ભારે શોખ હતો. તેણે તે નૃત્યને ઉચ્ચ કલાનું સ્થાન અપાવ્યું. તેને માટે રંગભૂષા અને વેશભૂષાના રંગો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરાતા અને અભિનયની પ્રત્યેક ક્રિયાને એક સ્પષ્ટ રૂપ અપાતું. મહારાજાએ ‘બાલરામભારતમ્’ નામક ગ્રંથ રચ્યો અને નાટકો રજૂ કરી શકાય તે માટે મહેલ માટે એક સ્વતંત્ર નાટક મંડળીની સ્થાપના કરી. ત્યારથી કથકલિએ પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે.
અભિનય એ કથકલિનો આત્મા છે. આહાર્ય અભિનય કથકલિનું હાર્દ છે જેના દ્વારા પૌરાણિક પાત્રોનું વાતાવરણ ઊભું થઈ શકે છે.
કલાકારોની રંગભૂષા પાત્રાનુરૂપ હોય છે, જે સાત્વિક, રાજસિક અને તામસિક ગુણો પર આધારિત હોય છે. ઉત્તમ કોટિના સાત્વિક ગુણ ધરાવતા નાયકો, જેવા કે યુધિષ્ઠિર, અર્જુન, નળ વગેરે માટે ‘પચ્છઇ’ – નીલહરિત; રાવણ, દુર્યોધન વગેરે તામસિક ગુણોવાળાં અભિમાની, ઉદ્ધત પાત્રો માટે ‘કત્તિ’ રંગભૂષા; બકાસુર જેવા અસુરો માટે ‘થત્તિ’ રંગભૂષા હતી. વાલી અને સુગ્રીવ જેવાં વન્યપાત્રોની વેશભૂષામાં થોડો ભેદ કરવામાં આવે છે. કિરાત જેવાં પાત્રો માટે મેઘવર્ણીય ‘થત્તિ’ રંગભૂષા; ઋષિઓ, સ્ત્રીઓ, બ્રાહ્મણો, સંદેશવાહકો વગેરે માટે ‘મિનુક્ક’ (ગૌર) રંગભૂષા હોય છે. એકમાત્ર હનુમાનની વેશભૂષા અન્ય પાત્રોથી જુદી પડે છે. તેની રંગભૂષા સફેદ ‘થત્તિ’ પ્રકારની હોય છે જેનો ઉપરનો ભાગ કાળો ચીતરવામાં આવે છે. તેની દાઢી સફેદ તથા નાક લીલા રંગનું ચીતરવામાં આવે છે.
પાત્રોના સ્વભાવ પ્રમાણે વેશભૂષાના રંગ જુદા જુદા હોય છે. જટાયુ અને હંસ જેવાં પાત્રો ચાંચવાળું મહોરું પહેરે છે, જેનું તે જરૂરિયાત પ્રમાણે હલનચલન કરે છે.
કલાકારોના નીચેના ભાગનાં ઘેરદાર વસ્ત્રો, ભારે વજનવાળા મુકુટો, ઝળહળતાં આભૂષણો અને એમનાં મહોરાં જેવી રંગભૂષા ઉપરાંત મુખ પર કાનની એક તરફથી બીજી તરફ સુધી સફેદ રેખાંકન કરવામાં આવે છે, જેને ‘યુટ્ટિ’ કહેવામાં આવે છે. કલાકારોની આંખોમાં ચુંડપુવ નામના ફૂલનો રસ નાખીને તેમને રક્તવર્ણી કરે છે, જેથી મુખની રંગભૂષામાં સંતુલન દેખાય. પાત્રો જ્યારે રંગભૂમિ પર પ્રવેશ કરે ત્યારે રંગભૂષા, વેશભૂષા અને આભૂષણોને કારણે પ્રભાવ ઉત્પન્ન કરે છે. પ્રેક્ષકો કથકલિના આ પ્રભાવ નીચે આખી રાત બેસીને રસાનુભવ કરે છે.
આંગિક અભિનયમાં હસ્તમુદ્રાઓ દ્વારા આ અભિનય પ્રસ્તુત થાય છે : ‘હસ્તલક્ષણદીપિકા’ નામક પુસ્તકમાં આ મુદ્રાઓનું વર્ણન છે. હસ્તમુદ્રાઓ, મુખાભિનય, અંગભંગિ, પાર્શ્વમાંથી ગવાતું સંગીત અને વાદ્યોના નિનાદમાંથી એક અજબ સૃષ્ટિ સર્જાય છે. ‘કલ્યાણસૌગંદિકમ્’માં વર્ણવેલો ભીમ અને હનુમાનના મિલનનો પ્રસંગ અથવા રૌદ્રરૂપ ધારણ કરેલા ભીમ દ્વારા દુ:શાસનનો વધ જેવા પ્રસંગોમાં કલાકાર ઓતપ્રોત થઈ જાય છે અને પ્રેક્ષકોને રસાનુભૂતિ કરાવે છે.
કથકલિનો પ્રયોગ ચંડા અને મડ્ડલમ્ વાદ્યોના વાદનથી શરૂ થાય છે. સૂર્યાસ્ત ટાણે લોકો આ વાદ્યોના ગડગડાટ સાંભળીને પ્રયોગ થતો હોય તે તરફ જાય છે. પ્રકાશ માટે માત્ર એક મોટી કાંસાની દીવીમાં દીપ પ્રકટાવે છે. તીરશીલા એ રંગીન પડદો છે, જેને બે જણ બે બાજુથી પકડી રાખે છે. તેની પાછળથી પાત્રનો પ્રવેશ થાય છે.
કથકલિની તાલીમ દસ વર્ષની ઉંમરે શરૂ થાય છે. પછી આઠ વર્ષ સુધી ચાલે છે. શરીરના એકેએક અંગ માટે જુદી જુદી જાતની તાલીમ અપાય છે. તાલીમાર્થીઓને પ્રાચીન મહાકાવ્યોનો સઘન અભ્યાસ કરવો પડે છે તથા સંગીતની પૂરી જાણકારી મેળવવી પડે છે. આ તાલીમની એક અનોખી શિસ્ત હોય છે, જેમાં મુખના જુદા જુદા સ્નાયુઓ તથા હાથના હલનચલન અને પગોથી અટપટા તાલો મેળવવાની કુશળતા મુખ્ય છે. નૃત્ત પર આધારિત ‘કલાસમ્’ દ્વારા દરેક પ્રસંગની પૂર્તિ થાય છે. સ્ત્રી-પાત્રોના નર્તનમાં લાવણ્ય હોય છે. તેમના નર્તન વખતે ઇડક્કા નામનું ડમરુ આકારનું વાદ્ય વગાડવામાં આવે છે.
કથકલિના કલાકારો તેમના અદભુત કલાકૌશલ્ય દ્વારા રંગભૂમિ પર એક અનોખી દુનિયા ઊભી કરે છે. ભારતના જાણીતા કથકલિ નૃત્યકારોમાં કમલા, કૃષ્ણન્ કુટ્ટી, ગોપીનાથ, દમયંતી જોશી, રાઘવન્ નાયરનાં નામોનો સમાવેશ કરી શકાય.
મૃણાલિની સારાભાઈ