કતાર (Qatar) : એશિયા ખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે 25o 00′ ઉ. અ. અને 51o 10′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 11,586 ચોકિમી. અને સમુદ્રકિનારો 563 કિમી. છે. તે અરબ દ્વીપકલ્પને પૂર્વ છેડે તેમજ ઈરાની અખાતના મુખભાગ પર આવેલો છે. તેની ઉત્તરે અને પૂર્વે ઈરાની અખાત, દક્ષિણે યુનાઇટેડ આરબ અમીરાત તથા પશ્ચિમે બહેરિનનો અખાત આવેલા છે. દેશની ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ-પહોળાઈ અનુક્રમે 160 કિમી. અને 80 કિમી. જેટલી છે. કતારથી વાયવ્ય તરફ બહેરિનના અખાતની પેલી પાર આશરે 29 કિમી.ને અંતરે બહેરિન દેશ આવેલો છે.

દેશની સમુદ્રકિનારાપટ્ટી સમતળ છે, પરંતુ મધ્યનો અંતરિયાળ ભૂમિભાગ ચૂનાખડકોવાળો હોવાથી ઉજ્જડ છે. પૂર્વ કિનારાના ભાગમાં થોડા રણદ્વીપો આવેલા છે.

અહીંના ઉનાળા ગરમ તથા શિયાળા ઠંડા અને ભેજવાળા રહે છે. જુલાઈનું સરેરાશ દૈનિક તાપમાન 25o સે. રહે છે, તે ક્યારેક વધીને 49o સે. સુધી પણ પહોંચી જાય છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 23o સે. રહે છે. વરસાદ શિયાળામાં પડે છે. વાર્ષિક વરસાદનું પ્રમાણ 150 મિમી. કે તેથી ઓછું છે. દેશમાં એક પણ નદી નથી.

કતાર

દેશના અંતરિયાળ ભાગની જમીનો કસવિહીન હોવાથી પડતર રહે છે; પરંતુ જ્યાં ફળદ્રૂપ જમીનો છે ત્યાં ખેતી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. વરસાદ પૂરતા પ્રમાણમાં પડતો ન હોવાથી પાતાળકૂવા દ્વારા કુલ ખેડાણયોગ્ય જમીનના માત્ર 0.1 ટકા જેટલી જમીનમાં વાવેતર કરી શકાય છે. રણદ્વીપોમાં થોડીઘણી કાંટાળી વનસ્પતિ, ઘાસ અને અન્ય છોડવા જોવા મળે છે. સિંચાઈ દ્વારા તરબૂચ, શાકભાજી, ટમેટાં, ડુંગળી, બટાટા, અન્ય ફળો તેમજ થોડુંઘણું અનાજ ઉગાડાય છે. ચરાણવિસ્તારમાં પશુપાલન-પ્રવૃત્તિ ચાલે છે. અહીં ઊંટ, ગાય અને ઘેટાં-બકરાંનો ઉછેર થાય છે.

અહીં ખનિજતેલ મળી આવ્યું તે અગાઉ લોકો પશુપાલન, સાચાં મોતી મેળવવાના અને માછીમારીની પ્રવૃત્તિમાં રોકાયેલા રહેતા હતા. 1939માં ખનિજતેલ મળી આવ્યું પછીથી અહીં નોકરીઓની તકો ઉપલબ્ધ થવા માંડી છે. અહીંનું ‘નૉર્થ ફિલ્ડ’ દુનિયાનું સૌથી મોટું કુદરતી વાયુક્ષેત્ર ગણાય છે. ઉમ્મ સૈયદ ખાતે પ્રવાહી-વાયુ તૈયાર કરવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું છે.

દેશમાં પેટ્રોલિયમ-પેદાશો, ખાતર, સિમેન્ટ, રસાયણો અને અનાજ દળવાના એકમો સ્થપાયા છે. સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરવાના એકમો તેમજ પાતાળકૂવા દ્વારા મીઠું પાણી મેળવવાના પ્રયાસો સરકાર તરફથી થઈ રહ્યા છે. અહીંથી ખનિજતેલ, કુદરતી વાયુ, લોહઅયસ્ક, શ્રીંપ મત્સ્યની નિકાસ જાપાન, ઑસ્ટ્રેલિયા, યુ.એ.ઈ. અને સિંગાપુર ખાતે થાય છે; જ્યારે યંત્રો, રસાયણો, ખાદ્યપદાર્થો અને ગૃહવપરાશની ચીજવસ્તુઓની આયાત જર્મની, જાપાન, યુ.કે., યુ.એસ. અને ઇટાલી ખાતેથી થાય છે.

દેશમાં રેલમાર્ગનું નિર્માણ કરી શકાયું નથી. પાકા રસ્તાઓની લંબાઈ 1230 કિમી. જેટલી છે. ડોહા (Doha or Ad Dawhah) અહીંનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. વળી તે જળવાહનવ્યવહાર માટેનું મહત્વનું બંદર પણ છે. મધ્યમ કક્ષાનાં બીજાં બંદરો પણ આવેલાં છે.

2018 મુજબ આ દેશની કુલ વસ્તી 23.40 લાખ જેટલી છે, તેમાં આરબો (40%), ભારતીય (18%), પાકિસ્તાની (10%), ઈરાની (14%) તથા અન્ય દેશના લોકોનો સમાવેશ થાય છે. ડોહા અહીંનું પાટનગર છે, દેશના 75% લોકો ડોહામાં વસે છે. દેશની રાજભાષા અરબી છે. મોટાભાગના લોકો સુન્ની છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 80 % છે.

શિવપ્રસાદ રાજગોર