કણસહજાત ખનિજો (authigenic minerals) : જળકૃત ખડકોની રચના દરમિયાન ઘનિષ્ઠ થતા જતા ઘટક કણોની પારસ્પરિક પ્રક્રિયા દ્વારા બનતા નવા ખનિજો. જળકૃત ખડકોના અભ્યાસમાં તેમના બંધારણમાં રહેલાં ખનિજોની ઉત્પત્તિ અને તેનાં લક્ષણો આર્થિક, સ્તરવિદ્યાત્મક તેમજ પ્રાચીન ભૌગોલિક પર્યાવરણના સંદર્ભમાં મહત્વનાં બની રહે છે. જળકૃત ખડકોના બંધારણમાં રહેલા ખનિજોને બે વર્ગોમાં વિભાજિત કરેલાં છે : (1) કણજન્ય ખનિજો અને (2) કણસહજાત અથવા ખડકસહજાત ખનિજો. જળકૃત ખડકોમાં જોવા મળતા જે ખનિજો અસ્તિત્વ ધરાવતા અગ્નિકૃત, જળકૃત કે વિકૃત ખડકોમાંથી પ્રાપ્ત થયેલા હોય તેમનો કણજન્ય વર્ગમાં સમાવેશ કરેલો છે, પરંતુ જળકૃત ખડકોમાં મળતા જે ખનિજો ખડકની ઉત્પત્તિ સાથે ઉત્પન્ન થાય છે તે ખડકસહજાત કે કણસહજાત ખનિજો તરીકે ઓળખાય છે. આ પ્રકારમાં આવતા ખનિજો જળકૃત નિક્ષેપોમાંના ખનિજકણોની એકબીજા સાથે થતી અથવા તેમાંનાં છિદ્રોમાં રહેલ પ્રવાહી સાથે થતી પ્રક્રિયા દ્વારા થતા રાસાયણિક પુનર્ગઠનને પરિણામે પેદા થાય છે. આ પ્રમાણે પેદા થતા નવા ખનિજોની સાથે સાથે કેટલીક વાર મૂળ ખનિજોના કણોની વૃદ્ધિ અથવા તેમાં પરિવર્તન પણ થતાં હોય છે. જળકૃત નિક્ષેપોમાં રહેલા ઘન કણો અને પ્રવાહી વચ્ચે થતી પ્રક્રિયાઓમાં અપચયન (reduction), જલીકરણ અને નિર્જલીકરણ જેવી પ્રક્રિયાઓ ઉપર દર્શાવેલા ફેરફારો માટે જવાબદાર ગણાવી શકાય. વધુમાં Fe, Mg અને K જેવાં રાસાયણિક તત્વોના ઉમેરણથી વિવિધ ખનિજોનું પરિવર્તન થાય છે. કૅલ્સાઇટ, માટી, પાયરોલ્યુસાઇટ, ગ્લૉકોનાઇટ, હૅમેટાઇટ, લિમોનાઇટ એ કણસહજાત ખનિજોનાં ઉદાહરણ છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે