કણરચના

January, 2006

કણરચના (textures) : વિવિધ પ્રકારના ખડકોમાં જોવા મળતી ઘટકોની પરસ્પર ગોઠવણી અથવા ખનિજસ્ફટિકો અને સૂક્ષ્મ દાણાદાર ખનિજદ્રવ્ય કે કાચદ્રવ્યની ગોઠવણી. પૃથ્વીના બંધારણમાં રહેલા ખડકોમાં ખનિજો કે ખડક-ટુકડા જેવા ઘટકોની પરસ્પર ભૌમિતિક ગોઠવણી અથવા ખનિજકણો વચ્ચે ગોઠવણીનો આંતરસંબંધ જોવા મળે છે. જુદા જુદા ખડકોમાં જુદી જુદી કણરચના હોઈ શકે છે, જેના પરથી ખડકનો ઉત્પત્તિ-પ્રકાર સમજી શકાય છે. કેટલાક ખડકવિદો કણરચના અને સંરચના (structure) – એ બે શબ્દોને સમાન અર્થમાં વાપરે છે, તેથી અર્થઘટન સંદિગ્ધ બની જાય છે. ખડકોની કણરચના નીચે પ્રમાણે અગ્નિકૃત, જળકૃત અને વિકૃત ખડકોના સંદર્ભમાં વર્ણવી શકાય.

અગ્નિકૃત ખડકોમાં કણરચના : અગ્નિકૃત ખડકો મૅગ્મા/લાવાની ઘનીભવન-સ્ફટિકીકરણની ક્રિયા દ્વારા બનતા હોવાથી સ્ફટિકીકરણ ધીમું કે ઝડપી હોઈ શકે છે. મૅગ્મા સ્નિગ્ધ કે તરલ હોઈ શકે છે, એક કે બીજા ઘટકથી સમૃદ્ધ કે અછતવાળો હોઈ શકે છે. આ બધાં તેમજ ખનિજોનાં કણકદ, કણઆકાર, સ્ફટિકમયતાનું પ્રમાણ, સ્ફટિકો કે કણોના આંતરસંબંધો જેવાં પરિબળો કણરચનાના વિવિધ પ્રકારો માટે કારણભૂત બને છે.

કણકદ : ખડકોમાં રહેલા ખનિજોના કણોનું સરેરાશ કદ ધ્યાનમાં લેતાં 5 મિમી.થી મોટા કણો માટે સ્થૂળ દાણાદાર, 5 મિમી. અને 1 મિમી. વચ્ચેના કણો માટે મધ્યમ દાણાદાર અને 1 મિમી.થી નાના કણો માટે સૂક્ષ્મ દાણાદાર જેવા શબ્દો કણરચના માટે વાપરી શકાય અને તે મુજબ ઍફેનિટિક, ફૅનેરિટિક અને હાઇલાઇન પર્યાયોનો ઉપયોગ કરી શકાય. જે ખડકોમાં ખનિજો અત્યંત સૂક્ષ્મ સ્ફટિક સ્વરૂપમાં હોય એવી કણરચનાને અતિસૂક્ષ્મ સ્ફટિકમય કહી શકાય.

કણ-આકાર : કણોના આકારનું વર્ણન કરવા ત્રણ સમકક્ષ શબ્દ-સમૂહો ઉપયોગમાં લેવાય છે :

 

પૂર્ણ પાસાદાર

(રોજેનબુશ)

પૂર્ણસ્ફટિકમય

(રોહરબાક)

ઑટોમૉર્ફિક

 

પૂર્ણવિકસિત સ્ફટિકો

દર્શાવતાં ખનિજો

અપૂર્ણ/પાસાદાર અર્ધસ્ફટિકમય હાઇપોટોમૉર્ફિક અપૂર્ણ વિકસિત

સ્ફટિકો દર્શાવતાં

ખનિજો

પાસારહિત અસ્ફટિકમય ઝેનોમૉર્ફિક સ્ફટિક ફલકોનો

વિકાસ થયો હોતો

નથી.

છેલ્લો પર્યાયસમૂહ ત્રણે પ્રકારના ખડકોમાં જોવા મળતા ખનિજકણોના આકાર માટે વાપરી શકાય છે :

સ્ફટિકમયતાની માત્રા (પ્રમાણ) : ખડકમાંનાં ખનિજો સંપૂર્ણપણે સ્ફટિકમય કે કાચમય હોઈ શકે; તે માટે સંપૂર્ણ સ્ફટિકમય કે સંપૂર્ણ કાચમય જેવા શબ્દો વાપરી શકાય, પરંતુ જ્યારે કોઈ ખડકમાં સ્ફટિકો અને કાચદ્રવ્ય બંને હોય ત્યારે ‘અર્ધસ્ફટિકમય’ શબ્દ પ્રયોજી શકાય. (જોકે અંગ્રેજીમાં અહીં અર્ધસ્ફટિકમયતાની જુદી જુદી માત્રા મુજબ હેમિક્રિસ્ટેલાઇન, હાઇપોક્રિસ્ટેલાઇન, હાઇલોક્રિસ્ટેલાઇન, હાઇપોહાયલાઇન, મેરોક્રિસ્ટેલાઇન જેવાં વિવિધ નામો આપવામાં આવેલાં છે.) વિકાચકરણ પામેલા ખડકોમાં વેરિયોલિટિક, સ્ફેરુલિટિક, હાઇલોપિલિટિક અને માઇક્રોલિટિક કણરચનાના પ્રકારો જોવા મળે છે.

કણોના આંતરસંપર્ક સંબંધો (કણમાળખું) : અહીં એક જ ખડકમાંનાં વિવિધ ખનિજોનાં કણ-કદના આંતરસંબંધો તેમજ પ્રત્યેક ખનિજના સ્ફટિકસ્વરૂપની પૂર્ણતા-અપૂર્ણતાની રજૂઆતનો સમાવેશ કરવામાં આવે છે.

સમદાણાદાર-અસમદાણાદાર કણરચનાઓ : ખડકમાંનાં બધાં ખનિજો જો લગભગ એકસરખા પરિમાણવાળાં હોય તો સમદાણાદાર (equigranular) કણરચના અને નાના-મોટા પરિમાણવાળાં કે અનિયમિત હોય તો અસમદાણાદાર (inequigranular) કણરચના કહેવાય છે. વળી, સ્ફટિકોની રૂપરેખા પૂર્ણ, અર્ધપૂર્ણ કે અનિયમિત હોય ત્યારે પેનિડિયોમૉર્ફિક, હાઇપિડિયોમૉર્ફિક કે ઍલોટ્રાયોમૉર્ફિક કણરચના કહેવાય છે.

પ્રવાહ કણરચના (directive texture) : મૅગ્મા કે લાવાના પ્રવહન દરમિયાન ખનિજોની સમાંતર ગોઠવણી ઉદભવે છે, જેને પ્રવાહ કણરચના કહે છે; જેમ કે, ટ્રેકાઇટિક, ટ્રેકિટૉઇડ.

આંતરવિકાસ કણરચના (intergrowth texture) : ખનિજઘટકોના સહસ્ફટિકીકરણની ક્રિયા દ્વારા આંતરવિકાસ કણરચના ઉદભવે છે; જેમ કે, ગ્રાફિક, ગ્રૅનોફાયરિક, મિર્મેકાઇટિક, સિમ્પ્લેટિક.

આંતરદાણાદાર કણરચના (intergranular texture) : બેસાલ્ટ જેવા ખડકોમાં પ્લૅજિયોક્લેઝની સૂક્ષ્મસ્ફટિક તકતીઓ એવી રીતે ગોઠવાયેલી હોય છે કે તેને કારણે ત્રિકોણાકાર કે અનિયમિત આંતરકણ જગાઓ ઉદભવે છે. આ આંતરકણ જગાઓ ઑલિવિન, ઓગાઇટ કે લોહ ઑક્સાઇડના નાના દાણાઓથી પુરાઈ જાય છે. આ પ્રમાણે તૈયાર થતી કણરચનાને આંતરદાણાદાર કણરચના કહેવાય છે.

આંતરપૂરણ કણરચના (intersertal texture) : કેટલીક વખતે આંતરકણ જગાઓમાં કાચમય દ્રવ્ય સૂક્ષ્મ સ્ફટિકમય કે સૂક્ષ્મ દાણાદાર ક્લોરાઇટ કે સર્પેન્ટાઇનથી પૂરણી થયેલી હોય છે ત્યારે તેને આંતરપૂરણ કણરચના કહેવાય છે.

અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી વિવિધ પ્રકારની કણરચનાઓમાં સંપૂર્ણ સ્ફટિકમય, અર્ધસ્ફટિકમય, સૂક્ષ્મ દાણાદાર, સંપૂર્ણ કાચમય, પર્લિટિક, ફેલ્સિટિક, ટ્રેકાઇટિક, ટેક્સિટિક, પિલોટેક્સિટિક ઇત્યાદિનો સમાવેશ કરી શકાય.

જળકૃત ખડકોમાં કણરચનાઓ : જળકૃત ખડકોના ભૌતિક બંધારણમાં રહેલા ઘટક કણોનાં કદ, આકાર, વિતરણ અને અન્યોન્ય ગોઠવણી આ ખડકોમાં જોવા મળતી કણરચના માટે કારણભૂત છે. ઘટક કણોના એકત્રીકરણના જુદા જુદા સંજોગોને કારણે વિવિધ પ્રકારની મૂળભૂત કણરચનાઓ ઉદભવે છે. તેમને મુખ્યત્વે કણજન્ય (particulate અથવા clastic) અને બિનકણજન્ય (non-particulate અથવા non-clastic) પ્રકારોમાં વર્ગીકૃત કરેલી છે.

કણજન્ય કણરચનાઓ વિવિધ કણોની જમાવટને કારણે અસ્તિત્વમાં આવે છે. આ કણરચનામાં જોવા મળતા કણો તેમની વચ્ચેનાં સંપર્કબિંદુઓની બિનપરિવર્તિત સ્થિતિ તેમજ તેમની સાથે સંકળાયેલી આંતરકણ જગાઓની વિશિષ્ટતાવાળા હોય છે. આ પ્રકારની કણરચના રેતીખડક કે કાગ્લૉમરેટ જેવા કણજન્ય ખડકોની વિશિષ્ટતા છે, પરંતુ આ કણરચના બિનકણજન્ય ખડકો એટલે કે જેમાં સ્ફટિકો કે પ્રાણીઓનાં કવચ ગુરુત્વજમાવટને કારણે એકઠાં થયેલાં હોય તેમાં પણ જોવા મળે છે. મોટા કણવાળા જળકૃત ખડકોમાં જોવા મળતી આ પ્રકારની કણરચનામાં તેમાં રહેલા કણોનાં કદ અને વિતરણ પ્રમાણે કણના ‘સ્થૂળ રજકણ’ અને ‘સૂક્ષ્મ રજકણ’ જેવા બે પ્રકાર છે. આ બે પૈકી ‘સંશ્લેષણ દ્રવ્ય’ કણોની આજુબાજુ સંગઠિત થયેલું હોય છે.

બિનકણજન્ય કણરચના સ્ફટિકમયતાની વધુ માત્રાવાળી હોય છે અને તે એકઠા થયેલા કણોની અંદર કે કણજથ્થાની સપાટી પર થતી સ્ફટિકીકરણની ક્રિયાથી ઉદભવે છે. આ કણરચના એકબીજા સાથે જોડાયેલા સ્ફટિકોની વિશિષ્ટતાવાળી હોય છે. તે મહદ્અંશે રાસાયણિક પ્રક્રિયાને કારણે અસ્તિત્વમાં આવે છે. અન્ય બિનકણજન્ય કણરચનાઓ જીવજન્ય દ્રવ્યથી થતી કણોની સંશ્લેષણક્રિયાથી ઉદભવે છે. આ પ્રકારની કણરચના ચૂનાખડક કે રેતીખડકમાં જોવા મળે છે.

ઉપર દર્શાવેલી જળકૃત કણરચનાઓ ઉપરાંત જળકૃત ખડકોમાં ‘દ્રાવણ-કણરચનાઓ’ (solution texture) અને ‘વિરૂપક-કણરચનાઓ’ (deformation texture) જોવા મળે છે. તે કણોની જમાવટ પૂરી થયા પછીના ફેરફારોથી ઉદભવે છે.

વિકૃત ખડકોમાં કણરચનાઓ : ગરમી અથવા દબાણ કે ગરમી અને દબાણની સંયુક્ત અસર હેઠળ, પૂર્વ-અસ્તિત્વ ધરાવતા અગ્નિકૃત કે જળકૃત ખડકોમાંથી રૂપાંતરિત થઈ વિકૃત ખડકો ઉત્પન્ન થતા હોય છે. પરિણામે વિકૃત ખડકોમાં કેટલીક વખતે ગરમીને કારણે પુન:સ્ફટિકીકરણ ક્રિયા થાય છે. અમુક સંજોગોમાં આ ખડકોમાં દબાણની અસરને લીધે ખનિજ ઘટકોની સમાંતર ગોઠવણી તેમજ ચૂર્ણક્રિયા થાય છે. વિકૃત-પ્રક્રિયા દરમિયાન અસ્તિત્વ ધરાવતા ખડકોમાં પુન:સ્ફટિકીકરણ તેમજ ખનિજ ઘટકોની સમાંતર ગોઠવણી એકસાથે ઉદભવે છે. પરિણામે વિકૃત ખડકોની કણરચનાઓ ખનિજ ઘટકોના આકાર તેમજ તેમની ઉત્પત્તિ કેવા સંજોગોમાં થયેલી છે તેના ઉપર આધાર રાખે છે. પુન:સ્ફટિકીકરણને પરિણામે વિકૃત ખડકોમાં શિસ્ટોઝ, નાઇસોઝ, મૅક્યુલોઝ, કૅટાક્લાસ્ટિક, હેલિસાઇટિક, પૅલિમ્પસેટ જેવી કણરચનાઓ અને સંરચનાઓ જોવા મળે છે. આ ઉપરાંત, ગ્રૅન્યુલિટિક, ક્રિસ્ટલોબ્લાસ્ટિક, લૅપિડોબ્લાસ્ટિક, નિમાટોબ્લાસ્ટિક જેવી કણરચનાઓનો પણ સમાવેશ થાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા