કણબંધન

January, 2006

કણબંધન (nucleation) : ન્યૂક્લિયસના સર્જનની પ્રક્રિયા. પદાર્થની બાષ્પ, પ્રવાહી, ગલન કે ઘન અવસ્થામાંથી સ્ફટિક મેળવી શકાય. સ્ફટિક બનાવવા (crystal growth) માટેનું પ્રથમ પગલું ‘ન્યૂક્લિયસ’નું સર્જન છે. અણુ કે પરમાણુનો નાનામાં નાનો સમૂહ કે જેમાં અણુ/પરમાણુની ગોઠવણી સ્ફટિકના ‘સ્પેસલેટિસ’ મુજબ હોય તથા જે સ્ફટિકવિકાસના આરંભબિંદુ (embryo) તરીકે વર્તે તેને ન્યૂક્લિયસ કહે છે. કણબંધનની પ્રક્રિયા પદાર્થની પૂર્વાવસ્થા(pre-existing phase)માંથી નૂતન અવસ્થામાં રૂપાંતર સાથે સંકળાયેલી છે. તે આપમેળે થતી નથી, પરંતુ તેને માટે કેટલીક બાબતો શરતરૂપ રહેલી છે, જે સ્ફટિકના ગુણધર્મો તથા તેને બનાવવાની રીત પર આધારિત હોય છે; દા.ત., પ્રવાહી તથા બાષ્પ અવસ્થામાં કણબંધન થવા માટે અતિશીતન (super-cooling) અથવા અતિસંતૃપ્તિ (super-saturation) જરૂરી છે. કણબંધન બે રીતે થઈ શકે. સમાન પ્રાવસ્થા(homogeneous phase)માં કણબંધન થાય તો તેને સમકણબંધન કહે છે, પરંતુ જો કોઈ અશુદ્ધિના કણના પૃષ્ઠ કે એવા કોઈ અન્ય આધાર પર કણબંધન થાય તો તેને વિષમ કણબંધન (heterogeneous nucleation) કહે છે.

શશીધર ગોપેશ્વર ત્રિવેદી