કણજમાવટ (sedimentation) : કણો દ્વારા થતી નિક્ષેપક્રિયા. ભૂપૃષ્ઠ પરના ખડક-ખનિજ જથ્થા પર સતત કાર્યરત રહેતાં ભૌતિક, રાસાયણિક, જીવરાસાયણિક ખવાણ, ઘસારો અને ધોવાણનાં પરિબળો દ્વારા તેમાંથી છૂટા પડતા નાનામોટા કદ અને આકારના ટુકડા તેમજ કણોની ગુરુત્વાકર્ષણ, પવન કે પાણી મારફતે વહનક્રિયા થઈને પાણીમાં કે ભૂમિ પરનાં અનુકૂળ સ્થાનોમાં એકત્રીકરણથી જમાવટ થાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના ખડકો પર થતી વિભંજન-વિઘટન ક્રિયાઓને આધારે કણકદસ્વરૂપ માટી, કાંપ, કાંપકાદવ, રેતી, ગ્રૅવલ કે અશ્મ હોઈ શકે. વિઘટનને કારણે તૈયાર થતાં રાસાયણિક દ્રાવણો પણ આમાં ભળે, જેનાંથી કણો અરસપરસ જોડાય અથવા કેટલાંક દ્રાવણો અવક્ષેપ પામે. આમ ભેગા થતા જતા કણજન્ય કે અવક્ષેપજન્ય જથ્થા સમય જતાં ઘનિષ્ઠ બનતા જાય. કણો વચ્ચેની આંતરકણ જગાઓમાં દ્રાવણો ફેલાય અને કણોને જોડી દે. દીર્ઘકાળપર્યંત ચાલતી કણજમાવટક્રિયાને પરિણામે સ્તરો ઉપર સ્તરોની રચનાથી પ્રસ્તરીકરણ થઈ શ્રેણીબદ્ધ સ્તરોવાળા સખત જળકૃત ખડકો તેમજ કણજન્યનિક્ષેપો બને છે. કણજમાવટ માટેનાં અનુકૂળ સ્થાનો નદીતળ, નદીકિનારા, નદીની આજુબાજુના પ્રદેશો, કાંપનાં મેદાનો, ત્રિકોણપ્રદેશો, સરોવરો, ખાડીસરોવરો, સમુદ્ર-મહાસાગરના કિનારાના પ્રદેશો કે તળના છીછરા-ઊંડા જળના વિભાગો હોઈ શકે.
કણજમાવટની પ્રક્રિયાને પરિણામે સર્વસામાન્ય જળકૃત ખડકો જ નહિ, પરંતુ લોહ, મૅંગેનીઝ, તાંબું, ફૉસ્ફેટ, કોલસા, તૈલી મૃદ્-ખડક, કાર્બોનેટ, સિમેન્ટ યોગ્ય ખડકજથ્થા, માટી, ડાયેટમયુક્ત માટી, બેન્ટોનાઇટ, મુલતાની માટી, મૅગ્નેસાઇટ, ગંધકના મૂલ્યવાન ખનિજનિક્ષેપો અને ક્વચિત્ યુરેનિયમ, વેનેડિયમના નિક્ષેપજથ્થા પણ જામે છે.
કણજમાવટની ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિ બાદ શરૂ થયેલી છે અને તે આજપર્યંત ચાલુ છે. ભારતની નદીઓ દ્વારા વહેતા દ્રવ્યજથ્થાનાં ઉદાહરણ લઈએ તો ગંગા નદી દ્વારા રોજેરોજ વહેતી રેતી અને માટી 35,60,00,000 ટન જેટલી અને કાંપકાદવ 9,00,000 ટન જેટલો થવા જાય છે. સિંધુ નદીના પાણીમાં દરરોજ 10,00,000 ટન ઘનદ્રવ્ય વહન પામે છે. બ્રહ્મપુત્ર દ્વારા વહન પામતો કાંપકાદવ તો ગંગા કે સિંધુ કરતાં પણ વધી જાય છે. નર્મદા કે જેલમ દ્વારા કૅલ્શિયમના સલ્ફેટ અને કાર્બોનેટ, સિલિકા અને સોડિયમ, મૅગ્નેશિયમ, લોહ વગેરેના ક્ષારો દ્રાવણ સ્વરૂપે ખેંચાઈ જાય છે. તેનો અંદાજ પ્રતિ વર્ષે લાખો ઘનમીટર જેટલો મૂકી શકાય. નદીજળ દ્વારા ખડક-ધોવાણમાં દ્રાવણ સ્વરૂપે ખેંચાઈ જતા ક્ષારોની માત્રા પ્રતિ દસ લાખ ભાગે 50થી 400 ભાગ (50-400 PPM) જેટલી મૂકી શકાય; જેમ કે, મહાનદીની પાણીની ક્ષારતા (કટક નજીક માપ્યા મુજબ) પ્રત્યેક દસ લાખ ભાગ જળમાં 86 ભાગ (86 PPM) જેટલી થાય છે.
ગિરીશભાઈ પંડ્યા