કણજન્ય ખનિજનિક્ષેપો

January, 2006

કણજન્ય ખનિજનિક્ષેપો (detrital mineral deposits) : ખવાણ અને/અથવા ઘસારાની ક્રિયાઓ દ્વારા વિભંજન-વિઘટન પામીને ખડકોમાંથી છૂટા પડી તૈયાર થયેલા ખનિજકણોમાંથી બનતા નિક્ષેપો. જે ખનિજકણો વધુ ઘનતાવાળા હોય, સ્થાયી હોય અને ભૌતિક સન્નિઘર્ષણનો પ્રતિકાર કરી શકે એવા હોય તેમજ સંભેદવિહીન હોય તે પ્રમાણમાં ઓછી વહનક્રિયા પામી પાછળ રહી જાય છે અને અનુકૂળ જગાએ તેમનું સ્થાનીકરણ થતું રહે છે. વખત જતાં તેમનું ભૌતિક સંકેન્દ્રણ થાય છે. આવા સંગઠિત ખનિજનિક્ષેપોનું યોગ્ય રીતે ખનનકાર્ય કરવામાં આવે તો આર્થિક રીતે ઉપજાઉ બની શકે છે. કલાઈના નિક્ષેપો, સુવર્ણનિક્ષેપો, હીરાનિક્ષેપો તથા ઇલ્મેનાઇટ-રુટાઇલ જેવા ટાઇટેનિયમના નિક્ષેપોનો કણજન્યનિક્ષેપોમાં સમાવેશ કરી શકાય. ભારતમાં મળી આવતા આ પૈકીના ઘણાખરા નિક્ષેપો કણજન્ય ઉત્પત્તિવાળા હોય છે; દા.ત., ઇલ્મેનાઇટ, મૉનેઝાઇટ તથા રુટાઇલના કણજન્ય કંઠારનિક્ષેપો, નદીપાત્રોમાં ક્વચિત્ મળી આવતા હીરા અને સુવર્ણકણનિક્ષેપો.

ગિરીશભાઈ પંડ્યા