કઝાખસ્તાન : પશ્ચિમ-મધ્ય એશિયામાં આવેલો પ્રદેશ. વિસર્જિત સોવિયેત યુનિયનનાં પંદર પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ડિસેમ્બર 1991માં રચાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’માંનું એક સાર્વભૌમ રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 48o ઉ. અ. અને 68o પૂ. રે.ની આજુબાજુનો 27,17,300 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તર અને વાયવ્યમાં રશિયાની મુખ્ય ભૂમિથી, પૂર્વ તરફ ચીનના જીનજિયાંગ ઉયગુર સ્વાયત્ત પ્રદેશથી, દક્ષિણ તરફ તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિરગીઝસ્તાન રાજ્યોથી તેમજ અરલ સમુદ્રથી તથા પશ્ચિમ તરફ કાસ્પિયન સમુદ્રથી ઘેરાયેલું છે. નૂરસુલતાન તેનું પાટનગર છે.

કઝાખસ્તાન

ભૂપૃષ્ઠ : કઝાખસ્તાનનો પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા ટૂંકા ઘાસના સ્ટેપીઝના મેદાનથી બનેલો છે. આ પ્રદેશના ત્રણ કુદરતી વિભાગો પડે છે : પશ્ચિમ તરફ કાસ્પિયન સમુદ્ર નજીક ગર્ત આવેલું છે અને તુરાનનો નીચાણવાળો ભાગ આશરે 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં એક અવશિષ્ટ ડુંગરમાળા આવેલી છે. પૂર્વ અને નૈર્ઋત્ય તરફ આલતાઈ અને તિયેન શાનનો 400 મીટરથી વધુ ઊંચાં શિખરો ધરાવતો પહાડી પ્રદેશ આવેલો છે. ઉત્તર તરફના સ્ટેપીઝના  પ્રદેશની જમીન કાળી છે, બાકીના પ્રદેશની જમીન ભૂખરી અને રેતાળ છે.

જળપરિવાહ : કઝાખસ્તાનમાં ત્રણ નદીઓ આવેલી છે. સિરદરિયા નદી અરલ સમુદ્રને મળે છે. યુરલ એમ્બા યુરલ પર્વતમાંથી નીકળી દક્ષિણે કાસ્પિયન સમુદ્રને મળે છે. ઈરતીશ નદી ઓબ નદીને મળે છે. નદી પર બંધ બાંધીને જળવિદ્યુત ઉત્પન્ન કરાય છે. નદીઓનો ઉપયોગ સિંચાઈ, જળમાર્ગ અને વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે. અરલ અને બાલ્ખશ ખારા પાણીનાં સરોવરો છે. આંતરિક જળમાર્ગ તરીકે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. પહાડો ઉપર શંકુદ્રુમ અને પાનખર પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે.

આબોહવા : કઝાખસ્તાનનો સમગ્ર પ્રદેશ દરિયાથી દૂર આવેલો હોવાથી ખંડસ્થ (શુષ્ક) આબોહવા ધરાવે છે. ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. ઉત્તર ભાગો કરતાં દક્ષિણ ભાગોમાં વસંતઋતુનું આગમન વહેલું થાય છે. ઋતુઓ તેમજ દિવસ-રાત્રિ દરમિયાન તાપમાનનો ગાળો વિશેષ રહે છે. આલ્માતી(શહેર)નું જુલાઈ અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન અનુક્રમે 24o સે. અને -4o સે. જેટલું રહે છે. તે ઉનાળામાં ક્યારેક 32o સે. અને શિયાળામાં ક્યારેક – 17o સે. સુધી પણ પહોંચે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 598 મિમી. જેટલો ગણાય છે.

ખનિજસંપત્તિ : કઝાખસ્તાનમાં ક્રોમિયમ, લોહ-અયસ્ક, સીસું, જસત, નિકલ, તાંબુ, સોનું, ચાંદી, બૉક્સાઇટ, વૅનેડિયમ, કોબાલ્ટ, કલાઈ, ટંગસ્ટન તથા પેટ્રોલિયમ, કોલસો, ફૉસ્ફેટ અને સિંધવના જથ્થા મળે છે. રશિયાઈ પ્રદેશના તાંબા અને જસતના તથા સીસાના ઉત્પાદનમાં આ પ્રદેશનો હિસ્સો અનુક્રમે 40 % અને 80 % જેટલો છે.

ખેતીપશુપાલન : અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. સ્ટેપીઝના મેદાનમાં લોકો સૂકી ખેતી કરે છે. ઘઉં અહીંના ઉત્તર ભાગમાં થતો મુખ્ય પાક છે. અન્ય ધાન્ય પાકોમાં ડાંગર, મકાઈ, બાજરી અને શેરડીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભાગોમાં સિંચાઈની મદદથી કપાસ, તમાકુ, એરંડા, શણ, બીટ, શાકભાજી, ફળોનું વાવેતર થાય છે. ખેડૂતો ખેતી ઉપરાંત ઉત્તમ પ્રકારનું ઊન આપતાં ઘેટાંનો, દુધાળાં ઢોરનો તથા મરઘાંબતકાંનો ઉછેર પણ કરે છે. ડેરીપેદાશોમાં દૂધ, ઈંડાં અને માંસનું ઉત્પાદન લેવાય છે.

ઉદ્યોગવેપાર : આ રાજ્યમાં સિમેન્ટ, રાસાયણિક ખાતરો, રાસાયણિક રેસા, પૂંઠાં, કૃત્રિમ કાપડ, યંત્રો, ખેતીનાં ઓજારો તથા ઘરવપરાશ માટેની કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન લેવાય છે. ખનિજતેલ, લોહ-બિનલોહ ધાતુઓ અને કપાસની નિકાસ થાય છે. ઔદ્યોગિક યાંત્રિક સાધનોની આયાત કરવામાં આવે છે.

પરિવહન : રાજ્યનું પાટનગર અસ્તાના અહીંનાં મહત્વનાં શહેરો અને વિવિધ સ્થળો સાથે રેલમાર્ગોથી જોડાયેલું છે. રાજ્યભરમાં 14,400 કિમી.ના રેલમાર્ગો આવેલા છે, તે પૈકી 3,500 કિમી.ના રેલમાર્ગો વીજળીથી ચાલે છે. સડકમાર્ગોની કુલ લંબાઈ 1,20,000 કિમી. જેટલી છે. સરોવરો અને કેટલીક નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગમાં આવે છે. અકાતાઉ અહીંનું મહત્વનું આંતરિક બંદર છે. ‘એર કઝાખસ્તાન’ અહીંની મહત્વની હવાઈસેવા છે, તેનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક અલ્માતી ખાતે આવેલું છે. અન્ય આંતરિક હવાઈસેવાઓ પણ કાર્યરત છે. રેડિયો અને ટેલિવિઝન કંપની કઝાખસ્તાન રાજ્ય હસ્તક ચાલે છે. દુનિયાના વિવિધ ભાગોમાંથી પ્રવાસીઓની અવરજવર પણ રહે છે.

વસ્તી : 2020 મુજબ કઝાખસ્તાનની વસ્તી 1,87,11,560 જેટલી છે. તેમાં મુખ્યત્વે કઝાખ લોકો (68 %) અને રશિયનો (18 %) છે. આ ઉપરાંત અહીં જર્મનો, યુક્રેનિયનો, ઉઝબેકો, તાર્તારો, કુર્દ, ડંગન, ઉઈગરો વગેરે પણ વસે છે. 1990ના દાયકામાં રાજકીય ઊથલપાથલ થયા બાદ 15 લાખ લોકો (રશિયનો અને જર્મનો) અહીંથી સ્થળાંતર કરી ગયેલા. અહીંના આશરે 45 લાખ લોકો પરદેશમાં વસે છે. કઝાખસ્તાનના મોટાભાગના લોકો રશિયાઈ રાષ્ટ્રીય જૂથના છે. કઝાખ તરીકે ઓળખાતું અન્ય રાષ્ટ્રીય જૂથ વસ્તીનો તદ્દન નાનો ભાગ ધરાવે છે. અહીંના લોકોની રાષ્ટ્રીય ભાષા કઝાખ છે. આ ઉપરાંત અહીં રશિયન અને તુર્કી ભાષાઓ પણ બોલાય છે. અહીંના 50 %થી 60 % લોકો સુન્ની મુસ્લિમ ધર્મ અને 30 %થી 35 % લોકો રશિયન રૂઢિચુસ્ત ધર્મ પાળે છે. અગિયારમા ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત છે. સાક્ષરતાનું પ્રમાણ 99 % જેટલું છે. અર્થાત્ અહીં નિરક્ષરતા લગભગ નાબૂદ થઈ ગઈ છે. અલ્માતીમાં યુનિવર્સિટી તથા એકૅડેમી ઑવ્ સાયન્સ આવેલાં છે. કઝાખસ્તાન 14 પ્રાંતોનું બનેલું છે. અહીં બધાં મળીને 82 જેટલાં નગરો, 187 જેટલી શહેરી વસાહતો તથા 221 જેટલા ગ્રામીણ જિલ્લાઓ છે. અહીંનાં મુખ્ય શહેરોમાં પાટનગર નૂરસુલતાન (વસ્તી : 12 લાખ – 2020 મુજબ), અલ્માતી (19 લાખ), કારાઘન્ડા (5,73,700), શ્યામકેન્ટ (3,97,600) અને પાવલોદર-(3,40,700)નો સમાવેશ થાય છે.

ઇતિહાસ : આ પ્રદેશનો કેટલોક ભાગ અગાઉ તુર્કસ્તાન તરીકે ગણાતો હતો. 1854માં દક્ષિણ વિસ્તારના કઝાખિસ્તાને રશિયાનું સ્વામિત્વ સ્વીકાર્યું હતું. 1860માં રશિયાએ આ વિસ્તાર જીતી લીધેલો. 1866માં તાશ્કંદ, 1868માં સમરકંદ અને તે પછીથી બાકીનો પ્રદેશ જીતી લીધો હતો અને રશિયાઈ તુર્કસ્તાનમાં ભેળવી દીધેલો. 1905 સુધી દક્ષિણ ભાગમાં કેટલાક રશિયન અને યુક્રેનિયન વસાહતીઓ દાખલ થયા હતા. 1916માં કઝાખ લોકોએ ઝાર સામે બળવો પોકાર્યો હતો, તેઓ સ્વતંત્ર થઈ જવાની અણી પર હતા; પરંતુ 1917ની રશિયન ક્રાંતિને કારણે તેમ થઈ શક્યું ન હતું. 1921માં આ પ્રદેશનો સમાવેશ સોવિયેત સંઘમાં કરવામાં આવ્યો. 1925માં આ બધા પ્રદેશો – ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને તાજિકિસ્તાન – ને સોવિયેત સંઘમાં ભેળવવામાં આવેલા; બાકીનો કઝાખ વસ્તીવાળો તુર્કસ્તાનનો ભાગ કઝાખસ્તાનમાં ભળ્યો અને તે 1925માં સ્વાયત્ત સોવિયેત રિપબ્લિક તરીકે પ્રસ્થાપિત થયું, જે 1936માં બંધારણીય રીતે પ્રજાસત્તાક બન્યું. 1936થી 1991 સુધી તે મધ્યસ્થ સોવિયેત સરકારના કડક અંકુશ હેઠળ સોવિયેત સંઘનાં પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક હતું. તે વખતે તે કઝાખ સોવિયેત સોશિયલ રિપબ્લિક કહેવાતું હતું. 1991માં સોવિયેત સંઘમાં રાજકીય ઊથલપાથલ થવાથી, તેનાં મોટાભાગનાં રાજ્યોએ પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધાં, પરંતુ અગાઉના સોવિયેત પ્રજાસત્તાક રાજ્યોના સમવાયતંત્રનો એક ભાગ ગણાવાની આ રાજ્યોએ ઇચ્છા પણ જાહેર કરેલી. પરંતુ કઝાખસ્તાને પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરેલી નહિ. 1990માં કઝાખસ્તાને જાહેર કરેલું કે તેના કાયદાઓ સોવિયેત સંઘના કાયદાઓ કરતાં સર્વોપરી રહેશે. 1991ની 16મી ડિસેમ્બરે, જ્યારે તે CISમાં જોડાયું ત્યારે તેને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું. 1992માં કઝાખસ્તાન યુ.એન.નું સભ્ય બન્યું. 1993માં પ્રમુખને બંધારણીય વિશેષાધિકાર અપાયો. 1994માં આર્થિક, સામાજિક અને લશ્કરી ર્દષ્ટિએ કઝાખસ્તાને ઉઝબેકિસ્તાન સાથેના સંબંધો મજબૂત બનાવ્યા. 1995માં કઝાખસ્તાનમાંથી અણુશસ્ત્રો દૂર કરવામાં આવ્યાં. 1997માં આકમોલાને નવા પાટનગર તરીકે સ્વીકારીને તેનું નામ અસ્તાના અપાયું. 1998માં ઉઝબેકિસ્તાન સાથે મંત્રી-સંબંધો જાળવી રાખવા અંગે સંધિ કરી. 2019માં પાટનગરનું નામ નૂરસુલતાન આપવામાં આવ્યું. વર્તમાન પ્રમુખ કાશ્યમ જોમાર્ટ કેમેનલૂલી જ્યારે પ્રધાનમંત્રી ઓઇની બેક્ટેનો છે (2023).

શિવપ્રસાદ રાજગોર

જ્યોતેન પ્ર. વ્યાસ

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી