કચ-દેવયાની (1918) : ભારતના રૂપેરી પરદે ગુજરાતની પ્રાદેશિક સાંસ્કૃતિક લાક્ષણિકતા રજૂ કરતી સર્વપ્રથમ ફિલ્મ. નિર્માતા : પાટણકર ઍન્ડ ફ્રેન્ડ્ઝ કંપની. ભાષા : મૂક ફિલ્મ, સબટાઇટલ સાથે એક કરતાં વધુ ભાષાઓમાં રજૂઆત. દિગ્દર્શન : દ્વારકાદાસ ના. સંપત. અભિનય : મિસ તારા, મિસ ઉષાબાલા અને અન્ય.
કથાવસ્તુ જાણીતી પૌરાણિક કથા પર આધારિત હતું. બૃહસ્પતિ અને તારાનો પુત્ર કચ દાનવોના આચાર્ય શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા જાય છે અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથેનો પરિચય એકબીજાના સ્નેહમાં પરિણમે છે. દાનવોને કચના ઇરાદાની જાણ થતાં તેઓ કચની હત્યા કરે છે. પુત્રી દેવયાનીના અત્યંત આગ્રહથી શુક્રાચાર્ય કચને સજીવન કરે છે, તેને સંજીવની વિદ્યા શીખવે છે અને દેવયાની સાથે લગ્ન કરાવી આપે છે.
વેશભૂષા, સન્નિવેશ અને નૃત્યોમાં ગુજરાતી પરંપરા અને લાક્ષણિકતાનો આગ્રહ રખાયો હતો. તેથી ભારતીય ચલચિત્રના ઇતિહાસમાં સર્વસાધારણ રીતે અને પ્રાદેશિક ગુજરાતી ચલચિત્રના ઇતિહાસની ર્દષ્ટિએ વિશેષ રૂપે આ ફિલ્મ મહત્વની લેખાય.
તે કાળમાં જૂની રંગભૂમિ પર ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં પુરુષ જ સ્ત્રી-પાત્રો ભજવતા. દ્વારકાદાસ સંપતને આ વાત પસંદ ન પડી. જૂની બંગાળી રંગભૂમિ પર સ્ત્રી-પાત્રોમાં સ્ત્રીઓ અભિનય કરતી હતી તે વાત તેમના જાણવામાં આવતાં સંપતે આ ફિલ્મ માટે બંગાળી રંગભૂમિની અભિનેત્રીઓને ખાસ કલકત્તાથી બોલાવીને ‘કચ-દેવયાની’માં અભિનય કરાવ્યો. મુંબઈ ખાતેના ચલચિત્ર ઉદ્યોગમાં આ નવી પ્રથા ધીમે ધીમે સ્વીકૃત બની. તે ર્દષ્ટિએ તેનું વિશેષ ઐતિહાસિક મહત્વ છે. આ સિનેકૃતિ રાષ્ટ્રીય ફિલ્મ અભિલેખાગારમાં ઉપલબ્ધ નથી.
ઉષાકાન્ત મહેતા