કક્ષીય વેગ (orbital velocity) : કુદરતી કે કૃત્રિમ ઉપગ્રહને કક્ષામાં રાખવા માટે આપવો પડતો પર્યાપ્ત વેગ. ગતિશીલ પદાર્થનું જડત્વ (inertia) તેને સુરેખામાં ગતિમાન રાખવા યત્ન કરે છે, જ્યારે ગુરુત્વાકર્ષણનું બળ તેને નીચે ખેંચવા યત્ન કરે છે. આમ ઉપવલયી કે વર્તુળાકાર કક્ષીય માર્ગ ગુરુત્વાકર્ષણ અને જડત્વ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. પર્વતની ટોચ પરથી ફોડાતી તોપના ખુલ્લા છેડા આગળ વેગ વધારવામાં આવે તો પ્રક્ષેપ્ય(projectile)ને વધુ દૂર ફેંકે છે. વેગ પૂરતા પ્રમાણમાં અધિક હોય તો પ્રક્ષેપ્ય કદી પૃથ્વી પર પડશે નહિ. આથી એમ માની શકાય કે પ્રક્ષેપ્ય કે ઉપગ્રહ પૃથ્વી તરફ પડવા લાગે છે તેટલી ઝડપથી પૃથ્વી તેનાથી દૂર ખસી જાય છે. અમુક ચોક્કસ ઊંચાઈ કે અંતર માટે જેમ વધુ દ્રવ્યમાનવાળો પદાર્થ આકર્ષણકેન્દ્ર આગળ હોય તેમ કક્ષીય વેગ વધુ હોય છે. પૃથ્વીની સપાટીની નજીક હવાનો અવરોધ અવગણતાં કક્ષીય વેગ પ્રતિ સેકંડ આશરે 8 કિલોમીટર હોય છે. ઉપગ્રહ આકર્ષણકેન્દ્રથી જેમ દૂર હોય તેમ ગુરુત્વાકર્ષીય બળ ઓછી તીવ્રતા ધરાવતું હોય. પરિણામે કક્ષામાં રહેવા માટે ઉપગ્રહને ઓછો વેગ જોઈએ.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ