કચ્છમિત્ર : કચ્છનું દૈનિક પત્ર. 1945માં શરદ શાહના તંત્રીપદે મુંબઈમાં ‘મિત્ર’ સાપ્તાહિકનો આરંભ થયો. એમાંથી ‘કચ્છમિત્ર’ બન્યું. 15-5-1952થી નાના કદના દૈનિક તરીકે તે ભુજમાંથી પ્રગટ થવા લાગ્યું. 21-7-1956થી કચ્છના સંસદસભ્ય ભવાનજી ખીમજીના પ્રયાસોથી તે વિધિસર સૌરાષ્ટ્ર ટ્રસ્ટને સોંપાયું. ઉત્તરોત્તર એનો વિકાસ થયો. એમાં 1980માં આધુનિક ઑફસેટ મશીન તેમજ પ્રોસેસ સ્ટુડિયો અને 1989માં ફોટો-કંપોઝ મશીન વસાવ્યાં. બહેરા-મૂંગાને નોકરી આપવા બદલ 1985માં એને શીલ્ડ અને પ્રશંસાપાત્ર મળ્યાં. કચ્છના લોકઘડતર ઉપરાંત લોકકલ્યાણની પ્રવૃત્તિમાં આ અખબાર સક્રિય રસ લે છે. 1979માં કચ્છમાં અતિવૃષ્ટિ થતાં હરિપરા ગામમાં સમાજકલ્યાણ ખાતાના સહકારથી ગરીબો માટે ‘કચ્છમિત્ર’ કૉલોની તૈયાર કરવામાં આવી હતી. સમયાંતરે, મહાનગરીનાં વર્તમાનપત્રોએ રાજકોટ, મહેસાણા આદિ નગરોથી વિશેષ પ્રાદેશિક આવૃત્તિઓ પ્રગટ કરવા માંડી. પણ કચ્છપ્રદેશમાં આ પત્રની પ્રતિષ્ઠા ટકી રહી.
બળવંતરાય શાહ