કચાર (Cachar) : અસમ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24o 49′ ઉ. અ. અને 92o 48′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 3,786 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઉત્તર કચાર હિલ્સ જિલ્લો તથા મેઘાલય રાજ્ય, પૂર્વ તરફ મણિપુર રાજ્ય, દક્ષિણ તરફ મિઝોરમ રાજ્ય તેમજ પશ્ચિમ તરફ હલ્લાકાંડી અને કરીમગંજ જિલ્લાના વિભાગો તથા બાંગ્લાદેશની સીમા આવેલાં છે. સિલ્ચર તેનું જિલ્લામથક છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ ઊંચી ટેકરીઓ, નીચા ભૂમિભાગો તથા સમતલ મેદાનો જેવાં વિષમાંગ લક્ષણોથી બનેલું છે. જિલ્લાના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં જંગલ-આચ્છાદિત ટેકરીઓની હારમાળાઓ પથરાયેલી છે. તે પૈકી આસામ હારમાળા, ભુવન હારમાળા અને બરેઇલ ટેકરીઓ મુખ્ય છે. દક્ષિણ તરફના કેટલાક મેદાની ભાગો ડાંગરનાં ખેતરોથી સમૃદ્ધ છે, જ્યારે બાકીનો દક્ષિણ ભાગ વાંસનાં વૃક્ષો તેમજ સદાહરિત જંગલોથી છવાયેલો છે. જિલ્લામાંથી પસાર થતી બરાક નદી અહીંની મુખ્ય નદી છે, તેણે કાંપની ફળદ્રૂપ જમીનોની રચના કરેલી છે.
જંગલો : અહીંનાં જંગલોમાં વાંસ, સાગ, મેહોગની, નેતર તથા અન્ય ઇમારતી લાકડું આપતાં વૃક્ષો જોવા મળે છે.
ખેતી : જિલ્લાના સમતલ પ્રદેશમાં વર્ષમાં બેથી ત્રણ વાર વિપુલ પ્રમાણમાં ડાંગરનો પાક લેવાય છે. અન્ય પાકોમાં ટેકરીઓના ઢોળાવો પર ચા, અન્યત્ર મકાઈ, ઘઉં, જુવાર-બાજરી, કઠોળ, તેલીબિયાં, શેરડી અને કપાસનું વાવેતર થાય છે.
પશુપાલન : અહીંનાં મુખ્ય પશુઓમાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા-ટટ્ટુ અને ડુક્કરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મરઘાં-બતકાંનો ઉછેર થાય છે તેમજ મત્સ્યપ્રવૃત્તિ અને રેશમના કીડાઓનો ઉછેર પણ કરવામાં આવે છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં નાના પાયા પર ગૃહઉદ્યોગોની પ્રવૃત્તિ ચાલે છે. તેમાં ખાદ્યપેદાશો, કાષ્ઠકામની પેદાશો, રબર-પ્લાસ્ટિક પેદાશો, રાસાયણિક પેદાશો, ધાત્વિક-અધાત્વિક ખનિજ પેદાશોનો સમાવેશ થાય છે. કચાર અને હલ્લાકાંડી જિલ્લાઓમાં સંયુક્ત રીતે નાના પાયા પરના ઉદ્યોગો વિકસ્યા છે. જિલ્લામાં એક હાથસાળ-તાલીમ કેન્દ્ર તથા ચાર વણાટકામનાં મથકો ઊભાં થયાં છે.
આ જિલ્લો મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા રાજ્યોના પ્રવેશદ્વારની ગરજ સારે છે. તેમનો મોટાભાગનો વેપાર કચાર જિલ્લા મારફતે થાય છે. રાજ્યના વધુમાં વધુ ચાના બગીચા આ જિલ્લા ખાતે આવેલા હોવાથી અહીંથી ચાની નિકાસ થાય છે. વધુમાં વધુ પાઇનેપલ ઉગાડતો કચાર જિલ્લાનો લખીપુર વિસ્તાર દેશભરમાં જાણીતો બનેલો છે. સિલ્ચર ઉપવિભાગમાં LPGનો બૉટલિંગ પ્લાન્ટ પણ કાર્યરત છે. ચા અને રાચરચીલું અહીંની મુખ્ય ઉત્પાદન પેદાશો ગણાય છે; ચા-પાઇનેપલની નિકાસ તથા મીઠું અને ઇંધનની આયાત થાય છે.
પરિવહન : સિલ્ચર નગર મિઝોરમ, મણિપુર અને ત્રિપુરાનાં રાજ્યો માટેનું પ્રવેશદ્વાર ગણાય છે. આ રાજ્યોમાં તેમજ અન્યત્ર જુદી જુદી ચીજવસ્તુઓ અને માલસામાનની હેરફેર સિલ્ચર મારફતે થાય છે. સિલ્ચર હવાઈ માર્ગ દ્વારા કોલકાતા અને ગુવાહાટી સાથે જોડાયેલું છે. બરાક વેલી એક્સપ્રેસ તેમજ કચાર એક્સપ્રેસ રેલમાર્ગો અહીંથી પસાર થાય છે. આસામ રાજ્ય માર્ગ પરિવહનની બસ સેવા જિલ્લામાં ઉપલબ્ધ છે. જિલ્લામાં આવેલા માર્ગોની લંબાઈ 1000 કિમી. જેટલી છે. તે પૈકી છ કિમી.નો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, 38 કિમી.નો રાજ્ય ધોરીમાર્ગ છે, બાકીના જિલ્લામાર્ગો છે.
પ્રવાસન : ભૂતકાળમાં મણિપુર અને કચારી સામ્રાજ્યના ઇતિહાસમાં કચારનું વિશેષ મહત્વ અને સ્થાન હતું. આ વિસ્તારમાં જોવા મળતાં ખંડિયેરો પરથી તેના અતીતની ખ્યાતિનો ખ્યાલ મેળવી શકાય છે. આ જિલ્લામાં આવેલું ખાસપુર જૂના કચારી સામ્રાજ્યનું પાટનગર રહેલું. અહીં આજે જોવા મળતાં ખંડિયેરો તે વખતના તેના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે. રાજા ગોવિંદચંદ્રે અહીંની શિવટીલા ટેકરી પર સ્થાપેલા શિવમંદિર ખાતે શિવરાત્રી અને ગોપઅષ્ટમીએ મેળા ભરાય છે. ખાસપુર નામના સ્થળે ઈંટોથી બાંધેલો બે માળનો મહેલ, રણચંડી અને વિષ્ણુનાં મંદિરો તેમજ તળાવો નજરે પડે છે. લક્ષ્મીચંદ્ર (1772-1980ના ગાળામાં) નામના કચારી રાજાએ બાંધેલું હોવાનું કહેવાનું લખી ટીલા નામનું એક મંદિર સિલ્ચરથી આશરે ચૌદ કિમી. અંતરે આવેલું છે. લખીપુર નગરથી 20 કિમી.ને અંતરે આવેલી 45 મીટર ઊંચી ટેકરી પર આ જ રાજાએ બંધાવેલું શિવમંદિર પણ છે, તે ભૈરવ વાડીના નામથી ઓળખાય છે. સિલ્ચર નગરથી દક્ષિણે આશરે 45 કિમી. અંતરે મધ્યયુગની કહેવાતી શિવ અને દુર્ગાની મૂર્તિઓ પણ છે. શિવરાત્રિએ આ સ્થાનકનું દર્શન કરવા ઘણા લોકો આવે છે. ઉત્તરપ્રદેશના અયોધ્યાના મૂળ વતની ભગવાનદાસ રામયતિએ 1846ના અરસામાં સિલચર નગરની મધ્યમાં એક મંદિર બંધાવેલું. ભારતમાં બ્રિટિશ યુગની શરૂઆત હતી ત્યારે અહીં આવીને વસેલા બંગાળીઓએ સિલચરમાં ઘણાં વૈષ્ણવ તેમજ અન્ય મંદિરો પણ બંધાવેલાં, તે પૈકી હનુમાનજીની મૂર્તિ ખૂબ જ સુંદર છે. લખીપુરથી આશરે ત્રણ કિમી.ને અંતરે વાયવ્યમાં આવેલા ફુલેરતાલ ખાતે લંગરશાહ નામના મુસ્લિમ પીરની કબર છે. લંગરશાહ પોતે કમર પર એક મોટી લોખંડની સાંકળ વીંટાડેલી રાખતા. તે પરથી આ સ્થળનું નામ લંગરશાહ મુકામ પડેલું હોવાનું મનાય છે. આ સાંકળને તેની કબર નજીક જાળવી રાખવામાં આવેલી છે. બરાક નદીના મધ્ય ભાગના પટમાં, ફુલેરતાલથી 8 કિમી.ના અંતરે નદીના ઉપરવાસમાં, ગુવાહાટી નજીક બ્રહ્મપુત્રમાં જેવો મયૂર ટાપુ છે એવો જ એક ટાપુ આવેલો છે; આ ટાપુ પર મણિપુરના રાજાએ ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરેલી છે. જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 17,36,309 જેટલી છે. જિલ્લામાં શહેરી વસ્તીનું પ્રમાણ ગ્રામીણ વસ્તી કરતાં થોડુંક વધારે છે. લોકો મુખ્યત્વે આસામી ભાષા બોલે છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે. જિલ્લાના 50 % લોકો શિક્ષિત છે. જિલ્લાનાં શહેરો ઉપરાંત આશરે 80 % ગામડાંઓમાં શિક્ષણની વ્યવસ્થા છે. સિલ્ચરમાં ચાર કૉલેજો આવેલી છે. સિલ્ચર ખાતે આકાશવાણી અને દૂરદર્શન મથકો પણ છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને એક ઉપવિભાગ(સિલ્ચર)માં અને પાંચ મંડળોમાં વહેંચેલો છે, સાત સમાજવિકાસ ઘટકો આવેલાં છે. જિલ્લામાં બે નગરો તથા 1050 જેટલાં ગામડાં (26 વસ્તીવિહીન) છે.
લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. ચાના બગીચાઓમાં તથા ચોખાની મિલોમાં ઘણા લોકો કામ કરે છે, તેમાં નેપાળી અને બિહારી લોકો વિશેષ છે. લોકો મચ્છીમારી પણ કરે છે. સ્ત્રીઓ રેશમ માટે કીડા ઉછેરે છે અને હાથસાળ પર રેશમ વણે છે.
કચારી લોકો નેપાળીઓ જેવા દેખાય છે. મોટાભાગના લોકો મોંગોલૉઇડ જાતિના છે. તે ઠીંગણા પણ મજબૂત બાંધાના હોય છે. તેઓ ચોખા, ડુક્કરનું માંસ અને સૂકી માછલીનો ખોરાક લે છે, ‘જૂ’ નામનો ચોખાનો દારૂ પીએ છે. વિવિધ કુળોના દેવતા અલગ અલગ હોય છે. તેઓ માન્ય પશુ કે પ્રાકૃતિક પદાર્થની પ્રતિમારૂપ કુળચિહન રાખે છે. લગ્ન, સંપત્તિ વગેરેના ઝઘડાઓનો નિકાલ પંચાયત મારફતે કરાવે છે. કેટલાક લોકો અંધશ્રદ્ધાળુ છે અને રોગ દૂર કરવા ભૂવાની સહાય લે છે. ધનિકો સિવાય બહુપત્નીત્વનો રિવાજ વિશેષ પ્રચલિત નથી. સામાન્ય લોકો મરેલાંને બાળે છે, જ્યારે ધનિકોમાં દાટવાની પ્રથા છે. અહીંના મોટાભાગના લોકો હિન્દુ ધર્મ પાળે છે. કચારી જાતિના લોકોના વસવાટને કારણે આ વિસ્તાર કચાર નામથી જાણીતો બનેલો છે.
ઇતિહાસ : કામરૂપથી કાઢી મૂકેલા કાચારી રાજાઓ અહીં આવીને સ્થાયી થયા અને આ પ્રદેશને કચાર નામ આપ્યું એમ માનવામાં આવે છે. કચારી લોકો પોતાને દિમાસા તરીકે પણ ઓળખાવે છે. તેઓ બહારના પ્રદેશોમાંથી આસામમાં આવ્યા અને ધીમે ધીમે તેમની સંખ્યા વધતી ગઈ. તેરમી સદીની શરૂઆતમાં તેમણે શિવસાગરનો પશ્ચિમનો પ્રદેશ તથા નૌગોંગ જિલ્લો કબજે કર્યા. તેરમી સદીમાં અહોમ લોકો આસામમાં આવ્યા. તેમની પજવણીથી કચારી રાજાએ દિમાપુર છોડ્યું અને તેમનું પાટનગર સૈબોંગમાં લઈ ગયા. ઈ. સ. 1576માં મેઘ નારાયણી નામના રાજાએ ત્યાં મહેલ અને મંદિર પણ બાંધ્યાં અને તેનો પથ્થરનો ભવ્ય દરવાજો બનાવડાવ્યો.
ઈ. સ. 1706માં શક્તિશાળી અહોમ રાજા રૂદ્રસિંહે મોટા લશ્કર સાથે તેના ઉપર આક્રમણ કર્યું અને મૈબોંગ જીતી લીધું. કચારી રાજા તામ્રધ્વજ દક્ષિણમાં ખાસપુર નાસી ગયો, અને ત્યાં 1708માં અવસાન પામ્યો. કચારી રાજા સુરદર્પ નારાયણે ખાસપુરમાં મહેલો અને મંદિરો બંધાવ્યાં. કુચબિહાર, ટિપેરા અને સિલ્હટમાંથી બ્રાહ્મણો તથા ઉચ્ચ વર્ગના લોકો રોજગારી મેળવવા ત્યાં ગયા અને રાજાએ તેઓને આશ્રય આપ્યો. ભારતના બીજા પ્રદેશોના લોકો પણ સ્થળાંતર કરીને વસવાટ કરવા ત્યાં ગયા.
મ્યાનમાર(બર્મા)ના લશ્કરે મણિપુરી રાજા જોયસિંગને પદભ્રષ્ટ કર્યો ત્યારે તેને મદદ કરવા ઈ. સ. 1762માં બ્રિટિશ અધિકારી વેરેલ્સ્ટ ચિત્તાગોંગથી ત્યાં ગયો. પરન્તુ ખરાબ હવામાનથી તેના લશ્કરના સૈનિકો મરણ પામતા હોવાથી ત્યાં એક વર્ષ રોકાયા બાદ, તે પાછો ગયો.
મ્યાનમાર(બર્મા)ની તત્કાલીન સરકાર કાચારનું રાજ્ય લઈ લેવા માગતી હોવાથી બ્રિટિશ સરકારે દરમિયાનગીરી કરી અને ઑગસ્ટ 1832માં કાચારનું રાજ્ય બ્રિટિશ સરકારે ખાલસા કર્યું.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ