કંપની ચિત્રકલા (આશરે 1700થી 1920) : ભારતમાં યુરોપિયનો અને ખાસ તો બ્રિટિશરોના આગમન પછી ભારતીય અને બ્રિટિશ સંસ્કૃતિના સંગમથી જન્મેલી વિશિષ્ટ ચિત્રકલા. તેમાં યુરોપિયન અને ભારતીય બંને ચિત્રકારોનું યોગદાન રહ્યું છે.
અકબરના સમયમાં યુરોપિયન મુદ્રણકલા – છાપચિત્રો અને હૂબહૂ આલેખન ધરાવતાં તૈલચિત્રો ભારતમાં આવ્યાં. એ ગાળે અને પછીના ગાળે ભારતમાં તૈલરંગોમાં ચિત્રકામ થયું હોવાના સંકેતો મળે છે; પણ નમૂનાઓ પ્રાપ્ત થયા નથી. સત્તરમી સદીમાં યુરોપિયન છાપચિત્રોની ભારતમાં આયાત વધી ગઈ. અઢારમી સદીથી તો યુરોપિયન ચિત્રકારો પણ ભારત આવતા થયા. ટીલી કેટલ, થીઓડૉર જ્હૉન્સન, યોહાન ઝોફ્ફાની, કાકાભત્રીજા થૉમસ ડેનિયલ અને વિલિયમ ડેનિયલ વગેરે યુરોપિયન ચિત્રકારોએ ભારતનિવાસી અંગ્રેજો, તથા ભારતીય રાજપરિવારોનાં વ્યક્તિચિત્રો તથા આકર્ષક અને યુરોપિયન આંખને અજનબી લાગે તેવાં નિસર્ગચિત્રો, ઐતિહાસિક ચિત્રો તથા ભારતીય સ્થાપત્યને આલેખતાં ચિત્રો હૂબહૂ શૈલીમાં વિશાળ કદના કૅન્વાસ ઉપર તૈલરંગોમાં ચીતર્યાં. આમાંથી લોકપ્રિય થાય એવાં ચિત્રોની હસ્તમુદ્રિત છાપોની આવૃત્તિઓ પણ થઈ. આમાંની ઘણી રચનાઓ યુરોપિયન માનસની ભારત અંગેની ઉત્સુકતા અને ઉત્કંઠા સંતોષવામાં સફળ નીવડી. આ ચિત્રોએ યુરોપમાં ભારતની ‘છબી’ રચી. અંગ્રેજ શાસકોએ પોતાની સર્વોપરિતા બતાવવા માટે ખાસ ચિત્રો ચીતરાવ્યાં; જેમાં ટીપુ સુલતાન અને છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરની હાર અને કેદનાં ચિત્રો બ્રિટનમાં લોકપ્રિય થયેલાં.
અઢારમી સદીના અંતકાળે અને ત્યારપછી તૈલરંગોની પ્રભાવક હૂબહૂ ચિત્રણા અને હસ્તમુદ્રિત છાપચિત્રોનું પ્રચલન એટલું વધ્યું કે ભારતીય લઘુચિત્રોની પરંપરા લુપ્ત થવા માંડી. ઘણા કિસ્સામાં મુઘલ, નવાબી સલ્તનતો અને હિંદુ રજવાડાં પણ કળાને આશ્રય આપે એવા સધ્ધર રહ્યા નહિ. ગોરા માલિકોના પ્રભાવે તૈલચિત્રણા તેમજ આબેહૂબ નિરૂપણ તરફ આકર્ષણ વધ્યું. એ પણ સ્વીકારવું જોઈએ કે પરંપરાએ પણ આંતરિક રીતે એનું ઋત ગુમાવવું શરૂ કર્યું હતું; કારણ કે પરિવર્તનના વાયરાને તે સહન કરી શકી નહિ. જ્યાં બજાર કે આશ્રયદાતા રાજવી-શ્રેષ્ઠી જેવા બહારના ટેકાની જરૂર નહોતી તેવા લોકકલાનાં માધ્યમોમાં પરંપરા લાંબું ટકી શકી, કારણ કે હજી પશ્ચિમી ઔદ્યોગિકીકરણ અને તેની અસરો ભારતનાં અંતરિયાળ ગામડાંમાં પ્રવેશ્યાં નહોતાં. જે રાજવી ઘરાણાં કે શ્રેષ્ઠીઓએ પરંપરાને આશ્રય આપવો ચાલુ રાખ્યો ત્યાં પણ પરિણામ સારું આવ્યું નહિ. મોટાભાગના તેવા કિસ્સાઓમાં પરંપરાનું યંત્રવત્ પુનરાવર્તન ચાલુ રહ્યું. રાજસ્થાન, હિમાચલ અને ઉત્તરાંચલમાં લઘુચિત્રોની પરંપરા થોડેવત્તે અંશે એકાદ સદી સુધી જીવંત રહી; પણ પછી તો એ પણ વિલુપ્ત થઈ. તેમાંથી કાળના મુખમાં લુપ્ત થવામાંથી એકમાત્ર રાજસ્થાનની શેખાવતી પરંપરા જ બચી શકી.
લઘુચિત્ર-પરંપરાના ચિત્રકારોને મોટા પડકારો ઝીલવાના આવ્યા. એ જે વિષયોને અને જે શૈલીએ ચીતરતા હતા એની માંગ હવે રહી નહિ. તેમાંથી મોટાભાગના ચિત્રકારો તો બીજા કોઈ કામધંધે લાગી ગયા. ગોરા માલિકોને ભારતીય પરંપરાનાં ચિત્રોમાં રસ નહિ હોવાથી જે ચિત્રકારોએ ચીતરવાનું ચાલુ રાખ્યું તેમણે ગોરા માલિકની રુચિને ધ્યાનમાં લેવી પડી. તેથી ભારતીય ‘વિચિત્રતા’ઓ ચીતરવી તેમણે શરૂ કરી. તેમાં ‘સતીપ્રથા’, જીભમાંથી ધાતુનો સળિયો ઘોંચીને આરપાર કાઢે તેવા હઠયોગીઓ, તાંત્રિકો, સાધુઓ, ખીલા-ખીલી પર સૂતેલા નાગા બાવાઓ, મદારીના ખેલ, વાઘ, હાથીઓ, જુદી જુદી ભારતીય જ્ઞાતિઓનાં વિશિષ્ટ લાક્ષણિક દેખાવો અને જુદા જુદા આદિવાસીઓનાં નિરૂપણોએ યુરોપિયનોમાં ખૂબ આકર્ષણ જન્માવ્યું. આવાં સ્મૃતિચિત્રો બ્રિટનમાં ઘેર લઈ જઈ ‘વિચિત્ર’ ભારતનો પરિચય આપવામાં તેમને મદદરૂપ થઈ પડ્યાં. આ બધાં ચિત્રો (ભારતમાં આવી યુરોપિયન ચિત્રકારોએ ચીતરેલાં ચિત્રોની સાથે) બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ચીતરાયાં હોવાથી ‘કંપની ચિત્રકલા’ એવું નામ તેમના માટે પ્રચારમાં આવ્યું. ગોરા માલિકોના પગલે પગલે ભારતીય ભદ્ર વર્ગે પણ તેમની રુચિનું અનુકરણ કર્યું. બંગાળમાં ‘બાબુ’ કહેવાય છે તેવા પૈસેટકે સધ્ધર ભારતીયો પણ આ કલાને ઉત્તેજન આપવા માંડ્યા. ઓગણીસમી સદીના અંતમાં ફોટોગ્રાફીનું ભારતમાં આગમન થતાં ચિત્રોમાં પ્રકાશ-છાયાની પદ્ધતિએ આલેખન કરવાના ઝોકને નવું ઉત્તેજન મળ્યું. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને લાહોરમાં બ્રિટિશ સરકારે યુરોપિયન પદ્ધતિએ કલાસર્જનની તાલીમ આપતી કૉલેજો ખૂલતાં કંપની ચિત્રકલાને ઓર વેગ મળ્યો. બ્રિટિશ ચિત્રકાર થીઓડૉર જ્હૉન્સનનું માર્ગદર્શન મેળવીને ભારતીય ચિત્રકારો વામાપદ બંદોપાધ્યાય, શશિકુમાર હેશ અને રાજા રવિવર્માએ પશ્ચિમ યુરોપની હૂબહૂ આલેખનની પદ્ધતિએ કૅન્વાસ પર મોટા કદમાં ભારતીય વિષયો પરનાં તૈલચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. આ માટે તેમને પ્રેરણા ગ્રેકોરોમન પુરાકથાઓ અને બાઇબલના ખ્રિસ્તી ધર્મપ્રસંગોને હૂબહૂ પદ્ધતિમાં આલેખતા યુરોપિયન ચિત્રકારો પાસેથી મળેલી.
ભારતીય અસ્મિતાની જાગૃતિ થયા બાદ ભારતીય કલાકારોએ ધીમે ધીમે મૂળ ભારતીય પરંપરાની ખોજ કરવી શરૂ કરી. યુરોપના બૌદ્ધિકોમાં પણ ભારતની પ્રાચીન અને મધ્યકાલીન પરંપરાની સમજ ફેલાવી શરૂ થઈ. આમ ભારતીય કલા પરંપરાના મૂળ સંદર્ભે સંશોધન થવાથી તેમજ ધીમે ધીમે ફોટોગ્રાફી દ્વારા દસ્તાવેજી ચિત્રો સાવ સસ્તે ભાવે તૈયાર થવા માંડવાથી કંપની ચિત્રકલાનો અંત આવ્યો.
અમિતાભ મડિયા