કંપની : ઔદ્યોગિક-ધંધાકીય પ્રવૃત્તિઓ અપનાવવા માટે આધુનિક યુગની શરૂઆતથી ઉત્ક્રાંતિ પામેલું સમષ્ટિનિગમ (corporate entity) સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર.

રાજ્યસત્તાએ આપેલ સનદ દ્વારા કંપની સ્થાપવામાં આવતી; તેનાં કાર્યો, કાર્યક્ષેત્રો, અધિકારો, જવાબદારીઓ વગેરે સનદમાંના લખાણ પ્રમાણે રહેતાં. આવી કંપની ચાર્ટર્ડ કંપની કહેવાતી. સોળમી સદીના ઉત્તરાર્ધ અને સત્તરમી સદીના પૂર્વાર્ધમાં વ્યાપાર તથા વ્યાપારી વસાહતો વિકસાવવા માટે બ્રિટિશ, ડચ, સ્પૅનિશ અને ફ્રેન્ચ સરકારોના પીઠબળથી આવી કંપનીઓની સંખ્યા ભારતમાં વધવા માંડી હતી. આવી એક ચાર્ટર્ડ કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના અર્થકારણ અને રાજકારણમાં ભારે મહત્વ પ્રાપ્ત કર્યું હતું.

રાજ્યસત્તાની સનદ મેળવ્યા વગર પણ કંપનીઓ રચવામાં આવતી અને એવી કંપનીઓના શૅરના સટ્ટાનો જુવાળ પણ ઊપડતો; તેથી કંપનીઓની રચના ઉપર અંકુશો મૂકવામાં આવતાં ચાર્ટર્ડ કંપનીઓની લોકપ્રિયતા ઘટી હતી. ઓગણીસમી સદીના અંત સુધીમાં, અગાઉ અમર્યાદિત અને પાછળથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીની ઉત્ક્રાંતિને પરિણામે ચાર્ટર્ડ કંપનીઓનું મહત્વ ઘટ્યું. સાથેસાથે પ્રત્યેક કંપનીની રચના કરવા અલગ ચાર્ટરની આવશ્યકતા ન રહે એવું સર્વસામાન્ય સમષ્ટિનિગમ સ્વરૂપ વિકસતું આવ્યું.

અઢારમી સદીના ઉત્તરાર્ધ પછીનાં વર્ષોમાં, ઔદ્યોગિક, ટૅકનિકલ, યાંત્રિક અને વૈજ્ઞાનિક આવિષ્કારો તથા ભૌગોલિક શોધખોળોને પરિણામે મૂડીપ્રધાન ઉત્પાદનપદ્ધતિઓ પ્રચલિત બની, માગની અપેક્ષાએ મોટા પાયા પરનું ઉત્પાદન હાથ ધરાવા માંડ્યું, વેપાર-ઉદ્યોગક્ષેત્રે સૂક્ષ્મ કાર્યવિભાજન અને કૌશલ્યપ્રવીણ કાર્યપદ્ધતિઓનું મહત્વ વધ્યું, ધંધાકીય એકમોનાં કદ મોટાં થયાં, વધુ મૂડીરોકાણની જરૂર પડવા લાગી, પરિણામે સંખ્યાબંધ વ્યક્તિઓની સંયુક્ત માલિકીના ધંધાકીય એકમોની રચના કરવાની વ્યવસ્થાને ધારાકીય સ્વીકૃતિ મળી; તેમાંથી કંપનીસ્વરૂપ વિકસ્યું.

શરૂઆતનાં વર્ષોમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓની જ રચના થતી; તેના દુરુપયોગ દ્વારા અપ્રામાણિક, ચતુર માણસો નિર્દોષ વ્યક્તિઓને છેતરી શકતા. અનેક માઠા અનુભવો થયા પછી 1855માં ઇંગ્લૅન્ડમાં તેમજ ભારતમાં અને ઓગણીસમી સદીના અંત સુધીમાં વિશ્વના મોટાભાગના દેશોમાં મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓની રચના કરવાની ધારાકીય જોગવાઈ કરવામાં આવી. સંખ્યાબંધ હિસ્સેદારો(shareholders)ની નાની નાની રકમો એકત્રિત કરીને માતબર મૂડી મેળવીને મોટા ધંધાકીય-ઔદ્યોગિક એકમો ઊભા કરવાની સગવડ થઈ. ગમે તેટલી મોટી કંપની હોય તેમાં પણ મર્યાદિત જવાબદારી સાથે હિસ્સેદાર થવાની લોકોને અનુકૂળતા થઈ.

મર્યાદિત જવાબદારીવાળી લિમિટેડ કંપનીમાં હિસ્સેદાર પોતાનો હિસ્સો (share) બીજા કોઈને વેચી શકે, બક્ષિસ આપી શકે અને મરણ બાદ તેનો ભાગ તેના વારસને મળી શકે અથવા વસિયતનામું કરીને જેને આપવો હોય તેને આપી શકે. આ અનુકૂળતાઓને કારણે સધ્ધર અને વિકાસક્ષમ કંપનીમાં હિસ્સેદાર થવા ઘણા લોકો તૈયાર થાય છે. હિસ્સેદારોમાં ગમે તેટલા ફેરફાર થાય તોપણ કંપની સ્થિરતાથી કામ કરી શકે છે.

કંપની એ એક ધારાકીય ઉપકરણ (legal entity) છે. ધારાકીય પ્રક્રિયાથી એ અસ્તિત્વમાં આવે છે. અનેક લોકો તેમાં મૂડી રોકે છે. વેપાર-ઉદ્યોગ માટે તેનો ઉપયોગ થાય છે; કંપની તેના પોતાના નામે ધંધો કરી શકે છે; મિલકતો ધારણ કરી શકે છે; કરારો કરી શકે છે; દેવાં-લેણાં ઊભાં કરી શકે છે; તે તેના કરજદારો વિરુદ્ધ દાવા માંડી શકે છે તેમજ તેના લેણદારો તેની વિરુદ્ધ દાવા માંડી શકે છે. કંપનીના તમામ વ્યવહારો, કંપનીના બંધારણની જોગવાઈઓની મર્યાદામાં રહીને જ અને કંપનીના હિસ્સેદારોએ પસંદ કરેલા ડિરેક્ટરોના નિર્ણયોના અમલ દ્વારા કરવામાં આવે છે. કંપનીનું વિસર્જન પણ ધારાકીય પ્રક્રિયા પ્રમાણે જ થાય છે.

કંપની અને તેના હિસ્સેદારો એકબીજાથી અલગ અને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, તેથી કંપનીને એજન્સીના સિદ્ધાંત લાગુ પડતા નથી. કંપનીનું અસ્તિત્વ તેના સીલ કે મહોર દ્વારા વ્યક્ત થાય છે. કંપનીના હિસ્સેદારોનાં કૃત્યો કે કાર્યલોપ (commissions or ommissions) કંપનીનાં કૃત્યો કે કાર્યલોપ તરીકે ગણાતાં નથી; કંપનીનાં કૃત્યો તેના હિસ્સેદારોનાં કૃત્યો તરીકે ગણાતાં નથી. કંપનીનાં મિલકતો કે કરજ તેના હિસ્સેદારોનાં મિલકતો કે કરજ ગણાતાં નથી. કંપની અને તેના હિસ્સેદારો એકબીજાની જવાબદારીઓ કે કરજ ચૂકવવા બંધાયેલાં રહેતાં નથી.

કંપનીમાં માલિકી અને સંચાલન ભિન્ન હોય છે. કંપનીના સંખ્યાબંધ હિસ્સેદારોમાંથી જ પસંદ થયેલા અલ્પસંખ્ય ડિરેક્ટરોનું મંડળ (board of directors) તેનું સંચાલન સંભાળે છે. અનેક માણસો પાસેથી વિપુલ મૂડી એકઠી કરીને એ પ્રકારે અલ્પસંખ્ય કુશળ માણસોના હાથમાં સંચાલકીય અધિકારો કેન્દ્રિત રહી શકે છે.

કાયદાથી સ્થાપિત સંસ્થાને આત્મા નથી હોતો. વેપારી પોતાની આબરૂ, આંટ કે વચન માટે ખુવાર થવા પણ તૈયાર થઈ જાય, પરંતુ કંપનીઓ પાસેથી એવી આશા રહેતી નથી. વૈયક્તિક વ્યવહારમાં વેપારી નેકદિલી સાચવવાની જેટલી કાળજી રાખે છે તેટલી કાળજી એ જ વેપારી કોઈક લિમિટેડ કંપનીનો ડિરેક્ટર બને ત્યારે કંપનીના વ્યવહાર માટે રાખવાની દરકાર નથી રાખતો. વળી, કંપનીઓનાં કદ, કાર્યો, કાર્યક્ષેત્રો, કાર્યવિસ્તારો વધવાથી કંપનીના સંચાલકો પાસે આર્થિક સત્તા કેન્દ્રિત થાય છે; પરિણામે સંચાલકો ઉપર માલિકીનો અંકુશ, નાના નાના હિસ્સેદારોનાં હિતોની સુરક્ષિતતા, લેણદારોનાં હિતોનું રક્ષણ, કર્મચારી-શોષણ તથા કર્મચારી-સંગઠનોની રચના, ગ્રાહકોનાં હિતોની સુરક્ષિતતા, અર્થકારણ અને રાજકારણમાં કંપનીઓનું પ્રદાન, કંપનીઓનું સામાજિક ઉત્તરદાયિત્વ, પર્યાવરણ-સંતુલનની જાળવણી વગેરે સમસ્યાઓની આસપાસ વિવાદ ઊભા થાય છે.

વિપુલ મૂડીરોકાણ માગી લેતી મોટા પાયા પરની વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અપનાવવા માટે કંપનીનું સમષ્ટિનિગમ સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર પ્રગતિશીલ અને પરિવર્તનશીલ પુરવાર થયું છે. ધારાકીય જોગવાઈઓ અનુસાર સ્થાપના; માલિકોથી ભિન્ન પ્રકારનું સ્વતંત્ર, ધારાકીય કૃત્રિમ વ્યક્તિત્વ; એજન્સીના સિદ્ધાંતોની અનુપસ્થિતિ છતાં માલિકોના પ્રતિનિધિઓ મારફત સંચાલન; કાયમી મૂડીભંડોળમાં માલિકોની મુકરર મર્યાદિત જવાબદારી; માલિકીહકોની મુક્ત સરળ તબદીલી; સાતત્યપૂર્ણ કાયમી અસ્તિત્વ વગેરે કંપનીનાં વિશિષ્ટ લક્ષણો છે.

ઉત્પાદનની નવી નવી પ્રક્રિયાઓના આવિષ્કાર તથા વિકાસમાં, ઉત્પાદનનાં કદ તથા વૈવિધ્ય વધારવામાં, સમાજની ઉત્પાદક સાધનસંપત્તિમાં સતત ઉમેરો કરવામાં, અદ્યતન આધુનિક પ્રવિધિઓ(techniques)નો વિનિયોગ કરવામાં, રોજગારીની તકો વધારવામાં, વેપાર-ઉદ્યોગોને વિસ્તૃત, વૈવિધ્યપૂર્ણ તથા વિશાળ બનાવવામાં કંપનીસ્વરૂપના ધંધાકીય એકમોનો ફાળો અદ્વિતીય છે.

ધીરુભાઈ વેલવન