કંપ (tremor) : આંગળીઓનું અનૈચ્છિક, તાલબદ્ધ (rhythmic) અને લોલકની જેમ આજુબાજુ થતું (oscillatory) પ્રચલન. તે સામસામી દિશામાં કામ કરતા સ્નાયુઓના સંકોચનથી થાય છે અને મગજના કાબૂ બહાર હોય છે. તે ઊંઘમાં શમી જાય છે. અન્ય અનૈચ્છિક પ્રચલનો(movements)થી તેને અલગ પાડવું પડે છે, જેમકે સ્નાયુ-તીવ્ર આકુંચન (myoclonus), ટેવજન્ય આકુંચનો (tic), વીંઝણ (flapping tremors or asterixis), મંદોપાંગી પ્રચલન (athetosis) વગેરે. (જુઓ અનૈચ્છિક સંચલન, ગુ. વિ. ખંડ 1, બીજી આવૃત્તિ પૃ. 227-228).
કંપ ત્રણ પ્રકારનો ગણાય છે – (1) સ્થિરસ્થિતિલક્ષી (resting), (2) અંગવિન્યાસી (postural) અને (3) ગતિજન્ય (kinetic). તે સામાન્ય દેહધાર્મિક (physiologic) પ્રક્રિયાઓથી ઉદભવે છે અથવા કોઈક રોગનું સૂચન કરે છે. દેહધાર્મિક કંપ મહત્વના ગણાતા નથી. તેમાં લોલકસમ પ્રચલનની આવૃત્તિ (frequency) 10થી 12 Hz હોય છે. તે તણાવની સ્થિતિ, ચિંતા, ભય, થાક, અતિશય શ્રમ, લોહીમાં ગ્લુકોઝ ઘટી જવું, અતિગલગંડિતા (thyrotoxicosis), ધૂલિરંજક અર્બુદ (pheochromocytoma)ની હાજરીમાં વધે છે. તેવી જ રીતે વેલ્પ્રોઇક ઍસિડ, થિયોફાયલિન, લીવોડોપા, લિથિયમ, ટ્રાઇસાઇક્લિક પ્રતિખિન્નતા ઔષધો વગેરેથી પણ તેનું પ્રમાણ વધે છે. ચા અને કૉફીમાંના મિથાયલ ઝેન્થિન્સ જૂથનાં દ્રવ્યોથી પણ તેનું પ્રમાણ વધે છે.
અજ્ઞાતમૂલ (essential), વૃદ્ધાવસ્થાકીય તથા કૌટુંબિક કંપ એક જ વિકારનાં અલગ અલગ નામ છે. તે દર હજારે ચારથી પાંચ વ્યક્તિમાં જોવા મળે છે. તે પુખ્તવયે શરૂ થાય છે પરંતુ યુવાનો કે વૃદ્ધોમાં પણ ક્યારેક શરૂ થાય છે. તેની આવૃત્તિ 8થી 10 Hz છે અને તે હાથને લંબાવીને આંગળીઓ ફેલાવતાં ઉદભવે છે. તેથી તે અંગવિન્યાસી પ્રકારનો કંપ ગણાય છે. તે સ્થિરસ્થિતિ તથા હલનચલન વખતે ઘટે છે. આ રીતે તેને પાર્કિન્સનના રોગમાં અને નાના મગજના રોગોમાં થતા કંપથી અલગ પાડી શકાય છે. તે બંને હાથમાં એકસરખી રીતે શરૂ થાય છે અને વધુ તીવ્ર કિસ્સાઓમાં માથું, છાતી અને ઉરોદરપટલ(diaphragm)ને અસર કરે છે. તેવા સંજોગોમાં માથું આગળ-પાછળ ડોલે છે અને અવાજમાં વિશિષ્ટ પ્રકારે કંપ ઉદભવે છે. જો અજ્ઞાતમૂલ કંપ મંદ હોય તો તેને સારવારની જરૂર ગણાતી નથી, પરંતુ તીવ્ર પ્રકારના અજ્ઞાતમૂલ કંપની સારવારમાં બીટારોધક ઔષધ વપરાય છે. મુખ્યત્વે પ્રોપેનોલોલનો ઉપયોગ થાય છે, પરંતુ મેટાપ્રોલોલ અને નેડોલોલ પણ વપરાય છે. ક્યારેક ફીનોબાર્બિટોન અને પ્રિમીડોન ઉપયોગી થાય છે. થોડાક પ્રમાણમાં મદ્યપાન કરવાથી કંપવા અટકે છે પરંતુ તેની કુટેવ પડવાની શક્યતા હોય તો તેનો ઉપયોગ વર્જ્ય છે.
પાર્કિન્સનના રોગનો કંપ સ્થિરસ્થિતિમાં જોવા મળે છે અને તે ઊંઘમાં શમી જાય છે. તણાવ, ચાલવાની ક્રિયા અને માનસિક ધ્યાન આપતી વખતે તે વધે છે. તેની આવૃત્તિ 4થી 6 Hz છે. કંપ ઉપરાંત પાર્કિન્સનના રોગનાં અન્ય ચિનહો, જેવાં કે સ્નાયુ-અક્કડતા (rigidity) તથા અલ્પ-પ્રચલનતા (bradykinesia) પણ જોવા મળે છે. તેને કારણે દર્દીના સ્નાયુઓ અક્કડ થાય છે અને તેનું હલનચલન ધીમું અને નાનાં નાનાં પગલાંવાળું બને છે. પાર્કિન્સનના રોગના કંપની સારવારમાં ટ્રાઇહેક્સિફિનાયડિલ અને બેન્ઝટ્રોપિન જેવાં પ્રતિકોલિન (anticholinergic) ઔષધો વપરાય છે.
અનુમસ્તિષ્કી (cerebellar) રોગો અથવા નાના મગજના રોગોમાં થતો કંપ અંગવિન્યાસી અથવા ગતિજન્ય પ્રકારનો હોય છે. તે દર્શાવવા માટે આંગળી-નાક કસોટી કે એડી-નળો કસોટી કરાય છે. હવામાં ગમે તે સ્થળેથી ખસેડીને આંગળીની ટોચથી નાકના ટેરવાને અડવાનું કહેવામાં આવે ત્યારે ક્રિયાના અંતભાગમાં કંપ ઉત્પન્ન થાય છે અને નાના મગજના રોગનો દર્દી આંગળીની ટોચથી નાકના ટેરવાને અડકી શકતો નથી. ક્રિયાને અંતે ચોક્કસ સ્થળે અડકવાના પ્રયત્ન કરવા માટે કંપ થતો હોવાથી તેને ઇરાદાજન્ય (intentional) કંપ કહે છે. આ કસોટીને આંગળી-નાક કસોટી કહે છે. આ પણ એક અનૈચ્છિક પ્રકારનું પ્રચલન છે. આવી જ રીતે એક પગની એડી બીજા પગના નળા પર સીધી લીટીમાં અડાડીને ખસેડવાનું કહેવામાં આવે ત્યારે નાના મગજના વિકારવાળા દર્દીની એડી આમતેમ હાલ્યા કરીને સીધી લીટીમાં ગતિ કરી શકતી નથી. તેને એડી-નળો કસોટી કહે છે. આ પ્રકારના કંપની આવૃત્તિ 3થી 5 Hz છે અને તેની કોઈ સારવાર હાલ ઉપલબ્ધ નથી.
દારૂડિયાને જ્યારે દારૂ ન મળે ત્યારે તીવ્ર પ્રકારના દેહધાર્મિક કંપ જેવો કંપ જોવા મળે છે. તેવી જ રીતે વિલ્સનનો રોગ કે કેટલાક પ્રકારના ચેતાવિકારો(neuropathies)માં પણ કંપ જોવા મળે છે; દા.ત., મધુપ્રમેહ, પોરફાયરિયા, મૂત્રપિંડની નિષ્ફળતા, એમિલોઇડતા, મદ્યપાન વગેરે.
શિલીન નં. શુક્લ
અજિત સોવાણી