કંદરિયા મહાદેવ, ખજુરાહો : મધ્યયુગીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પકલામાં નોંધપાત્ર સ્થાન ધરાવતું ખજુરાહોનું મંદિર. ખજુરાહો મધ્યભારતના છત્તરપુર જિલ્લામાં 24o 51′ ઉ. અ. અને 80o પૂ. રે. ઉપર મહોબાથી 54 કિમી., છત્તરપુરથી 40 કિમી. અને પન્નાથી ઉત્તરે 38 કિમી. દૂર આવેલું છે. ઈ. સ.ની દસમી-અગિયારમી સદીમાં (950-1050) ચંદેલવંશીય રાજાઓની રાજધાની ખજુરાહોમાં સૌર, શૈવ, વૈષ્ણવ, શાક્ત અને જૈન સંપ્રદાયનાં લગભગ 85 જેટલાં એક જ શૈલીનાં મંદિરો નિર્માણ પામ્યાં હતાં, જે પૈકી આજે બાવીસ જેટલાં જ વિદ્યમાન મંદિરોમાં સૌથી વિશાળ અને સર્વ રીતે વિકસિત ઉત્કૃષ્ટ કોતરકામ ધરાવતું કંદરિયા મહાદેવનું મંદિર છે. ચંદેલ રાજવી વિદ્યાધરના શાસનકાળ દરમિયાન (1017-1026) આ મંદિર નિર્માણ થયાનું મનાય છે. પ્રસ્તુત શિવાલય નાગર વાસ્તુશૈલીનો વિશિષ્ટ નમૂનો છે.
આ મંદિર ઊંચી જગતી પર આવેલું મૂળ પંચાયતન પ્રકારનું મંદિર હતું પણ તેના ચાર કર્ણપ્રાસાદો (ખૂણા પરનાં મંદિરો) લગભગ નષ્ટ થયા છે. આ મંદિરની લંબાઈ 31.1652 મી., પહોળાઈ 20.364 મી. અને ઊંચાઈ 31.0086 મી. છે. રચના પ્રમાણે આ મંદિર સ્વસ્તિક આકારનું કહી શકાય.
પૂર્ણ વિકસિત મંદિરના છ વિભાગો, જેવા કે અર્ધમંડપ, મંડપ, મહામંડપ, અંતરાલ, ગર્ભગૃહ અને પ્રદક્ષિણાપથ છે. એકબીજાની સાથે તે એવી રીતે સંકળાયેલા છે કે સમગ્ર રચના એક જ હોય તેમ લાગે છે. શિખરનો લાલિત્યમય આકાર મંદિરની ઉત્કૃષ્ટતામાં વધારો કરે છે. મંદિરની બહારની દીવાલ અને ગર્ભગૃહની બહારની દીવાલોમાં શિલ્પાકૃતિઓવાળા બેથી ત્રણ થરો છે. આ દીવાલો દેવદેવીઓની મૂર્તિઓ, અષ્ટ દિક્પાલો, અપ્સરાઓ, સુર-સુંદરીઓ, નાયિકાઓ, મિથુનો, વિદ્યાધરો, નાગો, શાર્દૂલો વગેરેનાં શિલ્પોથી સુશોભિત છે.
દરેક અંગ ઉપર ક્રમશ: વર્ધન પામતા માપે ‘ફાંસ’ના ઘાટનાં શિખરો છે, જે ચોકીથી ક્રમશ: ઊંચા થતાં થતાં શુકનાસ સમીપે વિરમે છે, જ્યારે મૂળ પ્રાસાદ પરનું નાગરશૈલીનું અનેકાંડક શિખર નાની નાની શૃંગિકાઓ અને ઉરુશૃંગોની સંયોજિત રચનાના વિન્યાસને કારણે ‘મેરુ’ કે ‘કૈલાસ’ની આભા ખડી કરી રહે છે. ગર્ભગૃહના પ્રદક્ષિણામાર્ગમાં ભદ્ર ભાગે પ્રકાશ માટે ત્રણ બાજુ ખુલ્લા આસનપટ સહિત ગવાક્ષોની રચના કરેલી છે. આ જ પ્રકારના આસનપટ સહિત ગવાક્ષની રચના ગૂઢમંડપમાં પણ ભદ્રસ્થાને કરેલ હોઈ બાહ્યભાગની પહોળાઈનું માપ ગૂઢમંડપ અને ગર્ભગૃહમાં એકસરખું છે. ખુલ્લા ગવાક્ષોની બંને બાજુએ સ્તંભિકાઓ અને ઉપર ક્રમોદિત ‘ફાંસ’ના છાદ્યની રચના કરેલી છે. સમગ્ર મંદિરની પીઠમાં જાડ્યકુંભ, ગ્રાસપટ્ટી આદિ સ્તરોની વ્યવસ્થા છે. મંદિરની બહારની ભીંતો તસુએ તસુ વિવિધ શિલ્પાંકનોથી વિભૂષિત છે. ત્યાં એક ઉપર એક એવી જંઘાઓ છે.
કનિંગહામના મતે અંદરના ભાગમાં 226 અને બહારના ભાગે 646 પ્રતિમાઓ હતી. જંઘા વગેરેમાં વિવિધ દેવદેવીઓ, અષ્ટદિક્પાલો, અષ્ટવસુઓ, સુરસુંદરીઓ, મિથુન અને રતિનાયકનાં રૂપો કંડારેલ છે. કામશાસ્ત્રમાં વર્ણવાયેલાં વિવિધ ભોગાસનો વ્યક્ત કરતાં મિથુનશિલ્પો અને વિવિધ દેવાંગનાનાં સ્વરૂપો જેવાં કે દર્પણકન્યા, અંજનકન્યા, આલસ્યા, કંટકકન્યા વગેરે નોંધપાત્ર છે. આ ઉપરાંત નર્તકો, વાદકો વગેરેનાં પણ ઉત્કૃષ્ટ શિલ્પો છે. જંઘાના અનેક સ્તરો છે, જેના મથાળે કાઢેલ કૂટો અને તિલકોમાં દેવરૂપો કંડારાયેલાં છે.
મંદિરના પ્રવેશદ્વાર પાસે મકરમુખયુક્ત તોરણ છે. આ તોરણ દેવો, વાદકો, કીર્તિમુખો, મકર, મિથુન વગેરેનાં શિલ્પોથી સુશોભિત છે. છતમાં અતિવ્યાપ્ત સમાનકેન્દ્રયુક્ત વર્તુલાકૃતિઓ છે. મંદિરની બારસાખ ને મોભનો ભાગ પત્રરચના, મિથુન અને તપ કરતા તપસ્વીઓની પ્રતિમાઓથી વિભૂષિત છે. તેમનાં વાહન મગર-કાચબો સાથેની ગંગા-યમુનાની આકૃતિઓ બારસાખના તળભાગ ઉપર દેખાય છે. ગર્ભગૃહની અંદરના સાદા ચતુરસ્રી ઓરડામાં શિવના પ્રતીક સમું સંગેમરમરનું લિંગ છે.
મંદિરના અંદરના ભાગે ધ્યાનાકર્ષક વસ્તુ વિતાનનું ભાસ્કર્ય છે. ચાર અલંકૃત સ્તંભો ઉપર ટેકવાયેલ મધ્યભાગના વિતાનમાં એક મોટા વૃત્તમાં એકબીજા સાથે સંકળાયેલાં આઠ અલંકૃત નાનાં વર્તુલો અને તે દરેકની મધ્યમાંથી લટકતાં પદ્મલંબનને કારણે તે અલંકૃત લાગે છે. સ્તંભ પરનાં મદલ અને ભારપુત્તલિકાઓ કે શાલભંજિકાઓનાં શિલ્પ પણ સુંદર રીતે કંડારેલાં છે. મધ્યયુગીન ભારતીય શિલ્પસ્થાપત્યના સર્વાંગીણ નમૂનારૂપ આ મંદિર છે.
આ મંદિર તેના સમકાલીન ભુવનેશ્વરના લિંગરાજ મંદિર કરતાં પણ ચડિયાતું છે.
મુનીન્દ્ર જોશી
પ્રિયબાળાબહેન શાહ