કંઠપાંસળી (cervical rib) : ગરદનમાં વધારાની પાંસળી હોય ત્યારે તેનાથી થતો વિકાર. સામાન્ય રીતે છાતીમાં પાંસળીઓની બાર જોડ આવેલી હોય છે અને તે વક્ષવિસ્તારના કરોડના મણકા સાથે જોડાયેલી હોય છે. જો કંઠપાંસળી હોય તો તે ગરદનના વિસ્તારમાં આવેલા સૌથી નીચલા (સાતમા) મણકા કે ક્યારેક પાંચમા કે છઠ્ઠા મણકા સાથે જોડાયેલી હોય છે. ક્યારેક તે બંને બાજુએ પણ હોય છે. ગરદનના ભાગના કરોડરજ્જુમાંથી ઉદભવતા ચેતામૂળ (nerve roots) દ્વારા બનતી ચેતાઓ બાહુચેતાજાળ (brachial plexus) બનાવે છે. બાહુચેતાજાળમાંથી નીકળતી ચેતાઓ ઉપલા ઉપાંગ(હાથ)માં પ્રવેશે છે. સામાન્ય રીતે ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી કંઠીય (cervical) ચેતાઓ તથા પ્રથમવક્ષીય (thoracic) ચેતાઓ બાહુચેતાજાળ બનાવે છે. જ્યારે ચોથી કંઠીય ચેતા વિકસેલી હોય ત્યારે પ્રથમવક્ષીય ચેતાના ચેતાતંતુઓ બાહુચેતાજાળમાં ઓછા પ્રવેશે છે. આને અગ્રસ્થ (prefixed) બાહુચેતાજાળ કહે છે. આવા સંજોગોમાં ગરદનની કરોડના સાતમા મણકાનો આડો પ્રવર્ધ (transverse process) નાની અથવા પૂર્ણવિકસિત કંઠપાંસળી રૂપે અથવા તંતુમયરજ્જુ (fibrous band) રૂપે વિકસે છે. જ્યારે ચોથી કંઠીય ચેતાને બદલે પ્રથમવક્ષીય ચેતા વધુ વિકસી હોય ત્યારે પશ્ચસ્થ (postfixed) બાહુચેતાજાળ બને છે. તેથી સામાન્યત: કંઠપાંસળી વિકાસ પામતી નથી.

ઉપલા ઉપાંગમાં પ્રવેશતી ચેતાઓ અને નસો પાંસળીઓ પર થઈને જાય છે. જ્યારે કંઠપાંસળી હોય ત્યારે તે ચેતાઓ અને નસોને એક વધુ અવરોધ ઓળંગવો પડે છે. વળી તે પાંસળી અને અસમબાજુ-અગ્રિમ (scalenus anticus) સ્નાયુની વચ્ચે રહેતી જગામાંથી પસાર થતાં હોય છે. આ જગ્યા કંઠપાંસળી હોય ત્યારે સાંકડી બને છે. તેથી ચેતા તથા નસ દબાય છે.

(અ) કંઠપાંસળીથી દબાતી ચેતાઓ અને લોહીની નસો, (આ) અસમબાજુ-અગ્રિમસ્નાયુ (scalenus anticus) સંલક્ષણમાં દબાતી ચેતાઓ અને નસો. (1) કરોડના મણકા : C3થી C7 ગરદનના ત્રીજાથી સાતમા મણકા તથા T1 અને T2 પીઠના મણકા,(2)વક્ષાસ્થિ(sternum)નો ઉપલો છેડો, (3) પ્રથમ પાંસળી, (4) કંઠપાંસળી, (5) અસમબાજુ (scalenus) સ્નાયુઓ, (6) બાહુચેતાજાળની ચેતાઓ, (7) ઉપલા ઉપાંગ(હાથ)માં પ્રવેશતી નસો, (8) ચેતાઓ અને નસ પર દબાણ.

વળી જો હાથને નીચેની તરફ ખેંચવામાં આવે તો ચેતા અને નસ વધુ દબાય છે. સૌથી નીચલા ચેતામૂળવાળા ચેતાતંતુઓ સૌથી વધુ દબાય છે અને તેથી અલ્નર ચેતાના વિસ્તારની ચામડીમાં પીડા અને પરાસંવેદનાઓ (paraesthesia) થાય છે અને આંગળી અને હથેળીના નાના સ્નાયુઓના કાર્યમાં વિક્ષેપ પડે છે. વળી હાથની નસોના સ્નાયુઓનું નિયમન કરતી ચેતાઓ પણ અસરગ્રસ્ત થાય છે. ટચલી અને અનામિકા આંગળીઓ તથા હથેળીમાં બળતરા, ઝણઝણાટી, બહેરાશ વગેરે પરાસંવેદનાઓ થાય છે. ધીમો, તીવ્ર કે વીજળીના આંચકા જેવો દુખાવો થાય છે. જ્યારે ડોક બીજી બાજુ વાળેલી હોય ત્યારે હાથને નીચે તરફ અને બહારની બાજુ ખેંચતાં ઉપર જણાવેલી તકલીફો વધે છે. તેને એડસનનું ચિહન કહે છે. આ સમયે પાંસળી અને અસમબાજુ-અગ્રિમ સ્નાયુ વચ્ચેની જગ્યા અતિશય સાંકડી થઈ જાય છે ત્યારે ક્યારેક કાંડા પાસેની નાડીના ધબકારા પણ બંધ થઈ જાય છે.

ક્યારેક કંઠપાંસળીના આગલા ભાગને સ્પર્શી શકાય છે. ડોકના તે તરફના ભાગમાં સ્પર્શવેદના થાય છે. હથેળી અને આંગળીઓના સ્નાયુઓ અવક્ષીણતા પામીને પાતળા પડે છે અને ટચલી આંગળી, અનામિકા આંગળી (ring finger), હથેળીનો અંદરનો ભાગ તથા અગ્રભુજાનો અંદરનો ભાગ થોડા પ્રમાણમાં બહેરાશ અનુભવે છે. તે વિસ્તારમાં લોહીનું પરિભ્રમણ ઘટતું હોવાથી ચામડી ઠંડી, ફિક્કી અને ભૂરી થઈ જાય છે અને કાંડા પાસેની નાડી નબળી પડે છે. ક્યારેક હાથમાં પ્રવેશતી ધમનીનો કંઠપાંસળીથી દબાયેલા ભાગ પછીનો તરતનો ભાગ ફૂલે છે. લાંબા સમયે ચામડી પાતળી અને ચળકતી થાય છે અને તેમાં ચાંદાં પડે છે. ગરદનનું એક્સ-રે ચિત્રણ નિદાનસૂચક બને છે. જો નાની કંઠપાંસળીના આગલા છેડે તંતુમય રજ્જુ હોય તો કંઠપાંસળીનું કદ અને તેનાથી ઉદભવતો વિકાર એકબીજાને સુસંગત હોતાં નથી.

કંઠપાંસળીના જેવો જ વિકાર અન્ય રોગોમાં જોવા મળે છે, જેમ કે ગરદનના કરોડના મણકા વચ્ચેની ગાદી (ચકતી) ખસી ગઈ હોય, હાથ વધુ પડતો બહારની બાજુ ખેંચાઈ ગયેલો હોય, અસમબાજુ-અગ્રિમ સ્નાયુનું સંલક્ષણ થયું હોય વગેરે. જ્યારે કંઠપાંસળીની ગેરહાજરીમાં અસમબાજુ-અગ્રિમ સ્નાયુ અને અસમબાજુ-મધ્યમ સ્નાયુની વચ્ચેની જગ્યામાં ચેતાઓ અને નસો દબાય ત્યારે અસમબાજુ-અગ્રિમ સ્નાયુનું સંલક્ષણ ઉદભવે છે. તે સમયે ક્યારેક સ્નાયુ જાડો થઈ ગયેલો હોય છે. સ્નાયુઓમાં છેદ મૂકવાથી આ વિકાર મટે છે. આ ઉપરાંત પાંસળી-અરીય અસ્થિ દબાણ(costo-clavicular compression)-જન્ય સંલક્ષણ, અલ્નરચેતાના વિકારો, રેયનોડનું સંલક્ષણ વગેરે વિવિધ વિકારો પણ આ પ્રકારની તકલીફો સર્જે છે અને તેમની વચ્ચે નિદાનભેદ કરવો આવશ્યક ગણાય છે.

સારવાર : સ્કંધમેખલા (shoulder girdle) અથવા ખભાના વિસ્તારમાં આવેલા હાડકાના સમૂહને ઊંચો કરવાથી તકલીફ શમે છે. મંદ તીવ્રતાવાળા વિકારમાં સ્કંધમેખલાનાં હાડકાંને ઊંચાં કરતા સ્નાયુઓની કસરત કરવાનું સૂચવાય છે. હાથ સહેજ અધ્ધર રહે એવી સ્થિતિ જાળવવા માટે ટેકો અપાય છે. વજન ઊંચકવાનું બંધ કરવાનું સૂચવાય છે. જરૂર પડ્યે કંઠપાંસળી કે તેની સાથે જોડાયેલ તંતુમય રજ્જુને કાપીને ચેતાઓ તથા નસ પરનું દબાણ ઘટાડાય છે.

અમરીશ જ. પરીખ

શિલીન નં. શુક્લ