કંકોડાં (કંટોલાં) : શાકફળ. સં. कर्कोटकी, कंटफला, स्वादुफला; હિં. खेखसा, ककोडा. ककरौल; મ. कर्टोली, कांटली, फाकली; બં. कांकरोल; લૅ : Mormodica dioica Roxb.
એ પ્રસિદ્ધ ચોમાસું શાકફળ છે. ભારતમાં તેના વેલા સર્વત્ર ડુંગરાળ જમીનમાં, ચોમાસાના વરસાદ પછી આપોઆપ ઊગી નીકળે છે. વાડ કે ઝાડ-ઝાંખરાં ઉપર તેના વેલા ફેલાય છે. તેમાં નર અને માદા બે જાતો થાય છે. નરજાતને માત્ર ફૂલો જ આવે છે, તેને ફળ નથી આવતાં. માટે તેને ‘વાંઝણી કંકોડી’ કહે છે. માદા જાતને ફળ આવે છે. તેને ‘કંકોડાં’ કે ‘કંટોલાં’ કહે છે. કંકોડીનાં પાન બેથી ચાર ઇંચ લાંબાં, પહોળાં અને 3 કે 5 ખૂણાવાળાં હોય છે. વેલાને પીળા રંગનાં ફૂલ આવે છે. ફળ 1થી ઇંચ લાંબાં, સુરેખ, ઉપરની સપાટી પર કાંટાળાં, લીલા રંગનાં, ટોચથી અણીદાર છતાં લગભગ લંબગોળ આકારનાં હોય છે. ખાસ ચોમાસામાં જ તે થાય છે. તેનાં કૂણાં ફળોનું સ્વાદિષ્ટ અને ગુણકારી શાક બને છે. થોડા દિવસો પછી તોડેલાં કંકોડાં પાકીને પીળા રંગનાં થઈ જાય છે. તેની અંદર મરી જેવડાં ગોળ-સફેદ, જરા કડક બી હોય છે. પાકાં કંકોડાંનાં બી વધુ કઠણ થઈ જાય છે અને તેની અંદરનો ગર્ભ લાલ રંગનો થાય છે, જે વપરાતો નથી. કંકોડાં કારેલાં જેવા કડવાં હોવા છતાં, તેને ઉત્તમ કે પથ્ય શાક કહેલ છે. મધુમેહમાં તે પથ્ય શાક છે.
કંકોડાં સ્વાદે કડવાં, તૂરાં, તીખાં અને મધુર હોય છે. ગુણમાં તે શીતળ, રુચિકર્તા; રુક્ષ, વાયુદોષવર્ધક, મૂત્રવર્ધક, ઝાડાને તોડનાર, પચ્યેથી તીખાં, જઠરાગ્નિવર્ધક, ત્રિદોષનાશક અને ગોળો, શૂળ, પિત્ત, કફ, ખાંસી, તાવ, શ્વાસ, કોઢ, પ્રમેહ, અરુચિ તથા પથરીમાં હિતકર અને હૃદયરોગનાશક છે. કંકોડીનાં પાન રુચિકર, વૃષ્ય, ત્રિદોષનાશક અને જ્વર, કૃમિ, દમ, ક્ષય, ઉધરસ, હેડકી અને હરસનો નાશ કરનાર છે. કંકોડાંનાં મૂળમાંથી અર્ધો ફૂટ લાંબી ગાંઠ નીકળે છે. તે કંદ મસ્તક રોગમાં સાકર કે મધ સાથે અપાય છે. તેની વધુ પડતી માત્રા લેતાં ઊલટી થાય છે. કંદ રક્તાર્શ, ગ્રંથિ તથા ડાયાબિટીસનાશક છે.
આધુનિક મતે કંકોડાં ગ્રાહી (મળબંધક), મૂત્રલ, રક્તશોધક, આરોગ્યવર્ધક અને વધુ માત્રામાં સારક છે. કંકોડાં કોઢ, ગાંડપણ, મોળ ચડવી અને તાવમાં હિતકર તથા ત્રિદોષનાશક છે. કંકોડાં વાયુ અને આફરો પેદા કરે છે. માટે તેના શાકમાં આદું, તેલ અને ગરમ મસાલાનો પ્રયોગ વધુ કરાય છે.
આયુર્વેદ મતે કૂણાં કંકોડાંનું બનાવેલું શાક ખાવાથી તાવ, પિત્તપ્રકોપ, કફવિકાર, ઉધરસ, સોજા, શ્વાસ, શૂળ, પેટનાં દર્દો, કોઢ, ગુલ્મ (ગોળો), હરસ, ઝાડા, અરુચિ, પ્રમેહ, ગ્રહણી તથા નેત્રરોગો મટે છે.
કંકોડાનાં મૂળનું ચૂર્ણ ડાયાબિટીસ, પથરી, બરોળની ગાંઠ, મસ્તક પીડા, અતિપરસેવો, આધાશીશી, દૂઝતા હરસ તથા ગરમી-શરદીનાં દર્દો મટાડે છે.
બળદેવપ્રસાદ પનારા
પ્રાગજી મો. રાઠોડ