કંકણાકાર પ્રવાલદ્વીપ (atolls) : પ્રવાલખડકોથી રચાયેલું કંકણાકાર માળખું. જીવંત પરવાળાંના માળખામાંથી ઉદભવતી આ એક રચના છે. તેના કેન્દ્રીય ભાગમાં ખાડીસરોવર (lagoon) આવેલું હોય છે અને આજુબાજુ ગોળાકાર, લંબગોળાકાર કે નાળાકાર સ્વરૂપે પ્રવાલખડકો ગોઠવાયેલા હોય છે.
કંકણાકાર પ્રવાલદ્વીપની ઉત્પત્તિ એક વિવાદાસ્પદ બાબત રહી છે. ડાર્વિનના મંતવ્ય મુજબ આ પ્રવાલદ્વીપની રચનામાં વચ્ચે રહેલું ખાડીસરોવર, ટાપુની આજુબાજુ વિકસતા જતા પ્રવાલખડકોની સાથે સાથે ચાલુ રહેતી ટાપુની અવતલનની ક્રિયાને કારણે અસ્તિત્વમાં આવે છે અને ટાપુ સંપૂર્ણપણે સમુદ્રજળ નીચે અવતલન પામે છે. પરિણામે ખાડીસરોવરની આજુબાજુ પ્રવાલખડકો ગોળાકાર, લંબગોળાકાર કે નાળાકાર સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળે છે. મૂરેના સૂચન મુજબ જો કંકણાકાર પ્રવાલદ્વીપ ડાર્વિનના મત પ્રમાણે અવતલનની ક્રિયાથી ઉદભવેલા ન હોય તો તેમનો તળભાગ જીવંત પરવાળાંની પ્રક્રિયા દ્વારા બનેલો હોતો નથી. મૂરે કહે છે કે કંકણાકાર પ્રવાલદ્વીપ પૅસિફિક મહાસાગરના હવાઈ ટાપુઓમાં જોવા મળે છે. વિકાસ માટે તેમના તળભાગમાં ખૂબ જ ઘસારાની અસર હેઠળ આવેલી જ્વાળામુખીજન્ય ટેકરીઓ હોય અથવા તો વધુ ઊંડાઈએ રહેલા જ્વાળામુખીજન્ય ઉચ્ચ સપાટ પ્રદેશો પર એકત્રિત થયેલા સમુદ્રનિક્ષેપો હોય, જેમની ઊંડાઈ સમુદ્રસપાટીથી 30 ફેધમની (આશરે 5.5 મીટર) હોવી જરૂરી છે. આટલી ઊંડાઈ તેમના અસ્તિત્વ માટે જરૂરી બની રહે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે