ઔષધનિર્માણશાસ્ત્ર

January, 2006

ઔષધનિર્માણશાસ્ત્ર (pharmaceutics) : દર્દીને આપવા માટે કોઈ પણ ઔષધનું સુયોગ્ય પ્રરૂપ(form)માં રૂપાંતર કરવાની વિદ્યા. આ માટે ભૈષજિકી શબ્દપ્રયોગ પણ વપરાય છે. ઔષધોનું આધુનિક સમયમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું જરૂરી બનતાં આ શાખાની આગવી ટેક્નૉલૉજી ફાર્મસ્યૂટિકલ ટેક્નૉલૉજી તરીકે વિકસી છે.

ઔષધો અંગેનું જ્ઞાન ઘણું પ્રાચીન છે. ભારતમાં જ્ઞાનની આગવી શાખા તરીકે તેનો વિકાસ વેદકાળમાં થયેલો હતો તેમ કહી શકાય. ચરક કહે છે કે વૈદ્ય, ઔષધ, પરિચારિકા અને દર્દી એ ચાર અગત્યના સ્તંભો ઉપર રોગની સારવારનો આધાર છે. સુશ્રુત સંહિતામાં ઔષધોનાં અનેક પ્રરૂપ વર્ણવ્યાં છે; દા. ત., લેપ, ક્વાથ (ઉકાળો), કલ્ક (paste), તેલ, ઘૃત, ચૂર્ણ, ગોળી વગેરે. જર્મન વૈજ્ઞાનિક હૅરમાન સેલેન્ઝે તેના પુસ્તક(‘Geschichte Pharmazie’)માં ભારતના આ કીમતી વારસાને ભવ્ય અંજલિ આપી છે.

‘ફાર્મસી’ ગ્રીક શબ્દ ‘pharmacon’ એટલે ઔષધ/ભેષજ ઉપરથી આવેલ છે. દર્દીને આપવા માટે ઔષધનું યોગ્ય અને સરળ પ્રરૂપ તૈયાર કરનાર ‘ફાર્મસિસ્ટ’ તરીકે ઓળખાય છે.

હાલમાં ભારતમાં પ્રાચીન સમયથી વપરાતી આયુર્વેદ-પદ્ધતિ, ભારતમાં ઇસ્લામના આગમન સાથે આવેલી યુનાની પદ્ધતિ અને યુરોપીય પ્રજાના આગમન સાથે આવેલી ઍલૉપથી – એમ ત્રણ પદ્ધતિઓ ઉપરાંત હોમિયોપથી પદ્ધતિ પણ વપરાશમાં છે. ઍલૉપથી પદ્ધતિનો છેલ્લાં બસો વર્ષમાં વિસ્મયકારી વિકાસ થયો છે અને તે આધુનિક ઔષધશાસ્ત્ર (modern pharmacy) તરીકે ઓળખાય છે.

ઈ. સ. 131થી 201ના અરસામાં રોમમાં મહાન ફાર્મસિસ્ટ તરીકે ગેલન પ્રતિષ્ઠા પામ્યો. તેણે નિર્માણ કરેલાં ઔષધોને (ઉકાળા, ઘન અને પ્રવાહી નિષ્કર્ષો, ટિંક્ચરો વગેરે) ગેલેનિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. નવાં નવાં ઔષધો દાખલ કરવા ઉપરાંત ઔષધોની શુદ્ધિ બાબત ગેલને ધોરણો નિશ્ચિત કર્યાં. 1200માં રોમન સમ્રાટ ફ્રેડરિકે ફાર્મસી-વ્યવસાયને દાક્તરી વ્યવસાયથી અલગ પાડવા માટેનો કાયદો કર્યો. તેથી તેને સ્વતંત્ર વ્યવસાય તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું. ફાર્મસી-વ્યવસાયમાં સોળમી અને સત્તરમી સદીઓ દરમિયાન ઘણો વિકાસ થયો તેમ કહી શકાય. 1498માં ફ્લૉરેન્સમાં યુરોપનો પ્રથમ ઔષધકોશ (pharmacopoeia) પ્રસિદ્ધ થયો. 1602માં રશિયામાં પ્રથમ ફાર્મસીની સ્થાપના થઈ. 1617માં સોસાયટી ઑવ્ એપૉથેરિઝની લંડનમાં સ્થાપના થઈ અને ફાર્મસીનો એક આગવા વ્યવસાય તરીકે સ્વીકાર થયો. આ સોસાયટીનો સભ્ય જ ઔષધ રાખી શકે, નહિ કે કરિયાણાનો વેપારી એમ નક્કી થયું. 1618માં લંડનમાં પ્રથમ રાષ્ટ્રીય ઔષધકોશ પ્રસિદ્ધ થયો અને 1802માં અમેરિકામાં યુનાઇટેડ સ્ટેટ્સ ફાર્મકોપિયા (U.S.P.) પ્રસિદ્ધ થયો. 1841માં ફાર્મસી સોસાયટી ઑવ્ ગ્રેટ બ્રિટનની સ્થાપના થઈ અને ફાર્મસિસ્ટની વ્યવસ્થિત કેળવણીની શરૂઆત થઈ. 1852માં અમેરિકન ફાર્મસ્યૂટિકલ ઍસોસિયેશનની સ્થાપના થઈ અને તે જ વર્ષે બ્રિટનમાં ફાર્મસી ઍક્ટ અમલમાં આવ્યો. 1864માં બ્રિટિશ ફાર્મકોપિયા (B. P.) અને 1955માં ભારતમાં ઇન્ડિયન ફાર્મકોપિયા (I. P.) બહાર પડ્યા. આધુનિક સમયમાં ફાર્મસી વ્યવસાય અને કેળવણી ઉપર દરેક રાષ્ટ્ર ઘનિષ્ઠ દેખરેખ રાખે છે.

આધુનિક ઔષધનિર્માણશાસ્ત્રમાં પારંગત થવા માટે જ્ઞાનવિજ્ઞાનની બીજી કેટલીક શાખાઓને જાણવી આવશ્યક છે. રસાયણશાસ્ત્ર, પૃથક્કરણ-રસાયણ, જીવરસાયણ, રોગલક્ષણ-રસાયણ (clinical chemistry), પ્રતિરક્ષા-રસાયણ (immuno-chemistry), જીવવિજ્ઞાન, સૂક્ષ્મજીવવિજ્ઞાન, શરીરરચના, શરીરક્રિયાશાસ્ત્ર (physiology), ઔષધક્રિયાશાસ્ત્ર (pharmacology), ઔષધનિર્માણ ઇજનેરી (pharmaceutical engineering), ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy), જૈવભેષજી (biological pharmacy), ફાર્મસ્યૂટિકલ વહીવટ, ફાર્મસ્યૂટિકલ અર્થશાસ્ત્ર વગેરે શાખાઓના જ્ઞાનની અપેક્ષા ફાર્મસિસ્ટ પાસેથી રાખવામાં આવે છે. આ ઉપરાંત હૉસ્પિટલ-ફાર્મસી, વિનિર્માણ(manufacturing)-ફાર્મસી, વિકિરણભેષજી (radio-pharmacy), જૈવભેષજિકી (biopharmaceutics), ભેષજ બલગતિકી (pharmacokinetics), ભેષજ ક્રિયાવિજ્ઞાન (pharmacodynamics), જનીન ઇજનેરી અને કૉમ્પ્યૂટરના ઉપયોગ અંગેનું જ્ઞાન પણ જરૂરી ગણાય છે.

વ્યાવસાયિક ફાર્મસિસ્ટે નીચેની ફરજો અદા કરવાની હોય છે : (1) વનસ્પતિજન્ય, પ્રાણીજન્ય કે રાસાયણિક દ્રવ્યને શુદ્ધ કરવું, (2) ઔષધના નિર્માણમાં વપરાતા દરેક દ્રવ્યની શુદ્ધતાની ચકાસણી કરવી, (3) ઔષધનિર્માણમાં ઉપયોગી વિવિધ ક્રિયાઓ  નિષ્કર્ષણ, સંશ્લેષણ, પેષણ (milling), પરિષ્કરણ(refining)ના ઉપયોગ અંગેની વિશદ જાણકારી મેળવવી, (4) ઔષધનિર્માણક્રિયા દરમિયાન તેમજ ઔષધ તૈયાર થયા પછી તેની શુદ્ધતાની ચકાસણી કરવી, (5) તૈયાર થયેલાં ઔષધોની સાચવણીની પદ્ધતિઓની જાણકારી કરવી તેમજ ઔષધો સાચવવા માટે વપરાતાં પાત્ર(containers)ની યોગ્યતાની ચકાસણી કરવી, (6) ઔષધશાસ્ત્રને લગતા રાજ્ય/કેન્દ્રના કાયદા અને ન્યાયપદ્ધતિ (forensic pharmacy) સંબંધી જ્ઞાન, (7) ઔષધની મહત્તમ ગુણવત્તા મેળવવા માટે તેનું સુયોગ્ય પ્રરૂપ કેમ બનાવવું તે વિશેનું જ્ઞાન તથા (8) ઔષધોની જથ્થાબંધ તથા છૂટક વેચાણવ્યવસ્થા અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવું.

આધુનિક ઔષધનિર્માણ : પ્રાચીન કે આધુનિક સમયમાં ઔષધ ભાગ્યે જ તેના કુદરતી રૂપમાં આપવામાં આવે છે. સામાન્ય રીતે તેને ઔષધયોગના રૂપમાં આપવામાં આવે છે. એક જ ઔષધના જુદી જુદી માત્રાવાળા યોગ પ્રાપ્ય હોય છે. વળી ઔષધના ભિન્ન ભિન્ન યોગો પણ બનાવવામાં આવે છે. ઔષધોના ભિન્ન ભિન્ન યોગો બનાવવાનો આશય ઔષધ લેવામાં તેમજ આપવામાં (બાળકોને) સરળતા રહે, છતાંય તેની અસરમાં કોઈ ફેરફાર ન થાય તે હોય છે. આ ઉપરાંત યોગો એવી રીતે બનાવવામાં આવે છે કે તેનો પૂરેપૂરો ઉપયોગ થાય ત્યાં સુધી તેની અસરકારકતા સચવાઈ રહે. વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય ઔષધો સમય જતાં બગડી જતાં હોય છે. વળી આ પ્રકારનાં ઔષધો બારે માસ સુલભ હોતાં નથી. અનેક નૂતન ક્રિયાઓનો ઉપયોગ કરીને આવાં ઔષધોમાંથી વિવિધ પ્રકારના યોગ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ બારે માસ કરી શકાય છે. પ્રાચીન ઔષધશાસ્ત્રમાં વપરાતી કેટલીક ક્રિયાઓ મૂળ અથવા રૂપાંતરિત સ્વરૂપે અપનાવવામાં આવી છે.

ઔષધયોગ બનાવતી વખતે ઔષધના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને લક્ષમાં રાખવામાં આવે છે; દા. ત., તેનું પ્રરૂપ, તેના કણનું માપ; તેનું સ્ફટિકીય રૂપ, તેની સ્થૂલ ઘનતા (bulk density), દ્રાવ્યતા, પૃષ્ઠ લાક્ષણિકતા (surface characteristics), તરલતા, સંસંજકતા (cohesiveness), સંપીડ્યતા (compressibility), પ્રવાહિકી (rheology), વિતરણ-ગુણાંક (partition coefficient) વગેરે અગત્યનાં ગણાય. રાસાયણિક ગુણધર્મોમાં જલવિઘટન (hydrolysis), ઉપચયન (oxidation), રેસેમાઇઝેશન, વિકાબૉર્ક્સિલેશન(decarboxylation), ઉદ્દીપકીય (catalytic), ઉત્સેચકીય (enzymatic) વિઘટન જેવી અસરો અગત્યની છે. ઔષધયોગ તૈયાર થયા પછી પણ ઔષધ ઉપર ભેજ, પ્રકાશ, તાપમાન તથા યોગના નિર્માણમાં વપરાયેલ યોગજો (additives) અને પરિરક્ષકો (preservatives) વગેરેની મુખ્ય સક્રિય દ્રવ્ય ઉપર થતી અસરનો અભ્યાસ અત્યંત જરૂરી છે.

ઔષધનિર્માણ ઉદ્યોગ : આ ઉદ્યોગનો વિકાસ ભારતને આઝાદી મળી તે પછી જ થયો, કારણ આ સમય પછી જ ફાર્મસી-ક્ષેત્રના નિષ્ણાતોની ઉપલબ્ધિ શક્ય બની. 1960થી 1970ના અરસામાં ઔષધયોગ બનાવવામાં સારો એવો વિકાસ થયો અને આ ક્ષેત્રમાં ભારત લગભગ પગભર બની ગયો છે તેમ કહી શકાય.

ઔષધયોગક્ષેત્રે ભારતમાં લગભગ 20,000 કંપની કાર્ય કરી રહી છે, એમાં 750 જેટલી મોટી કંપનીઓ છે જ્યારે બાકીની લઘુ ઉદ્યોગ ક્ષેત્રની કે લોન-લાયસન્સ ધરાવતી (માન્ય કંપનીમાં પોતાની જરૂરિયાતના ઔષધયોગ બનાવડાવી લેતી) કંપનીઓ છે. 70 જેટલી ખાનગી કંપનીઓ સંશોધન અને વિકાસ માટેના વિભાગો પણ ધરાવે છે અને આ દિશામાં લગભગ 50 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરે છે. 20 જેટલી સરકારી તેમજ 70 જેટલી ખાનગી કંપનીઓ અદ્યતન સગવડ ધરાવતી પ્રયોગશાળાઓ પણ ધરાવે છે.

1998-99ના આંકડા મુજબ 13,878 કરોડ રૂપિયાથી વધારે કિંમતના ઔષધયોગ તેમજ 3148 કરોડ રૂપિયાથી વધારે કિંમતનાં સ્થૂળ ઔષધો (bulk drugs) ભારતમાં તૈયાર થાય છે. 2001-2002ના વર્ષમાં નિકાસ 9943 કરોડ રૂપિયાની થઈ હતી. 1980ના વર્ષની સરખામણીમાં આ આંકડો અનેકગણો થવા જાય છે.

આ ઉદ્યોગમાં નવ લાખથી વધુ માણસો રોકાયેલા છે; એમાંના 2,52,000 તકનીકી લાયકાત ધરાવે છે. આમાં ફાર્મસિસ્ટ તરીકે 15,000 વ્યક્તિઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં સેવા આપે છે. તે પૈકી 10,000 ઔષધોના ઉત્પાદનમાં, 1,000 ગુણવત્તા-ચકાસણી(quality control-QC)માં, 2,000 સંશોધન અને વિકાસક્ષેત્રે અને બાકીના માણસો વ્યવસ્થાપન અને વેચાણક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે.

વર્ષોથી વપરાતાં સામાન્ય ઔષધયોગો(કૅપ્સ્યૂલ, ટીકડી, મલમ વગેરે)ને સ્થાને ઔષધ આપવાની નૂતન પદ્ધતિઓ અમલમાં આવી રહી છે. દર્દીની ઔષધ અંગેની જરૂરિયાત પૂરી પાડવા ઉપરાંત તે વધુ અસરકારક પણ હશે જ. સામાન્ય રીતે ઔષધયોગ તૈયાર થઈ ગયા પછી તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે. હાલમાં કૉમ્પ્યૂટર ઉપયોગમાં આવતાં ઔષધયોગ બનાવવાની ક્રિયા દરમિયાન તેની ગુણવત્તાની ચકાસણી સી. આઇ. એમ. (computer integrated monitoring) દ્વારા થતી રહેશે અને પી. એલ. સી. (programmed logic controllers) દ્વારા આ પ્રક્રિયા ઝડપી બનશે. ઔષધોની ઊંચી ગુણવત્તા એસ. પી. સી.(statistical process control)ની મદદથી જાળવી શકાશે. આમ ફાર્મસી-વ્યવસાય સતત વિકાસ પામતો વ્યવસાય છે અને આ માટેની સજ્જતા ધરાવનાર ફાર્મસિસ્ટ તૈયાર કરવાનો પડકાર ફાર્મસી-શિક્ષણક્ષેત્રે ઝીલવો પડશે.

ભાનુબહેન ત્રિવેદી