ઔષધચિકિત્સા, યકૃતના રોગોમાં : યકૃત(liver)ના રોગોમાં દવા વડે યકૃત તથા અન્ય અવયવોના રોગોની સારવાર. યકૃતના રોગોની સારવારના મુખ્ય સિદ્ધાંતોમાં સુનિશ્ચિત નિદાન, દર્દીનું આરોગ્યશિક્ષણ, વ્યક્તિગત જરૂરિયાત મુજબ સારવારનું આયોજન, ખોરાકમાં તૈલી પદાર્થો, પ્રોટીન તથા સોડિયમના પ્રમાણ અંગે જરૂરી ફેરફારો, શક્ય એટલાં ઓછાં ઔષધોનો ઉપયોગ વગેરે ગણી શકાય. યકૃતરોગના દર્દીને દારૂ પીવાનું બંધ કરવા સૂચવાય છે. યકૃતના વિષાણુજન્ય કે જીવાણુજન્ય ઉગ્ર ચેપથી થતા યકૃતશોથ(hepatitis)માં શારીરિક આરામ, પૂરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને જરૂર જેટલાં જલદ્રાવ્ય વિટામિનો અપાય છે. દર્દીને કબજિયાત ન રહે તે જોવાય છે. આંતરડાંમાં પૂરતા પ્રમાણમાં પિત્ત પહોંચતું ન હોય તો તૈલી પદાર્થો ન લેવા સૂચવવામાં આવે છે. યકૃત-કોષોની નિષ્ફળતા થઈ હોય અને તેથી બેભાન અવસ્થા કે અન્ય ચેતાતંત્રીય અસ્વસ્થતા જોવા મળે તો પ્રોટીનના પ્રમાણમાં ઘટાડો કે સંપૂર્ણપણે તે બંધ કરવાની સૂચના અપાય છે. દીર્ઘકાલી યકૃતકોષીય નિષ્ફળતા (chronic liver cell failure) થાય એવા યકૃતકાઠિન્ય(cirrhosis)ના દર્દીમાં જળોદર (ascites) અને સોજાની સારવાર સમયે પ્રોટીન અને ખાસ કરીને નસ વાટે આલ્બ્યુમિન આપવાનું પણ ક્યારેક સૂચવાય છે. યકૃતરોગથી થતી બેભાન અવસ્થાના દર્દીમાં નિયોમાયસીન, લેક્ચ્યુલોઝ તથા લીવોડોપા જેવાં ઔષધોનો ઉપયોગ જરૂરી બને છે. પિત્તમાર્ગના અવરોધથી થતી વિટામિન-કેની ઊણપથી જો રુધિરગઠનમાં વિકાર ઉદભવે તો વિટામિન-કે આપીને તે રુધિરગઠન-ઘટકો(coagulation factors) ફરીથી ઉત્પન્ન કરવામાં આવે છે. આવા સમયે જો લોહીની ઊલટીઓ થાય તો વાઝોપ્રેસીનનો ઉપયોગ કરાય છે. જીવાણુજન્ય (bacterial) કે અમીબાજન્ય યકૃતરોગમાં વિશિષ્ટ ઔષધોની સારવાર અપાય છે. (જુઓ અમીબાજન્ય રોગ.) દીર્ઘકાલી યકૃતશોથના કેટલાક દર્દીઓમાં કોર્ટિકોસ્ટીરૉઇડનો ઉપયોગ જરૂરી બને છે. પિત્તમાર્ગનો અવરોધ જો પથરીને કારણે થયો હોય તો શસ્ત્રક્રિયા અથવા પથરીભંજન (lithotripsy) વડે તે અવરોધ દૂર કરાય છે. યકૃતના જુદા જુદા રોગોમાં તેમની સારવાર ચર્ચવામાં આવેલી છે.
સારણી 1 : કેટલીક દવાઓનું યકૃતશોધન | |
(ક) વધુ યકૃતશોધન : | |
ડેક્સ્ટ્રૉપ્રોપૉક્સિફેન, પેન્ટાઝૉસિન, લાબેટોલ,
લિગ્નૉકેઇન, પ્રોપેનોલોલ, પૅથેડિન, મૉર્ફિન |
|
(ખ) ઓછું યકૃતશોધન-પ્રોટીનબંધન સંબંધિત : | |
ફેનિટોઇન, ડાયઝેપામ, વૉરફેરિન, ક્લૉરપ્રોમેઝિન,
ક્લિન્ડામાયસીન, ક્વિનિડિન, ડિજૉક્સિન |
|
(ગ) ઓછું યકૃતશોધન-પ્રોટીનબંધન અસંબંધિત : | |
થિયૉફાયલિન, હેક્સોબાર્બિટોન, એમાયલબાર્બિટોન,
ઍન્ટિપાયરીન, ક્લૉરેમ્ફેનિકોલ, પેરાસિટેમૉલ, થાયૉપૅન્ટોલ |
યકૃતના વિકારોવાળા દર્દીમાં અન્ય રોગોની સારવાર કરતી વખતે પણ ધ્યાન રાખવું પડે છે કેમ કે ઘણાં ઔષધોની યકૃત દ્વારા જ વિષરહિતતા (detoxification) અથવા ઉત્સર્ગક્રિયા (excretion) થાય છે. યકૃતના વિકારોમાં તેનું રુધિરાભિસરણ, આલ્બ્યુમિનનું ઉત્પાદન, યકૃતકોષોની સંખ્યા અને કાર્ય તથા પિત્તનું ઉત્પાદન અને વહન વિષમ (abnormal) બને છે. જ્યારે આલ્બ્યુમિનનું પ્રમાણ ઘટે ત્યારે હાઇડેન્ટિન, વૉરફેરિન અને પ્રેડનિસોલોન જેવી દવાઓનું પ્રોટીન સાથેનું બંધન ઘટે છે. વળી તે સમયે યકૃતમાંનું લોહીનું વહન ઘટેલું હોય તો લોહીમાંથી આ દવાઓનું પ્રમાણ ઘટાડવાની પ્રક્રિયા ઘટે છે અને તેથી તેમની અસરો/આડઅસરો વધી જાય છે. યકૃત દ્વારા દવાઓને લોહીમાંથી દૂર કરવાની ક્રિયાને યકૃત-શોધન (clearance) કહે છે. સારણી 1માં યકૃત શોધન દ્વારા ઉત્સર્ગક્રિયા કરીને શરીરમાંથી દૂર કરાતી દવાઓની યાદી આપી છે. વધુ પ્રમાણમાં શોધન દ્વારા દૂર કરાતી દવાઓ તથા વધુ પ્રમાણમાં પ્રોટીનબંધન ધરાવતી દવાઓ યકૃતરોગના દર્દીને આપવાની હોય તો, તેમની માત્રામાં ઘટાડો કરવો પડે છે. સારણી 2માં યકૃતના વિકારવાળા દર્દીમાં વિવિધ દવાઓની અસરો જણાવી છે. દવાઓ ક્યારેક યકૃતમાં વિકાર ઉત્પન્ન કરે છે.
સારણી 2 : યકૃતવિકારવાળા દર્દીઓમાં કેટલીક દવાઓની અસર
દવા | યકૃતવિકારની
તીવ્રતા વધે |
દવાની ઝેરી
અસર વધે |
મૉર્ફિન | હા | – |
બાર્બિટ્યુરેટ | હા | – |
ક્લૉરપ્રોમેઝિન | હા | – |
મૂત્રવર્ધકો | હા | – |
મુખમાર્ગી રુધિરગઠનરોધકો | – | હા |
મધુપ્રમેહનાં મુખમાર્ગી ઔષધો | – | હા |
થિયૉફાયલિન | – | હા |
ક્લૉરેમ્ફેનિકોલ | હા (નવજાત શિશુમાં) | હા |
પાયરીઝીનેમાઇડ | હા | – |
રિફામ્પિસીન | હા | – |
આયસોનિયાઝીડ | હા | – |
અર્ગોટેમાઇન | હા | – |
ફેનિટૉઇન | – | – |
લિગ્નોકેઇન | – | હા |
ટ્યૂબોક્યુરારિન | હા | – |
આવો વિકાર યકૃતકોષીય (hepatocellular), ઝેરી પિત્તસ્થાપી (cholestatic), ગ્રંથિ-અર્બુદકારી અથવા ગ્રંથિ-ગાંઠ (adenoma) કરનારો અથવા યકૃતકાઠિન્ય કરનારો હોય છે. (જુઓ સારણી 3.) ક્ષયના દર્દીને અપાતી દવાઓમાંથી સ્ટ્રૅપ્ટોમાઇસિન અને ઇથેમબ્યુટોલ સિવાયની મોટાભાગની દવાઓ યકૃતનો વિકાર સર્જી શકે છે. આયસોનિયાઝાઇડના ધીમા અને ઝડપી પ્રક્રિયક દર્દીઓમાં તેની ઝેરી અસર જુદા જુદા પ્રમાણમાં હોય છે; તેમ છતાં 35 વર્ષથી વધુ વયના દર્દીઓમાં તેનું પ્રમાણ વધુ હોય છે. કેટલીક ઍન્ટિબાયૉટિક દવાઓની પણ યકૃત પર વિકારલક્ષી અસરો થાય છે (સારણી 4). તેથી યકૃતવિકારવાળા કોઈ પણ દર્દીને દવા આપતાં પહેલાં તેના લાભ-જોખમનું ગુણોત્તરપ્રમાણ (ratio) જાણવું જરૂરી હોય છે. તેવા દર્દીને શક્ય હોય તો યકૃતવિષાક્તતા (liver toxicity) ન કરતી દવા, મૂત્રપિંડ દ્વારા દૂર કરાતી દવા, મગજના કાર્યને મંદ ન કરતી દવા અપાય છે. તેની શરૂઆતની માત્રા ઓછી રખાય છે અને શક્ય હોય તો લોહીમાંનું તેનું પ્રમાણ વખતોવખત નિશ્ચિત કરાય છે.
સારણી 3 : કેટલાંક ઔષધોથી થતા યકૃતના વિકારો
વર્ગીકરણ | યકૃતવિકારનો પ્રકાર | દવાઓ | |
1. | યકૃતકોષીય વિકાર | (ક) ઉગ્ર યકૃતશોથ
(acute hepatitis) જેવો
(ખ) દીર્ઘકાલી (chronic) યકૃતશોથ જેવો |
હેલોથેન,
આઇસોનિયાઝીડ, પૅરાસિટેમૉલ, રિફામ્પિસીન, પાયરીઝિનેમાઇડ, સેલિસિલેટ્સ, મિથાયલ ડોપા, ઑક્સિફિનેસેટિન |
2. | પિત્તસ્થાપી
(cholestatic) વિકાર |
પિત્તમાર્ગરોધજન્ય
(obstructive) કમળો |
ઍરિથ્રોમાયસિન
ઇસ્ટૉલિયેટ, ક્લૉરપ્રોમેઝિન, એનાબૉલિક સ્ટીરૉઇડ, મુખમાર્ગી ગર્ભનિરોધક દવાઓ. |
3. | મિશ્ર વિકાર | યકૃતશોથ
પિત્તમાર્ગરોધ |
સલ્ફોનેમાઇડ,
પેરાઍમિનો સેલિસિક ઍસિડ, મિથાયલ ડોપા |
4. | ઉગ્ર
વિષાક્તતાજન્ય વિકાર |
મેદયુક્ત યકૃત
(fatty liver) |
ટેટ્રાસાઇક્લિન |
5. | યકૃતકાઠિન્ય-
સમવિકાર |
યકૃતકાઠિન્ય | મિથોટ્રેકઝેટ |
6. | ગ્રંથિ-અર્બુદ | ગ્રંથિઅર્બુદ | મુખમાર્ગી
ગર્ભનિરોધક ગોળીઓ |
સારણી 4 : યકૃતવિકારવાળા દર્દીઓમાં કેટલાંક ઍન્ટિબાયૉટિકની અસરો | ||||
વિશિષ્ટ સંજોગ | ઍન્ટિબાયૉટિક | શારીરિક પ્રક્રિયા | અસર | |
1 | 2 | 3 | 4 | |
નવજાત શિશુ | ક્લૉરેમ્ફેનિકોલ
નેલિડિક્સિક ઍસિડ
સલ્ફા, કૉટ્રાઇમેક્સોઝોલ |
અપૂરતું
યકૃતશોધન
’’
બિલીરુબિનનું વિસ્થાપન |
ગ્રે(grey)નું
મૃત્યુકારક સંલક્ષણ અંત:કર્પરી અતિદાબ (increased Intracranial tension) કર્નિક્ટરસ
|
|
1 | 2 | 3 | 4 | |
યકૃતકાઠિન્ય,
દીર્ઘકાલીન યકૃતશોથ તથા પિત્તમાર્ગીય અવરોધ
અતિમાત્રા |
ક્લૉરેમ્ફેનિકોલ
ટેટ્રાસાઇક્લિન, ઍરિથ્રોમાયસિન, સ્ટ્રૅપ્ટોમાઇસિન, લિંકોમાયસિન, રિફામ્પિસીન,
ટેટ્રાસાઇક્લિન, ઍરિથ્રોમાયસિન એસ્ટ્રિયોલેટ |
અપૂરતું
યકૃતશોધન
અપૂરતું યકૃતશોધન તથા પિત્તમાર્ગીય ઉત્સર્ગક્રિયામાં ઘટાડો અપૂરતું યકૃતશોધન |
લોહીના કોષો
બનવામાં ઘટાડો
યકૃતીય અને અન્ય ઝેરી અસરોમાં વધારો
યકૃતવિકાર |
શિલીન નં. શુક્લ
નવીન કે. પરીખ