ઔદ્યોગિક માલવાહક (આંતરિક) : કારખાનામાં કે રેલવે પ્લૅટ્ફૉર્મ ઉપર માલસામાનની હેરફેર કરવા માટે વપરાતું યાંત્રિક સાધન. બધા જ પ્રકારની ટ્રકને ચાલવાની સપાટી સાથે સંપર્ક રહે છે, અને જુદા જુદા પથ પર તે ગતિ કરતી હોય છે. ટ્રકને બે કે વધુ પૈડાં હોય છે. પૈડાં તરીકે પોલાદના રોલર, સ્થાયી કે ઘૂમતા કેસ્ટર્સ, ઘન કે હવા ભરાય તેવાં અર્ધપોલાં રબરનાં પૈડાં કે વધુ વજન ખેંચવા માટે રબરનાં ટાયરનાં પૈડાં વપરાય છે. પૈડાંમાં સાદું બુશ-બેરિંગ અથવા ઘર્ષણનો પ્રતિરોધ કરતાં બેરિંગ (બૉલબેરિંગ – વગેરે) વપરાય છે.
ટ્રકના મુખ્ય બે પ્રકાર છે : (i) હાથથી ચાલતી ટ્રક અને (ii) યાંત્રિક રીતે ચાલતી ટ્રક. હાથ ટ્રકને ખેંચીને કે ધક્કો મારીને ગતિ આપવામાં આવે છે, જ્યારે અમુક ટ્રકને રેલગાડીના ડબાની માફક જોડીને ખેંચવામાં આવે છે. ઉદ્યોગમાં સામાન્ય રીતે પ્લૅટ્ફૉર્મવાળી ટ્રક વપરાય છે; તેની પર દરવાજાવાળી કે દરવાજા વિનાની દીવાલ તથા અભરાઈવાળા ઘોડા હોય છે, તેથી તેની ઉપયોગિતા અને સુવિધામાં વધારો થાય છે.
યંત્રશક્તિથી ચાલતી ટ્રક યાંત્રિક ટ્રક કહેવાય છે. તેનાથી માલ-પરિવહન અને તેને લગતું કાર્ય સક્ષમ રીતે થઈ શકતું હોવાથી તેના ઉપયોગનો વ્યાપ ઘણો વધ્યો છે. શક્તિના સ્રોત તરીકે વિદ્યુતસંગ્રાહક બૅટરી, પેટ્રોલ અને ડિઝલ એન્જિન અને આધુનિક પદ્ધતિમાં કુદરતી વાયુથી ચાલતાં એન્જિન હોય છે. ‘સ્કીડ અને પેલેટ’ની સંરચના દ્વારા, પરિવહનની પદ્ધતિ વડે ટ્રકની બનાવટ અને તેના ઉપયોગમાં ક્રાંતિ આવેલી છે. તેના વડે સામાન ઊંચકવાનું, સ્થળાંતર કરવાનું અને ગોઠવવાનું કાર્ય, ટ્રક સ્વયં કરે છે. શરૂઆતમાં ટ્રકને નિયંત્રિત કરનાર વ્યક્તિ તેને દોરતી હોવાથી તે ‘વૉકી’ તરીકે ઓળખાતી. હવે વ્યક્તિ તેમાં સવારી કરતી હોવા છતાં તે જ નામે ઓળખાય છે. હાલમાં જમીન ઉપર અથવા જમીનમાં પાથરેલા તારથી નિયંત્રિત વીજાણુ ટ્રક વપરાવા લાગી છે. બોજા(load)ને સપાટીથી થોડો જ ઉઠાવે તેવી ટ્રક પણ હોય છે, જેમાં ઉચ્ચાલન અથવા દ્રવચાલિત પ્રણાલી(hydraulic system)નો ઉપયોગ કરવામાં આવે છે. આ યોજનામાં પમ્પ, ટાંકીમાંથી તેલને ચૂસીને નિયંત્રિત વાલ્વ દ્વારા દબાણ ઉત્પન્ન કરી પિસ્ટનને ધકેલીને કાર્ય કરે છે. ચલાવનાર વ્યક્તિ ઉચ્ચાલનની મદદથી વાલ્વનું નિયંત્રણ કરે છે.
ફૉર્ક લિફ્ટ ટ્રક : આ યાંત્રિક ટ્રક છે અને તેના છેડે ‘ફૉર્ક’-ચીપિયો હોય છે; તે ઉપરનીચે થાય છે અને બોજાને ઊંચકે છે. ‘ફૉર્ક’ને ઉપરનીચે ઉઠાવવાનું અને તેના સ્તંભને આગળ-પાછળ નમાવવાનું કાર્ય દ્રવચાલિત યોજનાથી થતું હોય છે.
ટ્રકનું સંતુલન જાળવવા માટે આગળ અને પાછળનાં પૈડાંની ધરી વચ્ચેનું અંતર વધારીને તેના પર સંતુલન-વજન મૂકવામાં આવે છે. દરેક ‘ફૉર્ક’ ટ્રક માટે બોજાના પ્રમાણનો આંક નક્કી હોય છે. બોજકેન્દ્ર(ગુરુત્વાકર્ષણબિંદુ)થી સ્તંભની ઊભી સપાટી સુધીનું અંતર, નિર્દિષ્ટ માપ જેટલું હોય ત્યારે ટ્રક વધુમાં વધુ જેટલા કિલોગ્રામ બોજ લઈ જઈ શકે, તેને બોજાનો આંક કહે છે. જુદી જુદી ક્ષમતાવાળા ફૉર્ક લિફ્ટ ટ્રકમાં બોજાનું કેન્દ્ર જુદું જુદું હોય છે; જેમ કે 1,000 કિગ્રા. માટે 37.5 સેમી., 1,000થી 5,000 કિગ્રા. માટે 60 સેમી. 5,000થી 10,000 કિગ્રા. માટે 90 સેમી. નિર્દિષ્ટ કરવામાં આવેલ છે. ફૉર્ક લિફ્ટ ટ્રકની બનાવટમાં અંતર્દહન એન્જિન સાથે, ઘર્ષણ ક્લચની જગાએ બળ-ધૂર્ણ પરિવર્તક (ટૉર્ક-કન્વર્ટર) એન્જિનના ધુમાડાના વાયુથી સંપૂર્ણ રક્ષણ આપવાની વ્યવસ્થા અને આગળ જોવાની સુવિધા રહે તેવા સ્તંભની રચના થતાં તેનું આધુનિક સ્વરૂપ વિકસેલું છે.
સંકર્ષિત–અનુયાન (ટ્રૅક્ટર, ટ્રેલર) : પાટા વિનાની નૅરોગેજ ટ્રેન એ ટ્રૅક્ટર-ટ્રેલર છે. તેના ચાલવાનો પથ સુનિશ્ર્ચિત હોતો નથી. ત્રણ કે ચાર પૈડાંવાળું ટ્રૅક્ટર વિદ્યુત કે અંતર્દહન એન્જિનથી ચાલે છે. ટ્રૅક્ટરને બરાબર અનુસરી શકે તે માટે ટ્રેલરમાં કૅસ્ટર પૈડાંની યોજના વપરાય છે, જેની મદદથી ચારે પૈડાંને યોગ્ય વળાંક આપી શકાય છે. કેટલીકવાર ભારે વજન માટે પાંચ પૈડાંની પ્રયુક્તિ પણ હોય છે.
ન. ધ. શેઠ