ઓ’ હેન્રી (જ. 11 સપ્ટેમ્બર 1862, ગ્રીન્સબરો, નૉર્થ કૅરોલિના, યુ.એસ.; અ. 5 જૂન 1910, ન્યૂયૉર્ક) : વિખ્યાત અમેરિકન વાર્તાકાર. મૂળ નામ વિલિયમ સિડની પૉર્ટર. કાકીની શાળામાં શિક્ષણ લઈને નોકરીની શરૂઆત કાકાની દવાની દુકાનમાં કારકુનીથી કરી. 1882માં મિત્રો તેમને ટૅક્સાસ લઈ ગયા, ત્યાં ‘રેડ’ હૉલ નામના વિખ્યાત ક્ષેત્રપાલ(ranger captain)ના ચરિયાણમાં બુલંદ અને ભરીભરી જિંદગીનો અનુભવ મળ્યો. બે વર્ષમાં ચરિયાણ છોડીને પૉર્ટર ઑસ્ટિન ગયો અને થોડોક વખત લૅન્ડ ઑફિસમાં કામ કર્યા પછી ફર્સ્ટ નૅશનલ બૅન્કમાં ટેલર તરીકે જોડાયા. 1887માં એથૉલ ઍસ્ટિસ સાથે લગ્ન કર્યા. પછી વર્તમાનપત્રોમાં વિનોદી વ્યક્તિચિત્રો લખવાનો આરંભ કર્યો અને 1894માં ‘ધ રોલિંગ સ્ટૉન’ નામનું ઠઠ્ઠાચિત્રનું સાપ્તાહિક શરૂ કર્યું. આ સાહસ પણ આર્થિક રીતે નિષ્ફળ ગયું એટલે હ્યૂસ્ટન જઈને ‘પોસ્ટ’ નામના દૈનિક માટે કટારલેખક અને કાર્ટૂનિસ્ટ થઈને ગુજારો ચલાવ્યો.
1896માં તેમની ઉપર બૅન્કનાં નાણાંની ઉચાપતનો આરોપ મૂકવામાં આવ્યો. એ દિવસોમાં ટૅક્સાસના કાયદાઓમાં નાની નાની ક્ષતિઓ હતી, એનો ગેરલાભ એમણે લીધેલો. એમાંથી બચવા મિત્રોની મદદથી તે હૉન્ડૂરાસ નાસી છૂટ્યા. એમનું ચાલ્યું હોત તો હૉન્ડૂરાસની અદભુત સૌંદર્યશ્રીના વશીકરણથી એ ત્યાં જ રહી પડ્યા હોત. પરંતુ તેમની પત્નીની ગંભીર માંદગીને કારણે પૉર્ટરને ઑસ્ટિન પાછા ફરવું પડ્યું. સત્તાવાળાઓના સાણસામાંથી હવે એ છટકી શકે તેમ ન હતા, તેમ છતાં તેમની પત્નીના મૃત્યુ સુધી તેમને છૂટા રહેવા દીધા. એથૉલના અવસાન પછી રાજ્યના કેદી તરીકે ઓહાયોની કોલમ્બસ પેનિટેન્શિયરીમાં રાખવામાં આવ્યા. આ દરમિયાન તેમની નાની દીકરી તેનાં દાદા-દાદી પાસે રહેતી હતી. એ દીકરી માટે પૈસા મોકલવાની જરૂરિયાતને કારણે એમણે લખવા માંડ્યું. લગભગ સવાત્રણ વર્ષે વિલિયમ પૉર્ટરનો છુટકારો થયો અને એ બહાર આવેલા માણસનું ઓ’ હેન્રીમાં નામાન્તર થયું.
1902થી 1910નો ગાળો એ ઓ’ હેન્રીનો લેખનકાળ છે. 1902માં ન્યૂયૉર્ક આવીને ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ માટે દર અઠવાડિયે એક વાર્તા લખવા માંડી અને બીજાં છાપાંની રવિવારની પૂર્તિઓમાં પણ ઓ’ હેન્રીએ દેખાવા માંડ્યું. લૅટિન અમેરિકાને પાર્શ્વભૂમિમાં રાખીને લખાયેલી તેમની પ્રથમ કૃતિ ‘કેબેજિઝ ઍન્ડ કિંઝા’ 1904માં પ્રગટ થઈ. ન્યૂયૉર્કના માનવમહેરામણના રોજિંદા જીવનની રંગદર્શિતા અને સાહસની સુંદર કથા ‘ધ ફૉર મિલિયન’ (1906), ‘ધ ટ્રિમ્ડ લૅમ્પ’ (1907), ‘હાર્ટ ઑવ્ ધ વેસ્ટ’ (1907), ‘ધ વૉઇસ ઑવ્ ધ સિટી’ (1908), ‘ધ જેન્ટલ ગ્રાફ્ટર’ (1908), ‘રોડ્ઝ ઑવ્ ડેસ્ટિની’ (1909), ‘ઑપ્શન્સ’ (1909), ‘સ્ટ્રિક્ટલી બિઝનેસ’ (1910), ‘વર્લીગિઝ’ (1910) જેવી કૃતિઓ આવતી રહી.
1910માં ઓ’ હેન્રીનું મૃત્યુ થયું તે પછી પણ તેમના સંચયોનો અસ્ખલિત પ્રવાહ ચાલુ રહ્યો. ‘સિક્સીઝ ઍન્ડ સેવન્સ’ (1911), ‘રોલિંગ સ્ટોન્સ’ (1912), ‘વેઇફસ ઍન્ડ સ્ટ્રેટ્ઝ’ (1917) અને ‘ઓ હેનિયાના’ (1920), મૈબલ વેગ્નોલ્સ સાથેનો તેમનો પત્રવ્યવહાર અને ‘લેટર્સ ટુ લિથોપોલિસ’ (1922) જેવી કૃતિઓ પ્રગટતી રહી અને હેન્રીનું નામ લીલું રાખતી રહી.
અમેરિકાની લઘુકથાઓ ઉપર ઓ’ હેન્રીની નિશ્ચિત મુદ્રા અંકાયેલી છે અને તેમનું અનુકરણ કરનારા પણ ઘણા છે. તેમ છતાં ગામઠી બોલીનો વધારે પડતો ઉપયોગ; પ્રાસંગિક વિદૂષકવેડા ને એકસરખા બનાવો વારંવાર આવવાને કારણે તેનું સબળ કથાવસ્તુ પણ કૃતક લાગે છે. સંજોગો જ બળવાન છે એવું ઓ’ હેન્રીનું વલણ એમની કૃતિઓમાં દેખાય છે; પરંતુ ટૅક્સાસ અને ન્યૂયૉર્કનાં તેમનાં ચિત્રણો મૂલ્યવાન સામાજિક દસ્તાવેજ જેવાં છે. ‘ઓ’ હેન્રી એનકોર’ (1939) તેમની વાર્તાઓનો સંગ્રહ છે.
જયન્ત પંડ્યા