ઓહાયો : ઉત્તર અમેરિકામાં આવેલાં યુ.એસ.નાં પચાસ રાજ્યો પૈકીનું ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતું રાજ્ય. ઓહાયો નામ ‘ઇરોક્વા’ શબ્દ ઉપરથી પડ્યું અને તેનો અર્થ સુંદર થાય છે. તે 380 27′ અને 410 58′ ઉ. અ. અને 800 32′ થી 890 49′ પશ્ચિમ રેખાંશની વચ્ચે આવેલું છે.
તેની પૂર્વે એપેલેશિયન ગિરિમાળાનો છેડો પેન્સિલવેનિયા અને પશ્ચિમ વર્જિનિયા, પશ્ચિમે ઇન્ડિયાના રાજ્ય, ઉત્તરે મિશિગન અને ઇરી સરોવર તથા દક્ષિણે કેન્ટુકી રાજ્ય છે. ઓહાયો નદી પશ્ચિમ વર્જિનિયા અને કેન્ટુકીની દક્ષિણ સરહદે વહે છે. તેનું ક્ષેત્રફળ 1,07,042 ચોકિમી. છે. સંયુક્ત રાજ્યોના વાયવ્ય વિસ્તારમાંથી ઓહાયો રાજ્યની રચના સર્વપ્રથમ કરાઈ ત્યારે તે તેનું સત્તરમું રાજ્ય બન્યું હતું.
એપેલેશિયન ઉચ્ચપ્રદેશ અને મધ્યસ્થ મેદાન એવા તેના બે કુદરતી વિભાગો છે. પેલિયોઝોઇક યુગના ખડકો અહીં પ્રથમ વિભાગમાં જોવા મળે છે, જ્યારે પશ્ચિમ ઓહાયોમાં જૂના કાંપના થરો અને પૂર્વ ભાગમાં નવા કાંપના થરો જોવા મળે છે. ઇરી સરોવરના કિનારાઓ તથા વાયવ્ય તરફનો પ્રદેશ સપાટ છે. 10,000 વર્ષ પૂર્વે અહીં હિમનદીઓ વહેતી હતી. દક્ષિણ અને અગ્નિખૂણાવાળો તેનો વિસ્તાર તથા એપેલેશિયન ઉચ્ચપ્રદેશ હિમનદીઓની અસરથી મુક્ત છે. આ બંને વિભાગ વચ્ચે લેકસિંગટનનું મેદાન છે. મધ્યસ્થ મેદાનના ગ્રેટલેકનું મેદાન અને ટીલનું મેદાન એવા બે પેટાવિભાગો છે. ટીલનું મેદાન હિમનદીઓ દ્વારા ઘસડી લવાયેલ માટી, રેતી અને કંકરોનું બનેલું છે. એપેલેશિયન ઉચ્ચ પ્રદેશ ટેકરી અને ખીણોનો પ્રદેશ છે. ઉત્તર અને પશ્ચિમ ઓહાયોની જમીન ફળદ્રૂપ છે, જ્યારે ઈશાન અને મધ્ય ઓહાયોની જમીન ચરિયાણ કે બીડ તરીકે સારી છે. એપેલેશિયન ટેકરીઓવાળો વિસ્તાર ઓછો ફળદ્રૂપ છે.
ઓહાયો સમુદ્રથી દૂર હોવાને કારણે ખંડસ્થ આબોહવા ધરાવે છે. ઉત્તર અને વાયવ્ય ખૂણાના ઉત્તર ધ્રુવ તરફથી વાતા પવનો ખૂબ ઠંડા અને સૂકા હોય છે, જ્યારે મેક્સિકોના અખાત ઉપરથી વાતા પવનો ભેજવાળા ઉષ્ણ હોય છે. આ બંને પ્રવાહોના મિલનને કારણે આબોહવામાં અવારનવાર ફેરફાર થતા જોવામાં આવે છે અને તે કારણે 945 મિમી. વરસાદ પડે છે. સરેરાશ તાપમાન પૉર્ટ સ્મિથમાં 130 સે. અને ઈશાને આવેલ ડોરસેટમાં 80 સે. હોય છે. બીજી રીતે જોઈએ તો જાન્યુઆરીમાં -20 સે. અને જુલાઈમાં 230 સે. તાપમાન જોવા મળે છે. ખેતીની મોસમ 140થી 200 દિવસની છે.
કાંટાવાળાં અને મોટાં પાનવાળાં મૅગ્નોલિયા, ડૉગવુડ, આરબુટુસ, હોથૉર્ન, હેઝલ તથા પપાવ (papav) વૃક્ષો ધરાવતાં જંગલો છે. જંગલોનો મોટો ભાગ કપાઈ ગયો છે અને તેથી વિપરીત અસર થઈ છે. આ કારણે વનીકરણનો કાર્યક્રમ મોટા પાયા ઉપર હાથ ધરાયો છે. અગાઉ જંગલોમાં ઓક, મેપલ, હીકોની, વૉલ્નટ, એલ્મ જેવા પોચું અને સખત લાકડું આપતાં વૃક્ષો હતાં. રાજ્યના ચોથા ભાગમાં 25 લાખ હેક્ટરમાં જંગલો આવેલાં છે.
કોલસો, તેલ, ગૅસ, ચૂના ખડકો રેતી ખડકો, માટી, શેલ, ચિરોડી, પીટ (કનિષ્ઠ કોલસો) અને કેટલાક ક્ષારો મહત્વનાં ખનિજો છે.
અહીં સમશીતોષ્ણ કટિબંધમાં થતા પાકો લેવાય છે. મકાઈ, ઘઉં, ઓટ, સોયાબીન, તમાકુ, ઘાસ, ફળો, શાકભાજી વગેરે ઉગાડાય છે. ગ્રીનહાઉસ દ્વારા કૃત્રિમ ગરમીથી શાકભાજી ખૂબ મોટા પ્રમાણમાં ઉગાડાય છે. રાજ્યના 60 % વિસ્તારમાં ખેતી થાય છે. ટેકરીઓવાળા પ્રદેશવાળા ચરિયાણની સગવડ હોવાથી ઢોર, ભુંડ વગેરે ઉછેરાય છે. ઇરી સરોવર મત્સ્યઉદ્યોગ માટે જાણીતું છે. ડેરી અને મરઘાં ઉછેરવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે.
ઉદ્યોગો માટેની વિદ્યુતશક્તિ કોલસાના ઉપયોગથી મેળવાય છે. જળવિદ્યુતનો ફાળો ખાસ નથી. આ ઉપરાંત બે અણુમથકો વીજળી ઉત્પન્ન કરે છે.
આ રાજ્યની કુલ વસ્તી 1,17,94,448 (2020) જેટલી છે. વસ્તીગીચતા 1 ચોકિમી.એ 103 છે. અગિયાર લાખ લોકો ઉદ્યોગોમાં રોકાયેલા છે. કૅલિફૉર્નિયા, ન્યૂયૉર્ક અને ટૅક્સાસ પછી તેનું ચોથું સ્થાન છે. યંત્રો, વીજળીનાં સાધનો અને ધાતુઆધારિત ઉદ્યોગો ઉપરાંત રસાયણો, કાચ, કાગળ, સિમેન્ટ, સિરેમિક્સ, રબર અને પ્લાસ્ટિકનાં તથા ખાદ્ય વસ્તુઓ બનાવવાનાં તથા પેટ્રોલિયમ શુદ્ધ કરવાનાં અનેક કારખાનાં છે. વિમાનના અને મોટરના છૂટક ભાગો અને મશીનટૂલ પણ અહીં બને છે. અહીં પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસ્યો છે, જાહેર ઉદ્યાનો ઘણાં છે. ટેકરીવાળો એપેલેશિયનનો ઉચ્ચપ્રદેશ આ માટે જાણીતો છે.
અહીં 21,000 કિમી.ના રસ્તા અને 11,000 કિમી. રેલવે છે. જળવ્યવહાર ખૂબ મહત્વનો છે. ઇરી સરોવર ઉપર આઠ બંદરો છે. ઓહાયો નદી ઉપરનો ટ્રાફિક પનામાની નહેર કરતાં પણ વધારે છે. 352 વિમાનઘરો છે.
આ રાજ્યમાં 88 કાઉન્ટી છે. કોલમ્બિયા તેની રાજધાની છે. રાજ્યની સમૃદ્ધિથી આકર્ષાઈને 1950 બાદ ઘણા લોકોનો આ રાજ્યમાં ધસારો થયો છે. અમેરિકાના આઠ પ્રમુખો, થૉમસ આલ્વા એડિસન જેવા કલાકારો, રાઇટ બ્રધર્સ જેવા શોધકો વગેરેની આ જન્મભૂમિ છે.
શિવપ્રસાદ રાજગોર