ઓહલિન, બર્ટિલ

January, 2004

ઓહલિન, બર્ટિલ (જ. 23 એપ્રિલ 1899, કિલપાન, સ્વીડન; અ. 3 ઑગસ્ટ 1979, વાલાડાલીન, સ્વીડન) : 1977ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. વિખ્યાત સ્વીડિશ અર્થશાસ્ત્રી, આંતરરાષ્ટ્રીય ગતિશીલતાના (dynamics of trade) આધુનિક સિદ્ધાંતના પ્રવર્તક તથા સ્વીડનના રાજકીય નેતા. હાર્વર્ડમાં શિક્ષણ લઈને આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર લખેલા શોધપ્રબંધ પર સ્ટૉકહોમ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. 1925માં કૉપનહેગનમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1930માં સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં, તેમના ગુરુ હેકસરના અનુગામી તરીકે અર્થશાસ્ત્રના પ્રોફેસરના પદ પર નિમાયા. અર્થશાસ્ત્રમાં ‘સ્ટૉકહોમ સ્કૂલ’ તરીકે ઓળખાતી વિચારધારાના તેઓ પુરસ્કર્તા હતા.

બર્ટિલ ઓહલિન

1933માં તેમનો વિશ્વવિખ્યાત ગ્રંથ ‘ઇન્ટરરિજિયૉનલ ઍન્ડ ઇન્ટરનૅશનલ ટ્રેડ’ પ્રકાશિત થયો હતો. તેમાં તેમણે હેક્સરના આંતરરાષ્ટ્રીય વ્યાપારના મૂળ સિદ્ધાંતને વ્યાપક સ્વરૂપ આપ્યું છે. તે ‘હેક્સર-ઓહલિન સિદ્ધાંત’ તરીકે ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો તેમનો સિદ્ધાંત પ્રમાણભૂત ગણાય છે અને તેમના અનુગામીઓના સંશોધન માટે પાયારૂપ બન્યો છે. અર્થશાસ્ત્રી નટ વિક્સેલની રજૂઆતનો આધાર લઈને ઓહલિને સમગ્રલક્ષી આર્થિક નીતિનું સૈદ્ધાંતિક નિરૂપણ કર્યું તથા સમાજની કુલ માગના આર્થિક મહત્વ પર પ્રકાશ પાડ્યો.

સ્વીડનના રાજકારણમાં પણ તેઓ સક્રિય હતા. 1944-67 દરમિયાન તેઓ સ્વીડનની લિબરલ પાર્ટીના પ્રમુખ રહ્યા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન દેશની સરકારમાં તેમણે એક વર્ષ (1944-45) વાણિજ્ય-પ્રધાન તરીકે કાર્ય કરેલું.

અર્થશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન માટે 1977માં તેમને અર્થશાસ્ત્રી જેમ્સ મીડ સાથે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે