ઑંગ સાન [જ. 13 ફેબ્રુઆરી 1915, નાટમાઉક, મ્યાનમાર; અ. 19 જુલાઈ 1947, રંગૂન] : મ્યાનમારના સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રવાદી નેતા. 1866માં બ્રિટિશ સામ્રાજ્યે બ્રહ્મદેશ (હવે મ્યાનમાર) પર કબજો કર્યો તે પછી સ્વતંત્રતાની ઝંખના ધરાવતા સામ્રાજ્યવિરોધી કુટુંબમાં ઑંગ સાનનો જન્મ થયો જેથી રાષ્ટ્રવાદના સંસ્કાર ગળથૂથીથી મળ્યા. વિદ્યાર્થીકાળથી સ્વતંત્રતા-સંગ્રામમાં જોડાયા. રંગૂન યુનિવર્સિટીના વિદ્યાર્થીમંડળના મંત્રીપદેથી ફેબ્રુઆરી, 1936માં ઊનૂ સાથે વિદ્યાર્થીઓની દેશવ્યાપી હડતાલનું નેતૃત્વ લીધું. 1938માં સ્નાતક પદવી પ્રાપ્ત કરી. તે દરમિયાન રાષ્ટ્રવાદી સંગઠન ‘વુઇ-બર્મીઝ ઍસોસિયેશન’(Dobama Asi-ayone)માં સક્રિય રહ્યા અને 1939માં તેના મહામંત્રી બન્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં જાપાને  ચીન ખાતે તેમનો સંપર્ક સાધ્યો. 1941માં તે ટોકિયો ગયા. યુદ્ધમાં જાપાનને મદદરૂપ થઈ શકે તેવું લશ્કરી સંગઠન ‘બર્મા ઇન્ડિપેન્ડન્ટ આર્મી’ ઊભું કરવામાં જાપાને તેમને સહાય આપી. ઑંગ સાન તેના કમાન્ડર નિમાયા. મ્યાનમારના જે વિસ્તારો પર જાપાનનો કબજો થતો ત્યાં સ્થાનિક પ્રશાસનની જવાબદારી આ સંગઠનને સોંપવામાં આવતી. બા મૉના નેતૃત્વ હેઠળ જાપાનીઓએ મ્યાનમારમાં, યુદ્ધ દરમિયાન જે પૂતળાસરકાર રચી તેમાં ઑંગ સાન સંરક્ષણ પ્રધાન હતા (1943-45).

સાન ઑંગ

પરંતુ જાપાનના લશ્કરી શાસકોએ ઑંગ સાનના નેતૃત્વ હેઠળના મ્યાનમારના સૈનિકો સાથે જે પ્રકારનું વર્તન કર્યું તેનાથી ઑંગ સાન નારાજ હતા. યુદ્ધની સમાપ્તિ પછી મ્યાનમારને આઝાદી આપવા અંગેના જાપાનના ઇરાદાઓ અંગે પણ તે સાશંક બન્યા. પરિણામે માર્ચ, 1945માં તે પોતાના લશ્કર સાથે મિત્ર રાષ્ટ્રોના પક્ષમાં જોડાયા. ઑગસ્ટ, 1945માં જાપાને શરણાગતિ સ્વીકાર્યા પછી પોતાના સૈનિકોને બ્રિટિશ સેનામાં સામેલ કરવા અંગેનો બ્રિટિશ પ્રસ્તાવ સ્વીકારવાને બદલે ઑંગ સાને ‘પીપલ્સ વૉલન્ટરી ઑર્ગનાઇઝેશન’ના નામે નવું સંગઠન ઊભું કર્યું, જે સામાજિક સેવાના સ્વાંગ સાથે છૂપી રીતે દેશની આઝાદીની ચળવળ માટેનું સંગઠન હતું. તે દરમિયાન દેશની આઝાદીની લડત વધુ તીવ્ર, વ્યાપક અને લોકાભિમુખ બને તે હેતુથી 1944માં મ્યાનમારમાં ‘ઍન્ટિ-ફૅસિસ્ટ પીપલ્સ ફ્રીડમ લીગ’ની સ્થાપના કરવામાં આવી હતી; એમાં ઑંગ સાને સક્રિય ભાગ ભજવ્યો હતો. આ ભૂમિગત સંગઠન મારફત તેમણે રાષ્ટ્રવાદી નેતા તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. 1946માં બર્મીઝ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તરીકે રચવામાં આવેલી કામચલાઉ સરકારના ઉપપ્રમુખ તરીકે તેમની વરણી થઈ. મ્યાનમારની આઝાદી અંગે બ્રિટિશ પંતપ્રધાન ક્લેમેન્ટ ઍટલી સાથે મંત્રણા કર્યા પછી જાન્યુઆરી, 1947માં બંને પક્ષો વચ્ચેના કરારની ઘોષણા કરવામાં આવી. એક વર્ષ દરમિયાન મ્યાનમારને આઝાદી બહાલ કરવા અંગેનો તે કરાર હતો. કરારના ભાગરૂપે આઝાદ મ્યાનમાર માટે બંધારણસમિતિની રચના કરવા માટે જે સામાન્ય ચૂંટણી થઈ તેમાં ઑંગ સાનના નેતૃત્વ હેઠળના પક્ષને કુલ 202 બેઠકોમાંથી 196 બેઠકો પર વિજય મળ્યો. 19 જુલાઈ, 1947ના રોજ મંત્રીમંડળની ચાલુ બેઠક દરમિયાન તેમની તથા તેમના મંત્રીમંડળના છ અન્ય મંત્રીઓની ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેને માટે તેમના રાજકીય પ્રતિસ્પર્ધી યુ સૉને ફાંસી આપવામાં આવી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે