ઓહમનો નિયમ : જ્યૉર્જ સિમન ઓહમ (1787-1854) નામના જર્મન શિક્ષકે 1827માં પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત કરેલ નિયમ. આ પ્રયોગો અનુસાર વાહકના બે છેડા વચ્ચે વિદ્યુતવિભવ(electrical potential)માં વધારો કરતાં તેમાં વહેતા આનુષંગી વિદ્યુતપ્રવાહ(I)માં વધારો થાય છે. એટલે કે IαV અથવા અથવા અહીં R એક અચળાંક છે. તેને વાહકનો પ્રતિરોધ (resistance) કહે છે. આ એકમ વિજ્ઞાનીના નામ ઉપરથી ઓહમ કહેવાયો; અને ઉપરના ગણિતીય સંબંધને ‘ઓહમનો નિયમ’ કહે છે. કથનસ્વરૂપે તેને નીચે પ્રમાણે લખી શકાય :
અચળ તાપમાને કોઈ પણ વાહકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુતવિભવના સપ્રમાણમાં હોય છે.
વાહકનો પ્રતિરોધ તાપમાન પર આધારિત છે. કાર્બનના અપવાદ સિવાય સામાન્યત: તેનું મૂલ્ય તાપમાન સાથે વધતું હોય છે. તેથી જરૂરી શરત એ છે કે દરેક વખતે તેનું તાપમાન અચળ રહેવું જોઈએ. આ નિયમ દિષ્ટ-પ્રવાહ (direct current d.c.) માટે સાચો છે. પ્રત્યાવર્તી (alternating current – a.c.) પ્રવાહ પરિપથ માટે તેમાં ફેરફાર જરૂરી છે. પરિપથમાં વિદ્યુતપ્રવાહ વહેવાથી પ્રતિરોધ ઉપરાંત બીજા પ્રકારનો વિરોધ – પ્રતિબાધ (reactance) ઉત્પન્ન થાય છે. પ્રતિરોધ અને પ્રતિબાધના સરવાળાને અવબાધ (impedance) કહે છે; અને તેની સંજ્ઞા Z છે. અહીં Rની જગાએ Z વપરાય છે. જ્યારે a.c. પરિપથમાં અવબાધ, વિદ્યુતવિભવ અને વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર અચળ રહે તો ઓહમનો નિયમ લાગુ પાડી શકાય છે. તેથી .
જગન્નાથ ગિરધરલાલ સુથાર