ઓસિયાનિક પોએમ્સ : સ્કૉટિશ કવિ-અનુવાદક જેમ્સ મૅકફરસન (1736-1796) દ્વારા અનુવાદિત થયેલાં શ્રેણીબદ્ધ લોકકાવ્યો. અંગ્રેજી કવિતામાં જ નહિ પણ યુરોપનાં મુખ્ય રાષ્ટ્રો – ફ્રાંસ, જર્મની, ઇટાલી આદિ તેમજ અમેરિકાની કવિતામાં પણ જબરું આકર્ષણ જમાવવામાં તેમજ નિર્ણાયક અસર ઊભી કરવામાં આ કાવ્યોને મોટી સિદ્ધિ મળી છે. યુદ્ધ અને શૌર્ય, પ્રેમ અને કુરબાનીના કથાનકવાળાં કાવ્યોમાં મૅકફરસનને અપ્રતિમ રુચિ હતી. આને માટે તેમણે આયર્લૅન્ડની પુરાણકથાઓ, દંતકથાઓ અને લોકગીતોની મબલખ સામગ્રી આયર્લૅન્ડના પર્વતીય પ્રદેશોમાંથી મેળવી હતી.
ઈસુની ત્રીજી સદીમાં આયર્લૅન્ડમાં દંતકથારૂપ બની ગયેલા કવિ ઓસિયને લોકકથાઓનું વિપુલ સર્જન પદ્યમાં કર્યું હતું. ગૅલિક ભાષામાં રચાયેલાં લોકકવિ ઓસિયનનાં કાવ્યોના અનુવાદો મૅકફરસને આપવા માંડ્યા. મૅકફરસને 1765માં ઓસિયનની સમગ્ર કવિતાનો સંગ્રહ કાવ્યાત્મક ગદ્યમાં અનુવાદિત કરી પ્રસિદ્ધ કર્યો. વિવેચકોએ આ કાવ્યસંગ્રહનો પ્રત્યાઘાત જુદી જુદી રીતે આપ્યો છે. કેટલાકે આ પ્રકાશનનો અનન્ય પુરસ્કાર કર્યો છે, તો ડૉ. જૉનસન જેવા વિવેચકે આ આખા સંગ્રહને બનાવટી કહી નકાર્યો છે. જૉનસને ઓસિયનના સર્જનની મૂળ પ્રત મૅકફરસન રજૂ કરે તેવી માગણી કરી હતી, પણ મૅકફરસને ક્યારેય આ રચનાઓની મૂળ પ્રત રજૂ કરેલી નહિ. રોમેન્ટિક કવિતાનાં કેટલાંક વલણોનો પુન: પ્રસાર કરવામાં મૅકફરસનના અનુવાદોએ મોટો ભાગ ભજવ્યો છે તેની નોંધ વિવેચકોએ લીધી છે. જર્મન કવિ ગટે પણ આ અનુવાદોથી પ્રભાવિત થયેલા. તેમણે સ્વયં તેમની કૃતિ ‘વર્થર’ ઉપર મૅકફરસનના અનુવાદકાર્યની અસર નોંધી છે. હકીકત એ છે કે મૅકફરસને ઓસિયનની રચનાઓના અનુવાદોમાં પોતાનું ઘણું બધું મૌલિક સર્જન પણ ભેળવી દીધું છે.
નલિન રાવળ